Wed Aug 19 2026

Logo

મુંબઈમાં એક જ દિવસે બે જગ્યાએ આગના બનાવઃ ચર્ચગેટમાં ઈન્કમ ટેક્સ ઓફિસના બેઝમેન્ટમાં આગ લાગતા અફડાતફડી

2026-08-17 16:54:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈમાં સપ્તાહના પહેલા જ દિવસે એટલે બે અલગ-અલગ સ્થળે આગ લાગવાની ઘટનાઓ બની હતી. કાંદિવલીમાં સ્ટેશન રોડ પર આવેલી કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતાં આખી ઈમારત ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જ્યારે ચર્ચગેટમાં આવેલા ઈન્કમ ટેક્સ (આયકર ભવન)ના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી હતી. બંને ઘટનામાં ફાયર બ્રિગેડે સમયસર કામગીરી હાથ ધરી હતી. જોકે, સદનસીબે બંને આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ચર્ચગેટના આયકર ભવનમાં પણ લાગી આગ

કાંદિવલીની ઘટના બાદ આજે બપોરે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલા આયકર ભવનમાં પણ આગ લાગી હતી. મહર્ષિ કર્વે રોડ પર આવેલી આ ઈમારતના બેઝમેન્ટમાં આશરે બપોરે 2 વાગ્યે આગ લાગવાની જાણકારી મળી હતી.

આયકર ભવન બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત સાત માળની ઈમારત છે. અહીં આગ બેઝમેન્ટ સુધી મર્યાદિત રાખવામાં સફળતા મળી હોવાની માહિતી ફાયર બ્રિગેડના અધિકારીઓએ આપી હતી. આગની સાથે ઈમારતના ઉપરના માળે કેટલાક કર્મચારીઓ ફસાયા હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડે એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી અને બીજી તરફ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બારીઓ મારફતે સીડીનો ઉપયોગ કરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે અનેક ફાયર અધિકારીઓ, ફાયર એન્જિન અને વિશેષ ઇમરજન્સી વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. હાલ સુધી કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

કાંદિવલી સ્ટેશન રોડ પર આવેલી કમર્શિયલ બિલ્ડિંગમાં આજે વહેલી સવારે લેવલ-1ની આગ લાગી હતી. આગ મુખ્યત્વે ઈલેક્ટ્રિકલ વાયરિંગ અને ઈન્સ્ટોલેશન, લાકડાના ફર્નિચર, તાડપત્રી, વાંસ તેમ જ નજીકના કામચલાઉ ફળના સ્ટોલમાં રહેલી પ્લાસ્ટિક સહિતની સામગ્રી સુધી મર્યાદિત રહી હતી.

આગના કારણે બિલ્ડિંગમાં ભારે ધુમાડો છવાયો હતો. બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ચાર માળ હતા. ફાયર બ્રિગેડની ટીમે બીજા માળે આવેલા લોજિંગ હાઉસમાંથી 11 લોકોને સીડી મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગની અસર ચોથા માળે આવેલા તિરુપતિ બેન્ક્વેટ સુધી પણ પહોંચી હતી. અહીં અંદાજે 50 ચોરસ ફૂટ વિસ્તારમાં કપડાં, લાકડાનું ફર્નિચર અને ફોલ્સ સીલિંગને નુકસાન થયું હતું. ઉપરાંત, બિલ્ડિંગની બહારની બાજુએ લગાવવામાં આવેલા એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના ડેકોરેટિવ શીટ્સને પણ નુકસાન થયું હતું.
ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ સવારે 6:07 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી અને તપાસ ચાલી રહી છે.

બાંદ્રામાં બે દિવસ પહેલાં આગ, સાત લોકોને શ્વાસ લેવામાં તકલીફ

અત્રે ઉલ્લેખનીય છે કે  શનિવારે, 15 ઓગસ્ટના રોજ બાંદ્રા પશ્ચિમમાં પણ આગની ઘટના બની હતી. સ્ટેશન રોડ પર આવેલા એમ. કે. ચેમ્બર્સ, બી વિંગમાં ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ઈમારતમાં સવારે આશરે 10:23 વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે 10:49 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટનામાં ધુમાડાના કારણે સાત લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. અસરગ્રસ્તોમાં ગજાલા જાવેદ શેખ, 47, જાવેદ દિલદાર શેખ, 48, તાહેરા ઈસ્માઇલ શેખ, 28, મોહિમુદ્દીન જાવેદ શેખ, 8, ઈસ્માઇલ અખીનુદ્દીન શેખ, 38, મરિહા જાવેદ શેખ, 12 અને મેહનૂર જાવેદ શેખ, 20નો સમાવેશ થાય છે. તમામની સ્થિતિ સ્થિર હોવાનું અને તેમને ઓપીડીમાં સારવાર અપાઈ  હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. મુંબઈમાં સતત આગની આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફાયર સેફ્ટી અને ઈમારતોમાં સલામતીના નિયમોના પાલન અંગે ફરી સવાલો ઊભા થયા છે.