નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો દરરોજ નવા પેંતરા અજમાવી રહ્યા છે. સામાન્ય લોકોની રોજિંદી જરૂરિયાતો જેવી કે ગેસ સિલિન્ડર બુકિંગ કે વીજળી બિલને હથિયાર બનાવીને ઠગાઈ કરવામાં આવી રહી છે. હાલમાં કેરળ પોલીસ દ્વારા એક ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં ગેસ બિલ અપડેટ કરવાના બહાને લોકોના બેંક એકાઉન્ટ સાફ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મેસેજ પ્રત્યે જાગૃતિ કેળવવી હવે અનિવાર્ય બની ગઈ છે.
કેવી રીતે થાય છે ગેસ બિલના નામે છેતરપિંડી?
સાયબર ઠગો સૌ પ્રથમ મોબાઈલ પર એક એવો મેસેજ મોકલે છે જેમાં લખ્યું હોય છે કે, "તમારું ગેસ બિલ પેન્ડિંગ છે અથવા બુકિંગ અધૂરું છે." જ્યારે ગ્રાહક ગભરાઈને સંપર્ક કરે છે, ત્યારે તેમને WhatsApp પર 'Gas Bill Update APK' નામની ફાઈલ મોકલવામાં આવે છે. આ કોઈ સામાન્ય ફાઈલ નથી, પરંતુ એક ખતરનાક વાયરસ ધરાવતી એપ છે. જેવી તમે આ એપ ઈન્સ્ટોલ કરો છો, કે તરત જ તમારા ફોનનો સંપૂર્ણ કંટ્રોલ ઠગ પાસે પહોંચી જાય છે અને પળભરમાં બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે.
સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય
નિષ્ણાતોના મતે, આ ઠગાઈમાં લોકોની ઉતાવળ અને ડરનો ફાયદો ઉઠાવવામાં આવે છે. મેસેજમાં 'Urgent' કે 'Last Warning' જેવા શબ્દો વાપરીને લોકોને વિચારવાનો સમય આપવામાં આવતો નથી. એકવાર તમારા ફોનમાં અજાણી એપ ઈન્સ્ટોલ થઈ જાય પછી તે તમારા OTP, પાસવર્ડ અને બેંકિંગ વિગતો ચોરી લે છે. સાયબર પોલીસે કડક સૂચના આપી છે કે ક્યારેય અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ લિંક પર ક્લિક ન કરવું અને હંમેશા સત્તાવાર એપ્લિકેશન કે વેબસાઈટ દ્વારા જ બુકિંગ અને પેમેન્ટ કરવું.
જો છેતરપિંડીનો શિકાર બનો તો શું કરવું?
જો તમે ભૂલથી આવી કોઈ લિંક પર ક્લિક કરી દીધું હોય અથવા નાણાકીય છેતરપિંડી થઈ હોય, તો ગભરાવાને બદલે તરત જ એક્શન લો. સૌથી પહેલા તમારા બેંક એકાઉન્ટને બ્લોક કરાવો અને ઈન્ટરનેટ બેંકિંગ બંધ કરો. ત્યારબાદ તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવો. આ ઉપરાંત તમે www.cybercrime.gov.in પોર્ટલ પર પણ ઓનલાઈન રિપોર્ટ કરી શકો છો. સમયસર લેવાયેલા પગલાં તમારા નાણાં પાછા અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.