Sun Jul 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કિજલનાં પ્રેમલગ્ન સામે દેકારો, હિંદુ એકતાના ઠેકેદારો ક્યાં સંતાઈ ગયા?

2026-03-14 07:39:35
Author: ભરત ભારદ્વાજ
Article Image

ભરત ભારદ્વાજ

ગુજરાતમાં હમણાં જાણીતી ગાયિકા કિજંલ રબારીનાં પ્રેમલગ્ન બબાલ ઊભી કરી દીધી છે. કિજલ રબારીએ અશોક ચૌધરી નામના આંજણા પટેલ સમાજના છોકરા સાથે લગ્ન કર્યાં તેમાં તો રબારી જ્ઞાતિના કેટલાક લોકોએ દેકારો મચાવી દીધો છે. કિજલને મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે ને તેના કારણે કિજલે પોતાના પતિ સાથે ભાગી જવું પડ્યું છે. કિજલ ફોન બંધ કરીને અજ્ઞાતવાસમાં જતી રહી છે પણ સમાજના બની બેઠેલા મોવડીઓને ધરવ નથી એટલે સોશ્યલ મીડિયા મારફતે કિજલને શોધી લાવવાના હાકલાપડકારા થઈ રહ્યા છે. 

બનાસકાંઠાના એક કૉંગ્રેસ આગેવાને તો પોતાના બાપનું રાજ ચાલતું હોય ને પોતે સમાંતર સરકાર ચલાવતા હોય એમ `સનાતન ધર્મ'ના નામે ખુલ્લી ધમકી જ આપી કે, અમારા સમાજને સમાજની સામે પડનારાંને પાતાળમાંથી પણ શોધીને દાટી દેતાં આવડે છે તેથી કોઈ ભરમમા ના રહેતા ને એવું કરવું પડે એ પહેલાં સરેન્ડર કરી દો. કોઈએ અપરાધ કર્યો હોય તો પોલીસ કે કોર્ટ સામે સરેન્ડર કરવાનું હોય પણ અહીં તો જેને કોઈ પોતાના ગામની બહાર ભોજીયોભઈ પણ ઓળખતો નથી એવો માણસ સરેન્ડર કરવા અલ્ટિમેટમ આપી રહ્યો છે. 

હદ તો એ થઈ ગઈ કે, સમાજના નામે એવા મેસેજ પણ ફરતા થઈ ગયા છે કે, કિજલની જેમ સમાજની બીજી છોકરીઓ વંઠી ના જાય એટલે તેમનાં સોસ્યલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવી દો. ઈન્સ્ટાગ્રામ ને સ્નેપચેટના કારણે છોકરીઓ પ્રેમના રવાડે ચડે છે તેથી તેમને કાબૂમાં કરવા માટે તાત્કાલિક રીતે 10 દિવસ માટે ઈન્સ્ટાગ્રામ ને સ્નેપચેટ આઈડી બંધ કરાવી દો. મા-બાપ અને ભાઈઓને ઈન્સ્ટાગ્રામ ને સ્નેપચેટ આઈડી બંધ કરાવવામાં સહકાર આપવા વિનંતી કરાઈ છે ને ધમકી અપાઈ છે કે, આઈડી બંધ નહીં કરાય તો ચોક્કસ ગ્રૂપ દ્વારા ટ્રોલ કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર બીજી પણ ઘણી પોસ્ટ ફરતી કરાઈ છે ને તેમાં કિજલને ખુલ્લા મોતની ધમકીઓ મળી રહી છે. 

આ ઘટનાક્રમ આઘાતજનક છે ને તેનાથી વધારે આઘાતજનક આ લુખ્ખી ગુંડાગીરી સામે સમાજ ને સરકારનું મૌન છે. જ્ઞાતિઓના આગેવાનો સામે ઘૂંટણ ટેકવીને ગુજરાતની ભાજપ સરકારે લગ્ન નોંધણીમાં ફેરફારોની જાહેરાત કરી ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહેલું કે, કોઈ સલીમ સુરેશ બનીને હિંદુ દીકરીને ફસાવે એ નહીં ચલાવી લેવાય તેથી આ ફેરફારો કરાયા છે. સરકાર હિંદુ દીકરીઓની ચિંતા કરે ને તેમને બદઈરાદાથી ફસાવતા વિધર્મીઓથી બચાવે એ સારી વાત છે પણ કિજલના કિસ્સામાં તો એવું કંઈ જ નથી છતાં સરકાર સોશ્યલ મીડિયા પર તેને ખુલ્લેઆમ મારી નાંખવાની ધમકી આપનારાંને કેમ કશું કરતી નથી ?  

કિજલ રબારી હિંદુ દીકરી છે ને કિજલે જેની સાથે લગ્ન કર્યાં એ અશોક ચૌધરી પણ અશરફમાં થી અશોક બનેલો મુસલમાન નથી પણ હિંદુ જ છે છતાં કિજલની પડખે ઊભા રહેવા સરકાર તૈયાર કેમ નથી ? એક દીકરીએ પછાતપણામાં જીવતા લોકોના કારણે જીવ બચાવવા સંતાતા ફરવું પડે એ જોઈને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી ઘટના છે ને છતાં કેમ કોઈનું લોહી ઉકળતું નથી ? 

