Mon Jul 27 2026

Logo

મમતા બેનરજીની મુશ્કેલી વધીઃ ભડકાઉ નિવેદન બદલ ફરિયાદ, ગૃહ મંત્રાલય પર લગાવ્યા હતા ગંભીર આરોપ

2026-06-04 19:21:13
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ નિવેદન આપવાના કેસમાં પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ફરિયાદ નોંધાઈ છે. આજે પોલીસે આ કેસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે સિલિગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક વકીલની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે કેસ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ બીજી જૂનના કૉલકાતામાં રાની રાશમોની રોડ પર એક વિરોધ પ્રદર્શનની સભા દરમિયાન મમતા બેનરજીના નિવેદનને લઈને છે, જેમાં બાંગ્લાદેશી નાગરિક ઉસ્માન હાદીની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

ગૃહમંત્રાલય પર આરોપ મૂક્યા

આ સાથે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી અમિત શાહને ફસાવી દેવા અંગે નિવેદન આપ્યું હતું. વકીલ રિંકી સેન ચેટરજીએ મમતાદીદી સામે ફરિયાદ નોંધાવી છે. તેણે એવો આરોપ લગાવ્યો હતો કે, ઉસ્માન હાદીની હત્યા ગત ડીસેમ્બરમાં બાંગ્લાદેશમાં કરવામાં આવી હતી. હાદીના હત્યારા મેઘાલય બોર્ડર પાર કરીને જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળમાં આવ્યા હતા. 

રાજ્યની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે એ દિવસોમાં એમને પકડી પણ લીધા હતા. મમતા બેનરજીએ એક સભાના સંબોધનમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.એ પછી સંકેત આપ્યા હતા કે, હત્યા ભલે બીજા દેશમાં થઈ હોય પણ એમને ખ્યાલ છે કે, આ કેસમાં કોણ કોણ સામેલ હતા?એ પછી તેમણે ગૃહ મંત્રાલય પર આરોપ લગાવ્યા હતા. રિંકી સેને ઉમેર્યું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે હતા એ સમયે પણ આ કેસને ડાયરેક્ટ ગૃહ મંત્રાલય સાથે રહીને ઊઠાવી શકે એમ હતા. પણ હવે આ મુદ્દાને ફરી ઊભો કરીને વેગ આપવામાં આવી રહ્યો છે. 

મેઘાલયના રસ્તે બંગાળ આવ્યા

હવે તેઓ દાવો કરે છે કે હત્યા બાંગ્લાદેશમાં થઈ હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર આ કામગીરી થઈ હતી. આ એક હત્યાનું પૂર્વઆયોજિત કાવતરૂ હતું. આ પ્રકારના આરોપ લગાવીને તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ ઊભો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારના નિવેદનથી દેશની છબિ ખરાબ કરી રહ્યા છે. એમની ટિપ્પણીઓ બાંગ્લાદેશના હિન્દુની સુરક્ષાને જોખમમાં મૂકે છે.

મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે ગુપ્તતાના શપથ લીધા હતા પણ પદ છોડ્યા બાદ તેમણે ફરી કટ્ટરપથી તત્ત્વોને ઉશ્કેરી લીધા છે, જે ખરેખર ખોટું છે. સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે જ્યારે આ આરોપીની ધરપકડ કરી હતી એ સમયે બાંગ્લાદેશમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. હું કોઈ બીજા દેશની વાત કરવા માગતી નથી પણ મુદ્દો એ છે કે, આવા લોકો મેઘાલયના રસ્તેથી બંગાળમાં આવી જાય છે.