Tue May 05 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ બંગાળમાં ભાજપની જીત બહુ મોટી, વિજયનો વિજય આશ્ચર્યજનક

2026-05-05 07:53:09
Author: ભરત ભારદ્વાજ
Article Image

ભરત ભારદ્વાજ

પશ્ચિમ બંગાળ, આસામ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરી એ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોથી ભાજપમાં હરખની હેલી આવી ગઈ છે જ્યારે વિપક્ષી છાવણીમાં ઘોર નિરાશા છે. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો હરખાવા જેવો દેખાવ છે ને તેમાં પણ બંગાળમાં તો 15 વર્ષથી જામી પડેલાં મમતા બેનરજીને પછાડીને ભાજપે જીત મેળવી છે તેથી ભાજપને ખુશ થવાનો પૂરો અધિકાર છે. બંગાળની ચૂંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો. બંગાળની જીતે ભાજપની માત્ર આબરૂ જ નથી સાચવી પણ ભાજપ ચૂંટણીઓમાં ધારે એ કરી બતાવે છે એ પણ સાબિત કર્યું છે. 

વરસોથી ભાજપનું સપનું પશ્ચિમ બંગાળમાં સત્તા કબજે કરીને મમતા બેનરજીને ઘરભેગાં કરવાનું હતું અને ત્રીજા પ્રયત્ને ભાજપ સફળ થયો છે. બંગાળ વિધાનસભાની 293 બેઠકોમાંથી 191 એટલે કે લગભગ બે તૃતીયાંશ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો છે અને તૃણમૂલ કૉંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. આસામમાં અપેક્ષા પ્રમાણે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને સતત ત્રીજી વાર સત્તા કબજે કરી છે તેથી ભાજપ ખુશ છે જ્યારે તમિળનાડુમાં ભાજપનો સાથીએઆઈએડીએમકે બીજા નંબરે આવ્યો અને પુડુચેરીમાં ભાજપના સાથી ઓલ ઈન્ડિયા કૉંગ્રેસની ફરી સરકાર રચાશે તેથી ભાજપ ખુશ છે.  

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ વિરોધના મશાલચી એવા બે ધુરંધર મમતા બેનરજી અને એમ.કે. સ્ટાલિનની ભાવિનો ફેંસલો થઈ ગયો છે ને બંને ઘરભેગાં થઈ ગયાં છે. મમતાને ભાજપે ઘરભેગાં કર્યાં જ્યારે તમિળનાડુમાં તાજા તાજા રાજકારણી બનેલા ફિલ્મ અભિનેતા વિજયે ભાજપનું કામ કરી નાંખ્યું છે. વિજય ભાજપનો વિરોધી છે તેથી તેની જીતથી ભાજપને સીધો કોઈ ફાયદો નથી. ઊલટાનું સત્તાની લાલચમાં એઆઈએડીએમકે ભાજપને તરછોડીને વિજયની પંગતમાં બેસી જાય એવો ખતરો છે પણ એ બધી પછીની વાત છે. અત્યારે તો ભાજપ સામે સતત ઝેર ઓકતા સ્ટાલિનનું બોર્ડ પતી ગયું તેથી ભાજપ હરખાઈ રહ્યો છે. તમિલનાડુમાં વિજયની ભવ્ય જીત આશ્ચર્યનજનક છે ને તેની વાત પછી કરીશું પણ પહેલાં બંગાળમાં ભાજપે મેળવેલી ભવ્ય જીતની વાત કરી લઈએ. 

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બહુ મોટી છે કેમ કે મમતા બેનરજીની ગુંડાગીરી ને ઝનૂન સામે ટકવું સરળ નથી. કૉંગ્રેસ અને ડાબેરીઓ તો બહુ પહેલાં જ મમતા સામેના જંગમાં સાફ થઈ ચૂક્યા છે પણ ભાજપે હથિયાર હેઠાં મૂકવાના બદલે જંગ ચાલુ રાખ્યો. ભાજપ છેલ્લાં 10 વર્ષથી મમતાને પછાડવા મથતો હતો. 2016 અને 2021ની ચૂંટણીમાં પણ ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. મમતાની તૃણમૂલ કૉંગ્રેસના ટોચના નેતાઓને તોડીને ભાજપમાં લઈ આવવાથી માંડીને ઉગ્ર હિંદુત્વ સુધીનાં બધાં હથિયાર ભાજપે અજમાવી દીધેલાં પણ મમતાને પછાડવામાં સફળ નહોતાં થયાં. 

આ વખતે ભાજપે ગીયર બદલીને લોકોને સીધો ફાયદો કરાવવા પર ભાર મૂક્યો. લોકો સુધી આ વાત પહોંચાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંનેએ બંગાળમાં ધામા નાંખી દીધા હતા. ભાજપે આ વખતે ગીયર બદલી નાંખ્યો અને હિંદુત્વ સહિતના મુદ્દાઓને કોરાણે મૂકીને બીજાં રાજ્યોમાં અક્સિર સાબિત થયેલી મહિલાઓના ખાતામાં સીધા મહિને 3000 રૂપિયા જમા કરાવવાની સ્કીમને જ મહત્ત્વ આપ્યું. મમતા બેનરજીની સરકાર લોકોને સીધો ફાયદો આપે છે એવી તમામ સ્કીમોનો તોડ કાઢીને ભાજપે ચૂંટણી ઢંઢેરામાં મૂકી દીધી. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ ગુંડાગીરી કરીને જીતે નહીં એ માટેનો પાકો બંદોબસ્ત પણ ભાજપે કરી નાંખેલો ને તેનું ફળ ભાજપને મળ્યું છે. 

