Fri May 01 2026

Logo

ડ્રગ્સના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ અને એક કરોડનો દંડ

2026-02-19 17:23:55
Author: Yogesh C Patel
Article Image

થાણે: મેફેડ્રોન અને કેટામાઈન ડ્રગ્સ જપ્તિના કેસમાં વિશેષ અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદ અને એક કરોડ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી કરતા વિશેષ જજ ડી. આર. દેશપાંડેએ કલ્યાણમાં રહેતા આરોપી અશફાક અબ્દુલ જબ્બાર શેખ (46)ને કસૂરવાર ઠેરવ્યો હતો.

જોકે ગુનામાં સંડોવતા પુરાવાને અભાવે કોર્ટે બે સહઆરોપી મુંબઈના શાહીદ સૈયદ અને હૈદરાબાદના બોબ્બા વેન્કટ રેડ્ડીને નિર્દોષ છોડી મૂક્યા હતા. કેસનો ચુકાદો 13 ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો હતો, જેની નકલ ગુરુવારે પ્રાપ્ત થઈ હતી. ગુનો 15 ઑગસ્ટ, 2020ના રોજ નોંધાયો હતો. હૈદરાબાદમાં મોટા પ્રમાણમાં મેફેડ્રોનનું ઉત્પાદન કરીને તેને મુંબઈ અને કલ્યાણમાં લવાઈ રહ્યું હોવાની માહિતી ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ને મળી હતી.

માહિતીને આધારે ડીઆરઆઈની ટીમે અલગ અલગ સ્થળે કાર્યવાહી કરી હતી. એક ટીમે નવી મુંબઈની ટ્રાન્સપોર્ટ ઑફિસમાં પૂંઠાંનાં બે બૉક્સ તાબામાં લીધાં હતાં. તેમાંથી 45.655 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. બીજી ટીમે શેખના કલ્યાણ ખાતેના નિવાસસ્થાને રેઇડ કરી હતી. ત્યાંથી પણ 19.553 કિલો મેફેડ્રોન અને 10.018 કિલો કેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ લાકડાના કૅબિનેટમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું.

શેખના ઘરની સર્ચ દરમિયાન અધિકારીઓએ કાચના ફ્લાસ્ક અને કેમિકલનાં ક્ધટેઈનર્સ સહિત ઉત્પાદનનાં સાધનો જપ્ત કર્યાં હતાં. ઉપરાંત, 44.09 લાખ રૂપિયા, 1,350 યુએસ ડૉલર અને 40 યુરો એક એલ્યુમિનિયમની પેટીમાંથી મળી આવ્યા હતા. આ રકમ ડ્રગ્સના વેચાણથી પ્રાપ્ત થઈ હોવાનું અધિકારીનું કહેવું હતું.

ફરિયાદ પક્ષે વધુમાં વધુ સજાની માગણી કરી હતી, જ્યારે બચાવ પક્ષે આરોપીની ઉંમર અને આરોગ્યના મુદ્દાઓનો દાખલો આપીને દયાભાવ દાખવવા વિનંતી કરી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપી પાસેથી મોટા પાયે ડ્રગ્સ, વિદેશી નાણું અને ડ્રગ્સ ઉત્પાદન સાધનો જપ્ત કરાયાં હોવાથી આ કેસમાં કડક સજા જરૂરી છે. જોકે કોર્ટે બે આરોપીને શંકાનો લાભ આપ્યો હતો અને ગુનામાં ભૂમિકા સ્થાપિત ન થતાં તેમને નિર્દોષ છોડ્યા હતા.

આ કેસમાં 15 સાક્ષીદારોને તપાસવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલું ભારતીય ચલણ સરકાર પાસે જમા કરાવવા અને વિદેશી નાણું આરબીઆઈમાં જમા કરાવવાનું કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)