Wed Sep 30 2026

Logo

એશિયન ગેમ્સ પહેલાં જ ભારતીય મહિલા ઍથ્લીટે આપી આત્મહત્યાની ધમકી: જાણો, શું છે કારણ

2026-09-12 17:19:00
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સ પહેલાં જ ભારતીય મહિલા ઍથ્લીટે આપી આત્મહત્યાની ધમકી: જાણો, શું છે કારણ

નવી દિલ્હીઃ વુશુ એક પ્રકારની માર્શલ આર્ટસની રમત છે અને એની 18 વર્ષીય ભારતીય ઍથ્લીટ દિવ્યાંશી ચૌધરીએ પોતાનો જ જીવ લઈ લેવાની ધમકી આપી હોવાની શૉકિંગ ઘટના સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

19મી સપ્ટેમ્બરે જાપાનમાં શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ માટેની ભારતની વુશુ ટીમમાંથી પોતાનું નામ છેલ્લી ઘડીએ નીકળી જવાને પગલે દિવ્યાંશીએ આ ધમકી આપી હોવાનું મનાય છે. એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ ટીમમાં 60 કિલો સૅન્ડા કૅટેગરીમાં તેના સ્થાને રૉશિબીના દેવીને સામેલ કરવામાં આવી છે.

પાછલી એશિયન ગેમ્સ સપ્ટેમ્બર, 2023માં ચીનની હાન્ગઝોઉમાં યોજાઈ હતી. મૂળ તો આ રમતોત્સવ સપ્ટેમ્બર, 2022માં જ યોજાવાનો હતો, પરંતુ કોવિડ-19ની મહામારીને પગલે રમતોત્સવ એક વર્ષ વિલંબમાં મુકાયો હતો અને રેકૉર્ડ-બુકમાં એ `2022ની એશિયન ગેમ્સ' તરીકે જ ઓળખાય છે. રૉશિબીના અર્જુન પુરસ્કાર વિજેતા પણ છે અને 2022ની એશિયન ગેમ્સમાં તે વુશુની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી હતી.

રૉશિબીનાએ નવ મિનિટના વીડિયોમાં કથની કહી છે. શુક્રવાર, 11મી સપ્ટેમ્બરના આ વીડિયોમાં તે ખૂબ રડી રહેલી બતાવવામાં આવી છે અને પોતાની સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ તેણે કર્યો છે. રાષ્ટ્રીય શિબિરમાં પોતાની માનસિક સતામણી થઈ હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો છે. રૉશિબીના તાજેતરમાં ચીનની એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી.

દિવ્યાંશીના કોચ શું કહે છે?

એક અહેવાલમાં વુશુ ફેડરેશનને ટાંકીને જણાવાયું છે કે તબીબી ચકાસણી દરમ્યાન દિવ્યાંશીને સાથળ અને ઘૂંટણના સ્નાયુઓ સાથે જોડાયેલા સ્નાયુઓમાં ઈજા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે દિવ્યાંશીના કોચ અશોક ગૌતમના મતે આ ઈજા ગંભીર નથી.

દિવ્યાંશીએ આક્ષેપમાં બીજું શું કહ્યું?

દિવ્યાંશી ચૌધરીએ આક્ષેપોમાં એવું કહ્યું છે કે `તમે મારું નામ એશિયન ગેમ્સની ટીમમાંથી કાઢી નાખ્યું અને મને કહ્યું પણ નહીં? શા માટે? મને કહેવું તો જોઈતું હતું, મારે કંઈક કહેવું હતું. હું 18 વર્ષની છું અને મને મારી વ્યથા વ્યક્ત કરવાનો હક છે. મારે ડૉક્ટરનો રિપોર્ટ પણ બતાવવો હતો. મારી ખૂબ માનસિક સતામણી થઈ છે. હવે જીવવાનો શું મતલબ? જૂનથી આ હાલત હતી અને હવે સપ્ટેમ્બર પણ આવી ગયો. તેને (રૉશિબી)ને એશિયન ગેમ્સમાં જવું હતું એટલે તે સતતપણે મારી પાછળ પડી હતી. તે સ્પોર્ટ્સ મિનિસ્ટર પાસે જવાની હતી અને જેનો પણ સંપર્ક થઈ શકે એ કરવાની પેરવીમાં હતી. હું વુશુ ફેડરેશનને બે હાથ જોડીને કહું છું કે એશિયન ગેમ્સ માટેની અંતિમ સિલેક્શન ટ્રાયલમાં મેં તેને હરાવી દીધી હતી. ત્યાર બાદ તેણે મારી શારીરિક સતામણી શરૂ કરી હતી. શ્રીનગરમાં નૅશનલ કૅમ્પ પૂરો થવાને 10 દિવસ બાકી હતા ત્યારે તેણે જાણી જોઈને મારા ખભાને ઘાયલ કર્યો હતો જેને લીધે હું ચાર-પાંચ દિવસ પ્રૅક્ટિસ નહોતી કરી શકી.'

દિવ્યાંશીના કોચ અશોક ગૌતમે કહ્યું છે, `છેલ્લા એક વર્ષમાં દિવ્યાંશી દરેક ટ્રાયલમાં નંબર-વન બની છે. રૉશિબીના તો ચોથા નંબર પર છે અને દિવ્યાંશી સામે હારી ચૂકી છે. રૉશિબીનાએ દિવ્યાંશીને ટીમની બહાર કરાવવા અને પોતાનું નામ સામેલ કરાવવા પોતાની સત્તાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. ખુદ રૉશિબીનાને ઈજા થઈ છે, તેને બન્ને પગમાં ઈજા છે એમ છતાં તે ટીમમાં સામેલ કરાઈ અને ફેડરેશન તેને એશિયન ગેમ્સ માટે જાપાન મોકલશે. છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીતનારને જ એશિયન ગેમ્સમાં જવા મળે. રૉશિબીના પાસે એક પણ ચંદ્રક નથી. છેલ્લા ચાર વર્ષમાં તે નૅશનલ મેડલ પણ નથી જીતી.'