ભુજઃ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરવામાં આવેલા રૂ. ૩ કરોડની કિંમતના પાકિસ્તાની સુકા ખજૂરના ૩૬૪ મેટ્રિક ટન જથ્થા અંગે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પ્રાથમિક તપાસમાં આ પ્રતિબંધિત માલ ત્રીજા દેશ મારફતે દિલ્હી સ્થિત એક વેપારીએ મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી થતી આયાત પર મૂકાયેલા સંપૂર્ણ પ્રતિબંધને વટાવી જવા આયાતકારોએ મહત્વના તથ્યો છુપાવીને આ ૧૩ કન્ટેનર ભારતમાં ઘૂસાડવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. ડી.આર.આઈ. દ્વારા આ પ્રકરણમાં સી.એચ.એ.ની ભૂમિકા અંગે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
બે દિવસ પહેલા ડીઆરઆઈની ટુકડીએ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા પરથી નાપાક પાકિસ્તાની મૂળની ૩૬૪ મેટ્રિક ટન જેટલી સૂકી ખજૂરનો જંગી જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ૧૩ કન્ટેનરોમાં લાવવામાં આવેલી આ સૂકી ખજૂરની અંદાજિત બજાર કિંમત રૂ. ૩ કરોડ જેટલી આંકવામાં આવી હતી.
ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા બંદર પર શંકાસ્પદ ૧૩ કન્ટેનરોને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી. આયાતકારો દ્વારા કાગળો પર આ માલ સંયુક્ત આરબ અમીરાતથી આયાત થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પરંતુ અધિકારીઓની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ જથ્થો મૂળ પાકિસ્તાનનો હતો. આયાતકારોએ સરકારી પ્રતિબંધમાંથી બચવા માટે પહેલાં માલ પાકિસ્તાનના કરાચી બંદરેથી દુબઈના 'જેબેલ અલી' બંદરે પહોંચાડ્યો હતો. ત્યાં કન્ટેનર્સ અને દસ્તાવેજો બદલીને મૂળ દેશ યુએઈ દર્શાવી બનાવટી ઇન્વોઇસ અને બોગસ કંપનીઓના નામે કન્સાઇનમેન્ટ ભારત રવાના કર્યું હતું. કસ્ટમ્સ છેતરપિંડી આચરવામાં આવી હોવાથી કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની જોગવાઈઓ હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ અગાઉ પણ ડીઆરઆઈ દ્વારા તુતીકોરિન બંદરેથી સોમાલિયાના નામે અને દુબઈ વાટે રૂટ કરીને લાવવામાં આવેલું ૧૪ મેટ્રિક ટન પાકિસ્તાની 'ગુગ્ગુલ ગુંદર' (કોમિફોરા રેઝિન) ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ. ૧.૪ કરોડ હતી.
(ઉત્સવ વૈદ્ય)