Wed Sep 02 2026

Logo

દ્વારકામાં વૃદ્ધ શ્રદ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટતી ટોળકી ઝડપાઈ: LCBની મોટી કાર્યવાહી

2026-03-22 16:14:07
Author: Devayat Khatana
દ્વારકામાં વૃદ્ધ શ્રદ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટતી ટોળકી ઝડપાઈ: LCBની મોટી કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
દ્વારકા:
અહીંના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દર્શન કરવા આવતા વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવતી એક ખતરનાક ટોળકીનો દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો હતો. આ શખ્સો વૃદ્ધ યાત્રિકોને વિશ્વાસમાં લઈ તેમને ઠંડા પીણામાં ધતુરો જેવો નશીલો પદાર્થ ભેળવીને બેભાન કરી દેતા હતા. 

શ્રદ્ધાળુઓ બેભાન થતા જ તેમની પાસે રહેલી રોકડ અને કિંમતી ઘરેણાં લૂંટીને આ શખસ ફરાર થઈ જતા હતા. આ મોડસ ઓપરેન્ડીથી અનેક ગુના આચરનાર ભાવનગર જિલ્લાના બે શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.

પોલીસના ટેકનિકલ એનાલિસિસના આધારે પોરબંદર હાઈવે પર રેલવે ફાટક નજીકથી કાળુ અમરસી વાઘેલા (રહે. ઉમરાળા) અને હરેશ ઉર્ફે હકલો બાબુમાતાચોળીયા (રહે. પાલિતાણા)ને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં તેમની પાસેથી ચોરી કરેલા રૂ. 3.05 લાખની કિંમતના 6 નંગ સોનાના ઠોરિયા, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 3.14 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. 

પકડાયેલા આરોપીઓ પૈકી કાળુ વાઘેલા વિરુદ્ધ અગાઉ અમદાવાદ અને ભાવનગરમાં 6 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે હરેશ વિરુદ્ધ પણ પાલિતાણામાં ગુના નોંધાયેલા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઝડપાયેલા બંને આરોપીઓનો કબજો આગળની તપાસ માટે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.