હિંદુઓમાં આંતરજ્ઞાતિય લગ્નો માટે અઢી લાખની સહાય આપનારી સરકાર કેમ ખોંખારીને કહેતી નથી કે કિજલ કે તેના પતિનો વાળ પણ વાંકો નહીં થાય. સરકારે હિંદુ દીકરી ને તેના હિંદુ પતિને ધમકી આપનારને ઉઠાવીને જેલમાં નાંખવો જોઈએ ને એવો સીધો કરવો જોઈએ કે, બીજો કોઈ હિંદુઓમાં થતાં આંતરજ્ઞાતિય લગ્ન સામે બોલવાની હિંમત ના કરે. તેના બદલે અહીં તો કશું થતું નથી. 

કિજલ પોતાનું અને પોતાના પતિનું રક્ષણ કરવા માટે રીતસરની આજીજી કરી રહી છે ને સામે સમાજના લુખ્ખાઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે ને સરકાર તમાશો જોઈ રહી છે. કિજલે પોતે બબ્બે વીડિયો મૂકીને કહ્યું છે કે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે ને આ મારો અંગત નિર્ણય છે છતાં સમાજના બની બેઠેલા ઠેકેદારો તેને શોધી લાવવાના ફતવા બહાર પાડે છે, પાતાળમાંથી શોધી લાવીને દાટી દેવાની ધમકીઓ આપે છે ને સરકારમાં બેઠેલા લોકો તેમને કશું કરતા નથી, હિંદુ સમાજના બની બેઠેલા ઠેકેદારો તો મોંમાં મગ ઓરીને જ બેસી ગયા છે. એક હિંદુ છોકરી હિંદુ છોકરાને પરણે પછી તેના જીવને જોખમ ઊભું થાય ને તેણે જીવ બચાવવા માટે ભાગતા ફરવું પડે છે ને કહેવાતાં હિંદુ સંગઠનોના આગેવાનો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા છે. 

હિંદુવાદી સંગઠનો દ્વારા હિંદુ એકતાની મોટી મોટી વાતો થાય છે પણ આ વાતો કેટલી ખોખલી છે એ આ ઘટનાએ છતું કરી દીધું છે. બીજી જ્ઞાતિના છોકરાને મરજીથી પરણનારી હિંદુ દીકરીની પડખે નહીં ઊભા રહેનારા હિંદુવાદીઓ આ રીતે હિંદુ એકતા લાવશે ? જ્ઞાન પિરસવાનું આવે ત્યારે આ લખોટાઓ ભગવાન કૃષ્ણે કઈ રીતે દ્રૌપદીનાં ચિર પૂરેલાં તેની પારાયણો માંડીને બેસી જાય છે ને અહીં એક હિંદુ છોકરીને રક્ષણ આપવા આગળ આવવાની વાત તો છોડો પણ તેના બચાવ માટે બોલવાની કોઈની હિંમત નથી. આ ક્યા પ્રકારનું હિંદુત્વ છે, ભાઈ ? કહેવાતા હિંદુવાદી આગેવાનોની માનસિક નપુસંકતાની આ પરાકાષ્ઠા છે.  

કિજલની કનડગત સામે રબારી સમાજની ચૂપકીદી પણ કઠે છે. આ દેશનું બંધારણ કિજલને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. આ અધિકારનો ઉપયોગ કરીને દીકરીએ લગ્ન કર્યાં તેમાં મુઠ્ઠીભર લોકોને પેટમાં દુ:ખ્યું તેમાં તો બિચારી છોકરી ભાગતી થઈ ગઈ છે. જે લોકો વાંધો લઈ રહ્યા છે એ દેશના બંધારણનો અનાદર કરીને દેશદ્રોહ કરી રહ્યા છે પણ આ દેશમાં પરંપરાના નામે તમે દેશદ્રોહ કરો કે દેશ સાથે ગદ્દારી કરો બધું ચાલે છે. 

જેમને વાંધો છે એ  સમાજના નામે બધું કરી રહ્યા છે ને સમાજ  ચૂપ છે. રબારી સમાજમાં લાખો લોકો છે ને સમાજનાં મોટા ભાગનાં લોકોને કિજલે શું કર્યં તેની સાથે કંઈ લેવાદેવા નથી પણ તેમનામાં સમાજના આગેવાનો સામે બોલવાની હિંમત નથી. તેના કારણે આખો સમાજ સાતમી સદીમાં પછાતપણામાં સબડી રહ્યો હોવાની છાપ પડી રહી છે. આખો સમાજ બંધારણને ગણકારતો નથી એવી પણ છાપ પડી રહી છે. 

કિજલે કશું ખોટું કર્યું નથી છતાં તેણે જે સહન કરવું પડી રહ્યું છે એ જોઈને આ દેશના ભાવિ અંગે ચિંતા થાય છે. કિજલ સાથે થઈ રહેલા વર્તન પછી આખા સમાજે વિચારવાની જરૂર છે કે, આપણી યુવા પેઢીને આપણે મુક્ત રીતે જીવવા દેવા માગીએ છીએ કે દમન ને ધમકીઓ દ્વારા આપણી કહેવાતી પરંપરાઓ ને રીતિરિવાજોના ગુલામ બનીને ગૂંગળાવી નાંખવા માગીએ છીએ?