Sun Apr 19 2026

Logo

"મને યુદ્ધ પસંદ નથી પણ ઈરાને....: જગત જમાદાર ટ્રમ્પે ઈરાન કાર્યવાહી પર શું કર્યો મોટો દાવો?

Washington DC   2026-03-17 08:49:06
Author: Devayat Khatana
Article Image

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર કરવામાં આવેલા લશ્કરી હુમલાનો બચાવ કરતા જણાવ્યું છે કે આ કાર્યવાહી ખૂબ જ જરૂરી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે આ હુમલા બાદ હવે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં વિચારી પણ શકશે નહીં, કારણ કે તેની સૈન્ય શક્તિ અત્યંત નબળી પડી ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વની સુરક્ષા માટે ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવું અનિવાર્ય હતું. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે તેમને વ્યક્તિગત રીતે યુદ્ધ પસંદ નથી, પરંતુ ઈરાની શાસને માત્ર થોડા અઠવાડિયામાં જ ૩૨,૦૦૦ પ્રદર્શનકારીઓની હત્યા કરીને મોટો અપરાધ કર્યો છે.

ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત, તો તે તેનો ઉપયોગ ગણતરીના કલાકો કે દિવસોમાં કરી શક્યું હોત, જેનાથી સમગ્ર મધ્ય એશિયાનો વિનાશ થઈ શક્યો હોત. અમેરિકી અભિયાનનો હેતુ જણાવતા તેમણે કહ્યું કે આ હુમલાથી ઈરાનની સેનાની કમર તૂટી ગઈ છે અને આ ઓપરેશન માત્ર અમેરિકાના હિતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ જાળવવા માટે ચલાવવામાં આવ્યું હતું. ટ્રમ્પના મતે, આ હુમલો વૈશ્વિક દૃષ્ટિકોણથી લેવાયેલું એક મક્કમ અને સાચું પગલું છે.

બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે અન્ય દેશોના સહકાર અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અન્ય દેશોએ આ અભિયાનમાં શું કામ સામેલ થવું જોઈએ, ત્યારે તેમણે તર્ક આપ્યો કે ઈરાની શાસનને નિઃશસ્ત્ર કરવાના ટ્રમ્પના પ્રયાસોથી સીધો લાભ પશ્ચિમી દેશોને જ થઈ રહ્યો છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ એક એવો મુદ્દો છે જેના પર માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમી વિશ્વ વર્ષોથી સહમત રહ્યું છે, તેથી વિશ્વના અન્ય દેશોએ પણ આગળ આવવું જોઈએ.

વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું કે હોર્મુઝની સ્ટ્રેઇટને સુરક્ષિત અને ફરીથી ખુલ્લી રાખવા માટે અમેરિકાને સાથી દેશોના સહકારની જરૂર છે. કેરોલિન લીવિટે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આહ્વાન તદ્દન યોગ્ય છે કે અન્ય દેશો પણ ઊર્જાના મુક્ત પ્રવાહને જાળવી રાખવા માટે પોતાના સૈનિકો સાથે મેદાનમાં ઉતરે.