ડૉ. બળવંત જાની
મૃત્યુનો સ્વીકાર એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું પાસું છે. મૃત્યુના ડરને, મૃત્યુની અવગણના ને બદલે મૃત્યુનો મહિમા કરતું સાહિત્ય વિપુલ માત્રામાં જોવા-સાંભળવા મળે છે. મૃત્યુ એ તો નવા જન્મપૂર્વેની પ્રક્રિયા છે. શરીર તો નાશવંત જ છે. જેનું નામ છે એનો નાશ છે. આવા હકારાત્મક અભિગમને કારણે મૃત્યુની મીમાંસા પણ આસ્વાદ્ય બની રહે છે. એમાં ક્યાંય ડંખ જોવા મળતો નથી. કડવાશ નથી.
જેઠિયો નામનો ફક્કડ અલમસ્ત, પરિવ્રાજિક ગિરનારમાં ઘૂમતો અને મસ્તીથી જીવન ગુજારતો. સમાજને છોડીને પ્રકૃતિને અને દેવધામને ખોળે વિહરતા જેઠિયાના છકડિયા દુહામાં મૃત્યુની મીમાંસા થઈ છે એ અવલોકવા જેવી છે, એ ગાય છે કે :
હંસલો રાજા હાલી નીકળ્યો, ઈશુનું મેલીને શેર;
મેલ્યો ગરવાનો છાંયડો, મને લાગે કડવો ઝેર;
લાગે કડવો ઝેર, તી કહીએ,
ને સાધુ-સંતને શીરામણી દઈએ;
જેઠિયો રામનો કે પછી છપન સાથે વાગતી ભરે,
હંસલો રાજા હાલી નીકળ્યો, ઈશુનું મેલીને શેર.
અહીં મૃત્યુ તો શરીરનું થાય છે. આત્મા અમર છે. એટલે એના ચૈતન્યના જવાથી દેહનો નાશ થયો ગણાય છે. હંસના રૂપકારા એ આખી બાબત પ્રસ્તુત કરી છે. જયારે મૃત્યુના પથ પર વિહરવાનું છે. પરમધામની સફરે નીકળવાનું થાય છે એટલે સહવાસીઓ કે દેહ સૂના થઈ જાય છે. એ સફરની સાથે જયાં નિત્ય વાસ કરતા હતા એ ગિરનાર પણ ગમતો નથી એનો શિતળ છાંયડો કડવો ઝેર લાગે છે. અહીં છાંયડાને દૃશ્યને- ચક્ષુજન્ય પદાર્થને જીહ્વા, સ્વાદેદ્રિન્ય સાથે જોડીને ભાવને અભિવ્યક્તિ અર્પી છે. ત્રણથી ચાર સમયના ભોજનમાં મહિમા પ્રથમ સમયના અર્થાત્ સવારના ભોજન કે જેને સંજ્ઞા મળેલી છે. શીરામણની એનો છે.
બપોરના ભોજન બપોરા, એ પછી સાંજના ભોજન રોંઢાના કે રાત્રિના ભોજન વાળુને બદલે અહીં સાધુ-સંતોને શીરામણી અર્થાત્ દૂધ-દહીં-છાસ-રોટલા આદિના ભોજન કરાવીને એના આશીર્વાદ લેવાની વિગત મૂકાઈ છે. જેણે આવું અન્નદાન ર્ક્યું છે એને પછી કોઈનો ભય રહેતો નથી એ તો અનંતની યાત્રાને, મૃત્યુની ક્ષ્ાણને પૂરી પ્રસન્નતાથી સ્વીકારી લે છે. એ બહુ ભારે લાઘવથી અહીં કહેવાયું છે.
બીજા એક છકડિયા દુહામાં ગાય છે કે -
હંસની જાનું જુતિયું, ને વેળાવિયા લીધા ચાર,
સગું મળ્યું જીવને સામટું, ઈ રૂદન કરે છે અપાર;
રૂદન કરે છે અપા2, તી અટકી,
ને કાચી માટીને ચેહમાં ખડકી;
જેઠિયો રામનો કે પછી દેવો દાહ, ને બુઝવવી આગ,
હંસની જાનું જુતિયું, ને વેળાવિયા લીધા ચાર.
જયારે આ શરીર મૃત્યુ પામે છે ત્યારે એને ચાર વ્યક્તિ વળાવવા માટે જાય છે અને સગાસ્નેહી સંબંધીઓ હૈયાફાટ રુદન કરતા હોય છે. કાચી માટી જેવા દેહને અગ્નિ મૂકાય છે. અગ્નિ ચંપાય છે. અંતે માટી ટાઢી કરવામાં આવે છે. આ શરીરની નશ્વરતાનો, મૃત્યુ પછીના લયનો અહીં ઉલ્લેખ છે. દુહામાં આવી બાબતો વર્ણવીને અંતે માનવને આ જીવનની નાશવંત સ્થિતિનું ભાન કરાવવામાં આવે છે. આ શરીરની માયા, મમતાનો કશો અર્થ નથી આખરે એને વળાવવાનો છે, એને વિદાય આપવાની છે. કશું ચિરંજીવ નથી.
બીજા એક દુહામાં પણ હંસ રૂપી શરીરને ઉઘઈ રૂપી આસૂરી બાબતોએ આ સમાજ-સગાસંબંધી રૂપી મધ્ય દરિયામાં એટલે સંસાર જગતમાં કોરી ખાધેલો એણે કશા પુણ્યકાર્ય ર્ક્યા ન હોઈને એને પાંખ વિનાનો કલ્પવામાં આવેલ છે.
આ શરીરને નોધારું પણ વર્ણવેલ છે. આ કારણે એને આશ્ર્ચર્ય પણ થાય છે. આવા નોધારા, નશ્વર શરીરની પરત્વેના આપણા મોહની તરફ પણ અંગુલિનિર્દેશ કરેલ છે. જેઠિયો નામધારી દુહા રચયિતાએ અહીં પણ ભારે કુનેહથી, ખૂબીથી માનવશરીરની ક્ષણભંગુરતાની અને નોંધારાપણાની વિગતો દર્શાવી છે, એ દુહો જ જોઈએ :
હંસને ઉધઈએ ખાધો, મધ્ય દરિયાની માંય,
પાંખ વિનાનો રુદન કરે, હંસલો હાલ્યા માંય;
હંસલો હાલ્યો માંય, તી હાલ્યો જાશે,
અને એના જીવને મોટો અચંબો થાશે;
જેઠિયો રામનો કે એવા જીવને રાખવોતો આંય,
હંસને ઉધઈએ ખાધો, મધ્ય દરિયાની માંય.
અહીં દુહાના માધ્યમથી પોતાને લાધેલું આત્મજ્ઞાન, દર્શન, સમાજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. શરીર નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે. એના તરફના મોહનો કશો અર્થ નથી, એમ માનવજાતને સમજાવી જતો આ દુહો હકીકતે મૃત્યુની મીમાંસા છે. એ સનાતન તત્ત્વને, દર્શનને અભિવ્યક્તિ અર્પે છે. સ્વાનુભવને સર્વાનુભવની રીતે મૂક્વાની કૌશલ્યશક્તિ આ દુહાને વિશેષ મહત્ત્વનું માન-મરતબો અર્પે છે.