Fri Sep 04 2026

Logo

37.74 કરોડ રૂપિયાનું સોનું ઍરપોર્ટ પર પકડાયું: 24 મહિલાની ધરપકડ

2026-04-10 20:34:11
Author: યોગેશ સી પટેલ
37.74 કરોડ રૂપિયાનું સોનું ઍરપોર્ટ પર પકડાયું: 24 મહિલાની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોનાની દાણચોરીના મોટા રૅકેટનો પર્દાફાશ કરી 24 મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલી મહિલાઓ પાસેથી અંદાજે 37.74 કરોડ રૂપિયાનું 29.37 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
આધારભૂત માહિતીને આધારે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે બુધવારે ‘ઑપરેશન ધહાબુ બ્લિટ્ઝ’ હાથ ધર્યું હતું. સ્વાહિલી ભાષામાં ‘ધહાબુ’નો અર્થ સોનું થાય છે. ડીઆરઆઈએ મુંબઈના ઍરપોર્ટ પર પકડી પાડેલું આ વર્ષનું સૌથી મોટું રૅકેટ હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.

કેન્યાના નૈરોબીથી કેટલીક મહિલાઓ સોનું સંતાડીને મુંબઈ લાવી રહી હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે ઍરપોર્ટ પહોંચેલી 24 વિદેશી મહિલાને રોકવામાં આવી હતી. તેમની બૅગ્સ અને કપડાંમાંથી 25.1 કિલોની ગૉલ્ડ બાર્સ અને 4.27 કિલો સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું.

સોનું સંતાડીને કઈ રીતે ઍરપોર્ટ બહાર કાઢવું તેની તાલીમ મહિલાઓને આપવામાં આવી હતી. આ રૅકેટ પાછળ મોટી સિન્ડિકેટ હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી. મહિલાઓને ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી હતી. આ રૅકેટના સૂત્રધારની તપાસ ચાલી રહી છે. (પીટીઆઈ)