ચેમ્બુરના વેરહાઉસમાંથી એક્સપાયર્ડ સ્ટોક જપ્ત; સમગ્ર ગોડાઉન સીલ કરાયું
મુંબઈ: મુંબઈના ચેમ્બુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના ચેમ્બુર સ્થિત વાશીનાકા પરિસરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની તપાસ દરમિયાન પાર્લે એગ્રો સાથે જોડાયેલા વેલોસિટી એક્સપ્રેસના ગોડાઉનમાંથી એક્સપાયર્ડ ફ્રૂટી અને એપ્પી ફિઝ સહિતના પીણાંનો જથ્થો મળી આવતાં કાર્યવાહી કરાઈ હતી.
એફડીએએ વેરહાઉસમાંથી રૂ. 99,970ની કિંમતનો એક્સપાયર્ડ સ્ટોક જપ્ત કરી તેનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. જપ્ત કરાયેલા ઉત્પાદનોમાં ફ્રૂટી ઉપરાંત એપ્પી ફિઝ અને કેન્ડી જ્યુસનો પણ સમાવેશ થાય છે.
મળેલી માહિતી મુજબ, ચેમ્બુરના વાશીનાકા વિસ્તારમાં એલ.યુ. ગડકરી માર્ગ પર આવેલા પ્રયાગનગરના વેરહાઉસમાં 13 ઓગસ્ટની સાંજે આશરે 6 વાગ્યાથી 14 ઓગસ્ટની સવારે 5 વાગ્યા સુધી એફડીએની આઠ અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાં વેચાણ અને વિતરણ માટે રાખવામાં આવેલા એક્સપાયર્ડ પીણાંના પણ બેચ મળી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એફડીએએ જપ્ત કરાયેલા એક્સપાયર્ડ ફ્રૂટી, એપ્પી ફિઝ અને કેન્ડી જ્યુસના જથ્થાને આગળ વેચવા, ખસેડવા અથવા વિતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કાર્યવાહી બાદ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ઉત્પાદનોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા બે વાહનોને પણ અટકાવવામાં આવ્યા હતા. સત્તાવાળાઓની આગળની સૂચના ન મળે ત્યાં સુધી ગોડાઉનમાંથી કોઈપણ ખાદ્ય પદાર્થ વેચવાની કે તેના પરિવહનની મંજૂરી અપાઈ નથી.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે મહારાષ્ટ્ર એફડીએ દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને રાજ્યભરમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 13 ઓગસ્ટે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ મારફતે ખાદ્ય પદાર્થોનો વ્યવસાય કરતા 86 એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 14 ફૂડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે 60 એકમોને સુધારણા માટે નોટિસ આપવામાં આવી હતી. એક એકમને તાત્કાલિક કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
એફડીએની કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત પાન મસાલા અને ગુટખાના વેચાણ, વિતરણ અને પરિવહન મામલે 10 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ રૂ. 46,76,631ની કિંમતનો પ્રતિબંધિત ખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત દૂધ અને ડેરી ઉત્પાદનો, બેકરી પ્રોડક્ટ્સ તથા ખાદ્ય તેલ સહિત આશરે 1,270 કિલોગ્રામ અન્ય ખાદ્ય પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 1,29,762 હતી.આ સિવાય પણ એફડીએએ 109 હોટેલ, રેસ્ટોરા, ઢાબા અને અન્ય ખાદ્ય યુનિટની પણ તપાસ કરી હતી. તેમાં 49 વ્યવસાયોને ઈમ્પ્રુવમેન્ટની નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ચાર ફૂડ એસ્ટેબ્લિશમેન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા હતા.
મુંબઈના ગોડાઉનમાં એક્સપાયર્ડ ફ્રૂટી સહિતના પીણાં મળી આવવાની ઘટનાએ ખાદ્ય ઉત્પાદનોના સંગ્રહ અને સપ્લાય ચેઈન પર સવાલ ઊભા કર્યા છે. એક્સપાયર્ડ પ્રોડક્ટ ગ્રાહકો સુધી ન પહોંચે તે માટે એફડીએએ સ્ટોક જપ્ત કરી ગોડાઉન સીલ કર્યું છે. હવે તપાસમાં આ એક્સપાયર્ડ ઉત્પાદનોનો જથ્થો ગોડાઉનમાં કેટલા સમયથી હતો અને તેના વેચાણ કે વિતરણની કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે તે પણ જાણવાના પ્રયાસ શરૂ છે.