બંગાળની હાર સાથે મમતા બેનરજીના રાજકીય ભવિષ્ય સામે સવાલ ઊભો થઈ ગયો છે. સાવ નંખાઈ ગયેલાં મમતા અત્યારે 71 વર્ષનાં છે ને ભાજપની આક્રમકતા સામે ટક્કર લેવાનું તેમનું ગજું હવે લાગતું નથી એ જોતાં મમતાની રાજકીય કારકિર્દીનો સંકેલો થઈ જાય એવી પૂરી શક્યતા છે. તૃણમૂલ કૉંગ્રેસ પાસે બીજી જોરદાર નેતાગીરી નથી એ જોતાં ધીરે ધીરે તૃણમૂલ જ નામશેષ થઈ જાય એવો પણ પૂરો ખતરો છે. 

બંગાળમાં શું થશે તેની ખબર પડશે જ પણ બંગાળ જેટલી જ ચર્ચા અત્યારે તમિળનાડુનાં પરિણામોની છે કેમ કે તમિળનાડુમાં ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટીને આવી ભવ્ય સફળતા મળશે એવી કોઈને આશા નહોતી. એક્ઝિટ પોલ પણ વિજયના ભવ્ય વિજયની આગાહી નહોતા કરતા ને વિજય બહુ બહુ તો કિંગ મેકર બની શકે એવી વાતો કરતાં હતાં એ જોતાં તમિળનાડુનાં પરિણામ લોકો માટે આંચકાજનક છે. 

વધારે આંચકાજનક વાત એ છે કે, સત્તાધારી ડીએમકે છેક ત્રીજા સ્થાને આવી ગઈ છે જ્યારે ભાજપ સાથે જોડાણ કરીને લડનારી એઆઈએડીએમકે બીજા સ્થાને આવી છે. જયલલિતાની વિદાય પછી અંદરોઅંદર લડી રહેલા એઆઈએડીએમકેને આવી સફળતા મળશે એવી પણ કોઈને કલ્પના નહોતી. 

વિજયની પાર્ટીને સ્પષ્ટ બહુમતી માટે જરૂરી બેઠકો નથી મળી પણ બહુમતીથી બહુ દૂર પણ નથી. વિજયની પાર્ટીનો પનો પાંચેક બેઠકો માટે ટૂંકો પડ્યો છે ને એટલા ધારાસભ્યો તો ગમે ત્યાંથી મળી શકે. તમિળનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેની સાથે રહીને લડનારા ઉચકૂચિયા પક્ષોમાંથી પીએમકે જેવા પક્ષો વિજયની પંગતમાં બેસી શકે. કૉંગ્રેસે ચાર બેઠકો જીતી છે ને કૉંગ્રેસ પણ વિજય સાથે જઈ શકે એ જોતાં વિજય મુખ્યમંત્રી બનશે તેમાં શંકા નથી. 

વિજયે બે વર્ષ પહેલાં જ રાજકીય પક્ષ રચેલો. પ્રચાર દરમિયાન રેલીમાં થયેલી ધક્કામુકીના કારણે લોકોનાં મોત નિપજવા સહિતની ઘટનાઓ બની ને વિજય લોકોની વચ્ચે રહેવાના બદલે ભાગી ગયો એવું પણ થયું છતાં તમિળ પ્રજાએ વિજયમાં વિશ્વાસ મૂક્યો છે એ મોટી વાત છે. સ્ટાલિને તમિળનાડુની પ્રજામાં હિંદી ભાષા વિરોધી ઉન્માદ ઊભો કરેલો ને તેના દીકરા ઉદયનિધીએ  સનાતન ધર્મ વિરોધી બકવાસ કરેલો. સ્ટાલિન તથા તેના દીકરા ઉદયનિધીને ઘરભેગા કરીને તમિળ પ્રજાએ આકરો પાઠ ભણાવ્યો છે. 

દેશનાં બાકીનાં ત્રણ રાજ્યોમાં અપેક્ષા પ્રમાણેનાં પરિણામ આવ્યા છે. આસામમાં ભાજપે સતત ત્રીજી વાર જીતીને સત્તા હાંસલ કરી છેને કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ભાજપે સતત 10 વર્ષના શાસન પછી લગભગ બે તૃતિયાંશ બહુમતી મેળવી છે એ મોટી વાત છે. બીજે બધે ધોવાઈ ગયેલી કૉંગ્રેસે  કેરળમાં આબરૂ સાચવી છે. 

કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ ડાબેરી મોરચાને પછાડીને પિનારાયી વિજયનના 10 વર્ષનાં શાસનનો અંત આણ્યો તેમાં કોંગ્રેસની તાકાત કરતાં વધારે ફાળો ડાબેરીઓની નબળાઈનો છે. નાનકડા પુડુચેરીમાં ભાજપ અને તેના સાથી ઓલ ઈન્ડિયા એન.આર. કૉંગ્રેસે સત્તા જાળવી છે અને કૉંગ્રેસની સત્તા કબજે કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.