નવી દિલ્હીઃ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે આજે ઈ-કોમર્સ કંપનીઓને માત્ર નિકાસ માટેનાં સ્ટોકને મંજૂરી આપતાં સીધા વિદેશી રોકાણનાં ધોરણોને મંજૂરી આપી છે.
આ કંપનીઓએ ભારતમાં ઉત્પાદિત થયેલા માલની નિકાસ કરવાની રહેશે. જોકે, રિટેલિંગમાં સ્ટોક આધારીત સીધા વિદેશી રોકાણને મંજૂરી નથી આપવામાં આવી. વધુમાં ગત બીજી સપ્ટેમ્બરનાં નોટિફિકેશનમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (નોન ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ) રૂલ્સ, 2019માં આ જોગવાઈ ઉમેરવામાં આવી હોવાનું ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
ઈ-કોમર્સ કંપનીને ફોરેન ટ્રેડ પૉલિસી 2023ની જોગવાઈઓ મુજબ હેન્ડબુક ઑફ પ્રોસિજર (એચબીપી) અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (એક્સપોર્ટ ઑફ ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ) રેગ્યુલેશન્સ 215 સાથે જોવામાં આવે છે તે અનુસાર ભારતમાં ઉત્પાદિત અથવા ઉત્પાદનોની નિકાસ માટે ફક્ત ઈ-કોમર્સના ઈન્વેન્ટરી અથવા તો સ્ટોક આધારીત મોડૅલમાં જોડાવાની પરવાનગી છે. આ નિર્ણય ગત જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવેલો હતો તે હવે અમલમાં આવ્યો છે.
બિઝનૅસ ટૂ ક્નઝ્યુમર (બીટૂસી) અને સ્ટોક આધારીત ઈ-કોમર્સ મૉડૅલ પરનાં નિયંત્રણો ઈ-કોમર્સ દ્વારા માલ અથવા ઉત્પાદનોની નિકાસ પર લાગુ થશે નહીં, એમ જણાવવામાં આવ્યું છે. આ નિર્ણય અંગે મંતવ્ય આપતા નાંગિયા ઍન્ડ કંપનીનાં સિનિયર પાર્ટનર અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે હવે એફડીઆઈ રોકાણ કરાયેલ ઈ-કોમર્સ કંપની જે ઉત્પાદનોનો અંતિમ ઉપયોગ નિકાસ હોય અથવા તો સ્થાનિક વપરાશ ન હોય તેવાં ભારતીય મૂળના માલની પોતાનો સ્ટોક રાખી અને વેચી શકે છે.
આ સુધારા થકી બે નીતિવિષયક હેતુ સિદ્ધ થશે. એક તો નિકાસ આધારીત સ્ટોકનું એક વિશિષ્ટ મૉડૅલ ખુલશે જેનાથી ભારતીય ઉત્પાદકોને સમર્થિત પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક સ્તરે સ્કેલ કરવા માટે ખરા અર્થમાં પ્રોત્સાહન આપે છે, જ્યારે બીજી તરફ તે સ્થાનિક વેચાણ માટે સ્ટોક આધારિત મોડૅલ અવરોધને મજબૂત રહીતે અકબંધ રાખે છે જે ખાતરી આપે છે કે રિટેલ સ્ટોર્સ અને નાના રિટેલરોને ભારતની ઈ-કોમર્સની નીતિમાં સુરક્ષિત રાખે છે, એમ અગ્રવાલે જણાવતાં ઉમેર્યું હતું કે આ મુક્તિ પર આધાર રાખતી ઈ-કોમર્સ કંપનીએ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન અથવા તો વ્યવહારમાં માલ ભારતીય મૂળનો છે, વિદેશ વેપાર નીતિ હેઠળ નિકાસ કરવામાં આવે છે અને ફેમાના નિકાસ નિયમનો અનુસાર નિકાસ રળતર પ્રાપ્ત થયાના અહેવાલ આપવાના રહેશે.