Thu May 07 2026

Logo

ડીઆરડીઓના ભૂતપૂર્વ વિજ્ઞાની કુરુલકરને જામીન આપવાનો હાઈ કોર્ટનો ઇનકાર

2026-04-15 19:21:27
Author: Yogesh C Patel
Article Image

પાકિસ્તાની એજન્ટને મહત્ત્વની માહિતી આપ્યાની નોંધ કોર્ટે કરી

મુંબઈ: પાકિસ્તાની મહિલા ઈન્ટેલિજન્સ ઑપરેટિવ સાથે સંવેદનશીલ માહિતી કથિત રીતે શૅર કરવાના આરોપસર 2023માં ધરપકડ કરાયેલા ડીઆરડીઓના નિવૃત્ત વિજ્ઞાની પ્રદીપ કુરુલકરને બુધવારે બૉમ્બે હાઈ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતાં નોંધ્યું હતું કે અંગત ચૅટ્સ દરમિયાન મહત્ત્વની માહિતી આપવામાં આવી હતી.

જસ્ટિસ એસ. જી. દિગેની ખંડપીઠે નોંધ્યું હતું કે નિવૃત્ત હોવા છતાં કુરુલકર તેની હાથ નીચે કામ કરનારા અમુક સાક્ષીઓ, જે હાલમાં ફરાર હોઈ શકે તેમના પર પ્રભાવ પાડી શકે છે. મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) 3 મે, 2023ના રોજ 60 વર્ષના કુરુલકરની ધરપકડ કરી હતી. ડિફેન્સ રિસર્ચ એસ્ટોબ્લિશમેન્ટ દ્વારા કરાયેલી ફરિયાદને આધારે શંદાસ્પદ હની-ટ્રેપ જાસૂસી કેસમાં કુરુલકરની ધરપકડ કરાઈ હતી.

આરોપીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ અધિકારીને કથિત રીતે પૂરી પાડવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેનમાં અગાઉથી જ ઉપલબ્ધ છે. ફરિયાદ પક્ષે જામીનનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે આરોપીએ ચર્ચા દરમિયાન સંરક્ષણ વિભાગની સંવેદનશીલ માહિતી પૂરી પાડી હતી.

કુરુલકરને જામીન નકારતાં બૅન્ચે નોંધ્યું હતું કે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)માં ઉચ્ચ હોદ્દે હોવા છતાં આરોપીએ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે ચૅટ્સ ચાલુ રાખી હતી અને મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.

એટીએસને શંકા છે કે ડીઆરડીઓમાં રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના તત્કાલીન ડિરેક્ટર કુરુલકરે ચર્ચા દરમિયાન અનેક વ્યૂહાત્મક સંરક્ષણ પ્રણાલીઓ સંબંધી વિગતો પૂરી પાડી હતી અને મહિલા સાથે સંબંધ કેળવવાના પ્રયાસમાં ગોપનીય માહિતી આપી હતી. (પીટીઆઈ)