વૉશિંગ્ટનઃ ભારત સહિત વિવિધ દેશો પરના બેફામ ટેરિફના પ્રકરણ બાદ હવે ઇરાન સાથેના ભીષણ યુદ્ધને કારણે ખૂબ વગોવાયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે મેજર લીગ સૉકર (એમએલએસ) કપ જીતનાર ઇન્ટર માયામી ફૂટબૉલ ટીમના ખેલાડીઓ તેમ જ ખાસ કરીને એ ટીમના કૅપ્ટન અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસી (Messi)નું ગુરુવારે બહુમાન કર્યું હતું.
એક તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સન્માનના આ કાર્યક્રમમાં વ્યસ્ત થવા બદલ સોશ્યલ મીડિયામાં ટ્રમ્પની કેટલાક લોકોએ ટીકા કરી છે.
મેસી ઍન્ડ કંપનીનું સન્માન વાઇટ હાઉસમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે મેસીએ ટ્રમ્પને પિન્ક સૉકર બૉલ ભેટ આપ્યો હતો.
ટ્રમ્પ (Trump)ના હાથમાં આ સોગાદરૂપી ફૂટબૉલવાળી તસવીરને લક્ષમાં રાખીને સોશ્યલ મીડિયામાં એક યુઝરે એવી ટીકા કરી છે કે `ટ્રમ્પના હાથમાં તો ન્યૂક્લીયર ફૂટબૉલ' છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના એક ચાહકે એક પોસ્ટમાં ટ્રમ્પને ધ્યાનમાં રાખીને લખ્યું છે કે `રોનાલ્ડો ક્યારેય જાતીય શોષણ કરનારાની બાજુમાં ન ઊભો રહે'. જોકે હકીકત એ છે કે રોનાલ્ડો ગયા વર્ષે જ વાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યો હતો.