કોલકાતા : દેશમાં ભાજપ શાસિત અન્ય રાજયોની જેમ જ પશ્ચિમ બંગાળમાં યુસીસી બિલ લાગુ કરવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સીએમ સુવેન્દુ અધિકારીના નેતૃત્વના આગામી સપ્તાહે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે વિધાનસભા યુસીસી બિલ રજૂ થઇ શકે છે. જેની માટે વિશેષ સત્ર બોલાવવામાં આવશે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય
આ મુદ્દો હાલ રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. યુસીસી બિલનો મુખ્ય ઉદેશ બધા નાગરિકો માટે ધર્મ કે જાતિના ભેદભાવ વિના એક સમાન કાયદો લાગુ કરવાનો છે. જેમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો બધા માટે સમાન રહેશે તેમજ વારસા અને મિલકતના અધિકારોના મામલામાં સમાનતા રહેશે. તેમજ દત્તક લેવા અને ભરણપોષણ સંબંધિત મુદ્દાઓને ધર્મનિરપેક્ષ કાયદાના દાયરામાં લાવવામાં આવશે.
પશ્ચિમ બંગાળ યુસીસી અમલ કરનારું દેશનું ચોથું ભાજપ શાસિત રાજ્ય બનશે
જો આ બિલ વિધાનસભા દ્વારા પસાર થશે તો પશ્ચિમ બંગાળ યુસીસી અમલ કરનારું દેશનું ચોથું ભાજપ શાસિત રાજ્ય બનશે જે પગલાં લેશે. ફેબ્રુઆરી 2024 માં UCC કાયદો પસાર કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું.જ્યારે ગુજરાત અને આસામે પણ આ વર્ષની શરૂઆતમાં સમાન કાયદા રજૂ કર્યા.
ભાજપના પ્રચારનો મહત્વનો મુદ્દો યુસીસીનો અમલ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારનો મહત્વનો મુદ્દો યુસીસીનો અમલ હતો. તેમજ પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વચન આપ્યું હતું કે રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યાના છ મહિનામાં યુસીસી રજૂ કરવામાં આવશે.