Fri Aug 14 2026

Logo

‘બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા હુમલાની હતી તૈયારી...’, ટ્રમ્પે લાસ વેગાસમાં કર્યો મોટો ખુલાસો

Las vegas   2026-08-06 09:23:00
Author: Vimal Prajapati
Article Image

લાસ વેગાસ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. લાસ વેગાસમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ઇરાન સામે બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ હતું. જોકે, તે જ સમયે તેહરાન તરફથી વાતચીતની વિનંતી આવતા આ વિશાળ સૈન્ય હુમલાને અટકાવી દેવામાં આવ્યો હતો.  

ઇરાનને કોઈપણ કિંમતે પરમાણુ હથિયારો વિકસાવવા દેશે નહીં

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં દોહરાવ્યું કે, અમેરિકા ઇરાનને કોઈપણ કિંમતે પરમાણુ હથિયારો વિકસાવવા દેશે નહીં, પરંતુ જો શાંતિપૂર્ણ ઉકેલ શક્ય હોય તો તેઓ યુદ્ધના બદલે કૂટનીતિક કરાર કરવાનું વધુ પસંદ કરશે. તાજેતરની કાર્યવાહીથી ઇરાનની સૈન્ય શક્તિ નબળી પડી છે. અમે એક અત્યંત શક્તિશાળી હુમલા માટે તૈયાર હતા. ત્યારે જ ઇરાન તરફથી સંદેશ આવ્યો કે આવું ના કરો આપણે ટેબલ પર બેસીને ચર્ચા કરીએ.' હાલમાં અમારી વાતચીત ચાલી રહી છે. હું નિર્દોષ લોકોનો જીવ લેવાના બદલે કોઈ સારો કરાર કરવા ઈચ્છું છું."

વેનેઝુએલા સાથે સરખામણી અને નવો અભિગમ

ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ અમેરિકન વહીવટીતંત્રો પર નિશાન સાધતા કહ્યું કે જે કામ ઘણા સમય પહેલાં થઈ જવું જોઈતું હતું તે અમે કરી બતાવ્યું છે, કારણ કે ઇરાનનું અણુશક્તિ બનવું સમગ્ર વિશ્વની સુરક્ષા માટે જોખમી છે. અમેરિકન પ્રમુખે ઇરાનની સ્થિતિની સરખામણી વેનેઝુએલામાં લાદવામાં આવેલા અમેરિકન પગલાં સાથે કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બંને કિસ્સાઓમાં અમેરિકાની મજબૂત વ્યૂહરચના કામ કરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ ઇરાનને લઈને સતત બદલાતા નિવેદનો આપી રહ્યા છે, ક્યારેક તેઓ આકરા પ્રહારની ધમકી આપે છે તો ક્યારેક ટૂંક સમયમાં સમજૂતી થવાનો આશાવાદ વ્યક્ત કરે છે.

હોર્મુઝ જળડમરૂમધ્ય અંગે ઓમાન સાથે કરારની તૈયારી

મહત્વપૂર્ણ વાત એ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ માહિતી આપી છે કે, હોર્મુઝ માર્ગમાં જહાજોની સુરક્ષિત અવરજવર માટે ઇરાન અને ઓમાન વચ્ચેનો કરાર હવે આખરી તબક્કામાં છે. જો કોઈ ત્રીજો પક્ષ એટલે કે અમેરિકા આ પ્રક્રિયામાં રૂકાવટ નહીં ઊભી કરે, તો ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન જાહેર કરી દેવામાં આવશે.