Tue Jul 28 2026

Logo

કોલ્હાપુરમાં મહિલા પાર્ટનરની હત્યા: શબ લઈ ભિવંડી પહોંચેલો આરોપી પકડાયો

2026-07-28 17:28:01
Author: Yogesh C. Patel
Article Image

થાણે: અફૅરની શંકા પરથી મહિલા પાર્ટનરની ગળું દબાવીને કથિત હત્યા કરનારો આરોપી શબ લઈને કોલ્હાપુરથી છેક 350 કિલોમીટર દૂર થાણે જિલ્લાના ભિવંડી સુધી આવ્યો હતો. પોલીસે કારને આંતરી આરોપી સાથે શબને તાબામાં લીધું હતું.નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિજય કાબદાનેએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ પ્રકાશ આનંદ પાટીલ (40) તરીકે થઈ હતી. કોલ્હાપુર જિલ્લાના શિરગાંવના વતની પાટીલને એ જ ગામમાં રહેતી વિધવા સુરેખા શિવાજીને આરે (40) સાથે સંબંધ હતા.

પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે સુરેખા બીજા યુવાનના સંપર્કમાં હોવાની શંકા પાટીલને હતી. અન્ય યુવાન સાથે અફૅરની વાતને લઈ બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. રવિવારની સવારે 11 વાગ્યાની આસપાસ પાટીલે સુરેખાને મળવા માટે તેના ખેતરમાં બોલાવી હતી, જ્યાં ગળું દબાવી સુરેખાની હત્યા કરવામાં આવી હતી.હત્યા પછી સુરેખાના શબને એક કારમાં સંતાડવામાં આવ્યું હતું. આખી રાત કાર ડ્રાઈવ કરીને પાટીલ સુરેખાના મૃતદેહ સાથે ભિવંડી પહોંચ્યો હતો. 

પોલીસના જણાવ્યા મુજબ મળેલી માહિતીને આધારે નારપોલી પોલીસની ટીમે ભિવંડીના કશેળી ખાતે કારને આંતરી હતી. કારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતાં પાટીલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શબને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો.આ પ્રકરણે નારપોલી પોલીસે પાટીલ વિરુદ્ધ હત્યાનો ઝીરો એફઆઈઆર નોંધ્યો હતો. ઘટના કોલ્હાપુરમાં બની હોવાથી કેસ ત્યાંના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વધુ તપાસ કોલ્હાપુર પોલીસ કરી રહી છે. જોકે પાટીલ આટલે દૂર સુધી શબ શા માટે લઈને આવ્યો હતો તે અંગે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નહોતી. (પીટીઆઈ)