Wed Aug 26 2026

Logo

ગલગોટિયાસ યુનિવર્સિટીનો વધુ એક ફ્રોડ? ચીની રોબોટ બાદ હવે કોરિયન ડ્રોનને પોતાનું ગણાવ્યું

2026-02-18 16:20:27
Author: Savan Zalariya
ગલગોટિયાસ યુનિવર્સિટીનો વધુ એક ફ્રોડ? ચીની રોબોટ બાદ હવે કોરિયન ડ્રોનને પોતાનું ગણાવ્યું

નવી દિલ્હી: ગ્રેટર નોઇડાની ગલગોટિયાસ યુનિવર્સિટી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. નવી દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ એક્સ્પોમાં ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક રોબોડોગ  રજુ કર્યો હતો, યુનિવર્સીટીના એક પ્રોફેસરે આ રોબોટને પોતાનું ઇન્વેન્શન ગણાવ્યું. બાદમાં જાણવા મળ્યું કે આ રોબોત ચીનની બનાવટનો છે. એવામાં ગલગોટિયાસ યુનિવર્સીટીનો વધુ એક ફ્રોડ જાણમાં આવ્યો છે. 

એઆઈ ઇમ્પેક્ટ સમિટ એક્સ્પોમાં ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક સોકર ડ્રોન પણ રજુ કર્યું હતું, યુનિવર્સીટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે આ ડ્રોન યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવ્યું છે. ગલગોટિયાસ યુનિવર્સીટીના પ્રોફેસર નેહા સિંહ એક વાયરલ વીડિયોમાં એક રિપોર્ટર સાથે વાત કરતા "સોકર ડ્રોન" વિશે સમજાવી રહ્યા છે. તેમણે કહ્યું આ ડ્રોનનું "એન્ડ-ટુ-એન્ડ એન્જિનિયરિંગ" કેમ્પસમાં કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા યુઝર્સે પ્રોફેસરના આ દાવાની પોલ ખોલી નાખી. વિડીયોમાં દેખાતું સોકર ડ્રોન દક્ષીણ કોરિયન કંપની હેલ્સેલ દ્વારા બનાવવામાં આવતા સ્ટ્રાઇકર V3 ARF જેવું જ છે. આ સોકર ડ્રોન બજારમાં માત્ર 40 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. ડ્રોન સોકર સ્પોર્ટ્સ માટે કંપની એ આ ડ્રોન બનાવ્યું છે, જે ઝડપથી પ્રચલિત થઇ રહેલી એક ઇન્ડોર ટીમ ગેમ છે.

પ્રોફેસર નેહા સિંહે એવો દાવો કર્યો હતો કે ગલગોટિયા યુનિવર્સીટી કેમ્પસમાં ભારતનું પહેલું "ડ્રોન ફૂટબોલ એરેના"બનવવામાં આવ્યું છે.