Tue Oct 06 2026

Logo

દિંડોશીથી ફિલ્મ સિટી જવાનું બનશે સુપરફાસ્ટ! આ તારીખથી શરૂ થઇ શકે નવો ફ્લાયઓવર

2026-09-25 16:04:13
Author: Mumbai Samachar Team
દિંડોશીથી ફિલ્મ સિટી જવાનું બનશે સુપરફાસ્ટ! આ તારીખથી શરૂ થઇ શકે નવો ફ્લાયઓવર

મુંબઈ: દિંડોશીથી ફિલ્મ સિટી જતાં વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ હેઠળ દિંડોશી કોર્ટથી ફિલ્મ સિટી સુધીનો આશરે 1.3 કિલોમીટર લાંબો ફ્લાયઓવર હવે ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે શરુ કરવાની યોજના છે. પાલિકા આ ફ્લાયઓવરને 15 ઓક્ટોબર સુધીમાં સામાન્ય લોકો માટે શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

આ ફ્લાયઓવર શરૂ થયા બાદ દિંડોશીથી ફિલ્મ સિટી તરફ જતાં વાહનચાલકોને હાલના ટ્રાફિક અને જંકશનના કારણે થતી મુશ્કેલીમાંથી મોટી રાહત મળી શકે છે. ફ્લાયઓવર દિંડોશી કોર્ટથી શરૂ થઈ રત્નાગિરી જંક્શન નજીકથી પસાર થઈ ફિલ્મ સિટી તરફ નીચે ઉતરશે. ફ્લાયઓવરનું મોટા ભાગનું મુખ્ય કામ પૂર્ણ થઈ ગયું છે.
 
તેના તમામ 31 પિયર અને 30 સ્પાનનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ગર્ડર લગાવવાનું કામ, ડેક સ્લેબનું કાસ્ટિંગ તેમ જ બંને તરફના એપ્રોચ રોડનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. હવે ફ્લાયઓવરને વાહનવ્યવહાર માટે તૈયાર કરવા માટે ફિનિશિંગ સહિતના કેટલાક કામ બાકી છે.

હાલમાં રોડ માર્કિંગ, સાઈનેજ, ઈલેક્ટ્રિકલ પોલ અને નોઈઝ બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ફ્લાયઓવર સાથે જોડાયેલા 7.5 મીટર પહોળા સ્લિપ રોડનું કામ પણ પૂર્ણ કરવાનું બાકી છે. 
ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ફ્લાયઓવરની સુરક્ષા અને ક્ષમતા ચકાસવા માટે લોડ ટેસ્ટ કરવામાં આવશે. બીએમસીના અધિકારીઓએ ફ્લાયઓવરનું નિરીક્ષણ કરીને બાકી રહેલા કામને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. ફ્લાયઓવર શરૂ થયા બાદ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન પણ કરવામાં આવશે.

આ ફ્લાયઓવર 12.2 કિલોમીટર લાંબા જીએમએલઆર પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈના પશ્ચિમ અને પૂર્વના પરાંઓ વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનવાની અપેક્ષા છે. હાલમાં આશરે 75 મિનિટ લાગતો પ્રવાસનો સમય ઘટીને લગભગ 25 મિનિટ સુધી આવવાની અપેક્ષા છે. એટલે દિંડોશીથી ફિલ્મ સિટી સુધીનો રસ્તો પણ ફ્લાયઓવર શરૂ થયા બાદ વધુ ઝડપી અને સરળ બનવાની આશા છે.