Fri Oct 02 2026

Logo

સાઉથ ઝોન 80 ઓવરમાં કિશન જેટલા રન પણ ન કરી શક્યુંઃ શમીનો તરખાટ

2026-09-08 19:45:55
Author: Ajay Motiwala
સાઉથ ઝોન 80 ઓવરમાં કિશન જેટલા રન પણ ન કરી શક્યુંઃ શમીનો તરખાટ

PTI


ઈસ્ટ ઝોનના 708 રન સામે તિલકની ટીમના 6/242ઃ હજી 466 રનથી આગળ કિશનની ટીમ ટાઇટલની વધુ નજીક

ચેન્નઈઃ અહીં દુલીપ ટ્રોફી (Duleep trophy)ની પાંચ-દિવસીય ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં અવ્વલ દરજ્જાના ઈસ્ટ ઝોન (10/708)ના પેસ બોલર મોહમ્મદ શમી (11-4-17-2)એ ટૂંકા સ્પેલમાં વિકેટો લઈને સાઉથ ઝોન (6/242)ને વધુ મુશ્કેલીમાં મૂક્યું હતું. તેણે અને બીજા પેસ બોલર મુકેશ કુમારે (12-1-36-2) મળીને કુલ ચાર વિકેટ લીધી હતી અને ત્રીજા દિવસની રમતને અંતે સાઉથ ઝોનનો પ્રથમ દાવનો સ્કોર છ વિકેટે 242 રન હતો. નવાઈની વાત એ છે કે ઈસ્ટ ઝોનના કૅપ્ટન ઇશાન કિશને રવિવાર અને સોમવારે મળીને બે દિવસમાં 334 દિવસમાં (અંદાજે 56 ઓવરમાં) સાત છગ્ગા અને 30 ચોગ્ગાની મદદથી 270 રન બનાવ્યા હતા, પરંતુ સાઉથ ઝોનની આખી ટીમ 80 ઓવરમાં તેના જેટલા રન પણ નહોતી બનાવી શકી.

ઈસ્ટ ઝોને પ્રથમ દાવમાં 708 રન બનાવ્યા હતા. મંગળવારની રમતને અંતે ઈસ્ટ ઝોન હજી 466 રનથી આગળ હતું અને સાઉથ ઝોનને ફૉલો-ઑન આપ્યા પછી તેમને પોતાના પ્રથમ દાવના ટોટલની અંદર જ આઉટ કરીને એક ઇનિંગ્સથી જીતી શકે. ઈસ્ટ ઝોને રનનો એટલો મોટો ઢગલો કર્યો છે કે સાઉથ ઝોન ફૉલો-ઑનથી બચી જાય તો પણ ઈસ્ટ ઝોન પહેલા દાવની સરસાઈને આધારે ટ્રોફી પર કબજો કરી શકશે. ઈસ્ટ ઝોનને 13 વર્ષે ફરી દુલીપ ટ્રોફીનું ટાઇટલ જીતવાની તક છે. મંગળવારની રમતને અંતે કૅપ્ટન તિલક વર્મા 56 રન પર અને ચમા મિલિંદ બે રને દાવમાં હતા.

મોહમ્મદ શમી (Shami)ના ત્રણ સ્પેલ ટૂંકા હતા, પણ અસરદાર હતા. તેને પ્રથમ સ્પેલ (3-2-1-0)માં વિકેટ નહોતી મળી. જોકે ત્યાર બાદ તેણે બીજા સ્પેલ (4-1-10-1)માં શેખ રાશીદ (48 બૉલમાં 27 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે ત્રીજા સ્પેલ (4-1-6-1)માં રવિચન્દ્રન સ્મરણ (પંચાવન બૉલમાં 23 રન)ની બીજી મહત્ત્વની વિકેટ મેળવી હતી.

PTI

સાઉથ ઝોનના કેટલાક બૅટ્સમેનોએ ખરાબ શૉટ સિલેક્શનમાં વિકેટ ગુમાવી હતી. દેવદત્ત પડિક્કલે (62 રન, 104 બૉલ, ચાર ચોગ્ગા) બિગ શૉટ મારવાની લાલચમાં મુકેશ કુમારના બૉલમાં વિકેટ ગુમાવી હતી. ડીપ સ્ક્વેર લેગ પર સબસ્ટિટ્યૂટ ફીલ્ડર ડી. પી. દાસે તેનો કૅચ ઝીલ્યો હતો. ઓપનર નારાયણ જગદીશન 32 રન બનાવીને, શેખ રાશીદ 27 રન અને શ્રેયસ ગોપાલ 26 રન બનાવીને આઉટ થયો હતો. જગદીશનની વિકેટ સ્પિનર શિખર મોહને અને ગોપાલની વિકેટ બીજા સ્પિનર મોહમ્મદ કુરેશીએ લીધી હતી.