Mon Oct 05 2026

Logo

છેતરપિંડીના કેસમાં ભાગેડુ મહિલાને યુએઇથી ડિપોર્ટ કરાઇ: મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડી મેળવી

2026-08-05 17:57:55
Author: Yogesh D. Patel
છેતરપિંડીના કેસમાં ભાગેડુ મહિલાને યુએઇથી ડિપોર્ટ કરાઇ: મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડી મેળવી

મુંબઇ: મહારાષ્ટ્રમાં મોટા પાયે આર્થિક છેતરપિંડી આચરવાના કેસમાં ભાગેડુ મહિલાને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)થી ડિપોર્ટ કરવામાં આવી હતી.

વિશાખા રાઠોડ 3 ઑગસ્ટે પુણે પહોંચી હતી અને મહારાષ્ટ્ર પોલીસની ટીમે તેને કસ્ટડીમાં લીધી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રાઠોડને યુએએથી મહારાષ્ટ્રમાં લાવવા માટે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ વિદેશી બાબતો અને ગૃહ મંત્રાલય સાથે સમન્વયમાં કામ કર્યું હતું, જેને સફળતા મળી હતી, એમ સીબીઆઇએ નિવેદનમાં જણાવ્યું હતું.

આરોપી મોટા પાયે આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા કેસમાં વોન્ટેડ હતી. અન્યો સાથે કાવતરું ઘડી તેણે રોકાણકારોને નિશ્ર્ચિત માસિક વળતરની બાંયધરી આપી હતી અને ઘણી બધી યોજનામાં રોકાણ કરવા માટે પ્રેર્યા હતા.

મોટી સંખ્યામાં ભંડોળ ભેગું થતાં આરોપીઓએ તેની ઉચાપત કરી હતી. ઘણા બધા બૅંક અકાઉન્ટ અને ડિમેટ અકાઉન્ટ થકી ભંડોળ અન્યત્ર વાળવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર પોલીસની વિનંતી પર સીબીઆઇએ રાઠોડ વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી, એમ તેમણે નિવેદનમાં કહ્યું હતું.

(પીટીઆઇ)