વડીલો સતત કામ કરાવતા હોવાથી સાત વર્ષની માસૂમ ઘર છોડી ગઈ હતી
થાણે: સતત કામ કરાવતા વડીલોથી કંટાળીને સાત વર્ષની માસૂમ બાળકી ઘર છોડી ગઈ હતી. દીવાથી ગુમ બાળકીને પોલીસે 948 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે બદલાપુરમાંથી શોધી કાઢી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-1) બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે દીવામાં રહેતી બાળકી 28 મેની સાંજે અચાનક ગુમ થઈ ગઈ હતી. વડીલોએ પોલીસનો સંપર્ક સાધતાં અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધ માટે અધિકારીઓની છ ટીમ બનાવવામાં આવી હતી.
પોલીસને પહેલી સફળતા ત્યારે મળી જ્યારે નજીકના એક કૅમેરામાં બાળકી નજરે પડી હતી. બાળકી જે દિશામાં ગઈ હતી તે તરફના 67 કૅમેરાની તપાસ કરવામાં આવી હતી. કૅમેરાનાં ફૂટેજ પરથી 30 મેના પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકી દીવા રેલવે સ્ટેશને પહોંચી હતી. ત્યાંથી અજાણ્યા માણસ સાથે તે ટ્રેનમાં ચઢતી દેખાતી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસની ટીમ્સ અલગ અલગ સ્ટેશનો પર તપાસ કરવા દોડી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજ અનુસાર બાળકી અને માણસ અંબરનાથ સ્ટેશને ઊતર્યાં હતાં. ત્યાંથી બીજી ટ્રેનમાં બદલાપુર ગયાં હતાં. ડીસીપીએ જણાવ્યું હતું કે અમારી 45 અધિકારીની ટીમ બદલાપુરમાં ઠેકઠેકાણે તપાસ કરી રહી હતી અને આખરે તે 35 વર્ષના સુમિત શાંતારામ જાધવના ઘરે મળી હતી. બાળકી સુધી પહોંચવા માટે પોલીસની છ ટીમે 948 કૅમેરાનાં ફૂટેજની મદદ લીધી હતી.
જાધવ અને તેનાં ત્રણ સંતાન સાથે બાળકી સહીસલામત હતી. જાધવે પોલીસને કહ્યું હતું કે બાળકોની સંભાળને મુદ્દે ઝઘડો થયા પછી છેલ્લા દોઢ વર્ષથી તે પત્નીથી અલગ રહે છે. જાધવના કહેવા મુજબ ભૂતકાળમાં તેની દીકરી સાથે દુ:ખદ ઘટના બની હોવાથી તે આ બાળકીની સુરક્ષા ઇચ્છતો હતો એટલે તેને પોતાની સાથે લઈ ગયો હતો.
બાળકીએ પોલીસને કહ્યું હતું કે ઘરમાં વડીલો તેની પાસેથી ઘણાં કામ કરાવતા અને તેની સાથે સારું વર્તન કરતા નહોતા. એટલે કંટાળીને તે ઘર છોડી ગઈ હતી. (પીટીઆઈ)