Fri Apr 17 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ફ્રાન્સની જેમ ભારત પણ ડિજિટલી આત્મનિર્ભર બની શકે

2026-04-14 08:50:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકા-ઈરાનના યુદ્ધના કકળાટમાં એક બહ મહત્ત્વના અને દુનિયાના રાજકારણનાં સમીકરણો બદલી નાખે એવી ફ્રાન્સ સરકારની જાહેરાત  તરફ બહુ લોકોનું ધ્યાન ગયું નથી. ફ્રાન્સ સરકારે જાહેરાત કરી છે કે,ફ્રાન્સમાં તમામ સરકારી વર્કસ્ટેશન્સ એટલે કે સરકારી ઓફિસનાં કોમ્પ્યુટરમાં થી બિલ ગેટ્સે સ્થાપેલી માઈક્રોસોફ્ટ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ દૂર કરાશે. હવે પછી ફ્રાન્સનાં સરકારી કોમ્પ્યુટર્સ વિન્ડોઝના તેના બદલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલશે. 

અમેરિકન કંપની માઈક્રોસોફ્ટની વિન્ડોઝને તિલાંજલિ આપીને ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) લિનક્સ પર જવાના ફ્રાન્સના નિર્ણયે યુરોપ અને અમેરિકા બંનેમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ફ્રેન્ચ સરકારે વીડિઓ કોન્ફરન્સિંગ માટે ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ બંધ કરવાનું એલાન કરેલું. તેના બદલે ફ્રાન્સમાં બનેલા વિઝિયોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. વિઝિયો ઓપન સોર્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ વીડિયો મીટિંગ ટૂલ જીત્સી પર આધારિત છે. 

ફ્રાન્સના વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ એ વખતે જ જાહેરાત કરેલી કે, ફ્રાન્સ  બિન-યુરોપિયન સપ્લાયર્સ પર નિર્ભરતા ઘટાડશે અને બહારની ટેકનોલોજીના બદલે યુરોપની ટેકનોલોજીનો જ ઉપયોગ કરશે, લેકોર્નુએ એ વખતે જ તમામ સરકારી વિભાગો સાથે સંકલન માટે સરકારી એજન્સીને જવાબદારી પણ સોંપી દીધેલી. ફ્રાન્સમાં સપ્ટેમ્બરથી નવેમ્બરનો ગાળો પાનખર (ઓટમ) ઋતુનો હોય છે. 

લેકોર્નુએ તમામ વિભાગોને સપ્ટેમ્બર સુધીમાં વર્કસ્ટેશન્સ એટલે કે કોમ્પ્યુટરો, કોમ્પ્યુટરો માટેનાં સર્વર સહિતનાં ઈક્વિપમેન્ટ્સ, એન્ટિવાયરસ સોફ્ટવેર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), ડેટાબેઝ, વર્ચ્યુઅલાઈઝેશન અને નેટવર્ક ઈક્વિપમેન્ટમાંથી બિન-યુરોપીયન એટલે કે અમેરિકન ટેક કંપનીઓની બાદબાદી કઈ રીતે કરી શકાય એ માટેનો અસરકારક પ્લાન અમલી બનાવવા માટે પણ કહી દીધેલું, વિન્ડોઝની વિદાય એ દિશામાં પહેલું કદમ છે.

ફ્રેન્ચ સરકારની જાહેરાત પ્રમાણે ઇન્ટરમિનિસ્ટરિયલ ડિરેક્ટોરેટ ફોર ડિજિટલ અફેર્સ (ડીઆઈએનયુએમ)નાં કમ્પ્યુટર્સથી વિન્ડોઝને વિદાય આપવાની શરૂઆત થશે. એ પછી ફ્રાન્સના ડિરેક્ટોરેટ જનરલ ફોર એન્ટરપ્રાઇઝ (ડીજીઈ), નેશનલ સાયબર સિક્યુરિટી એજન્સી ઓફ ફ્રાન્સ (એએનએસએસઆઈ) અને સ્ટેટ પ્રોક્યોરમેન્ટ ડિરેક્ટોરેટ (ડીએઈ)નાં કોમ્પ્યુટર્સમાંથી પણ વિન્ડોઝને વિદાય કરીને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવી જશે. 

લગભગ એક મહિનાના ગાળામાં જ આ પ્રક્રિયા પૂરી કરી લેવાશે એવું કહેવાશે. કેટલા સમયમાં આ પ્રક્રિયા પૂરી થશે એ મહત્ત્વનું નથી. મહત્ત્વની વાત એ છે કે, ફ્રાન્સે વિન્ડોઝને વિદાય કરવાની શરૂઆત કરી છે તેથી મહિનો નહીં તો બે મહિના ને બે મહિના નહીં તો બાર મહિનામાં તો ફ્રાન્સ વિન્ડોઝથી મુક્ત થઈને આત્મનિર્ભર બનશે. ફ્રાન્સના સરકારી કામકાજમાં લગભગ 70 ટકા કોમ્પ્યુટર્સ આ વિભાગોનાં છે તેથી એક વરસમાં તો ફ્રાન્સનાં મોટા ભાગનાં સરકારી કોમ્પ્યુટર્સ વિન્ડોઝમુક્ત થઈ જશે. 

ફ્રાન્સની સરકારે ડિજિટલ ક્ષેત્રે ફ્રાન્સના સાર્વભૌમત્વ બનાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું સત્તાવાર રીતે કહ્યું છે. ફ્રેન્ચ મંત્રી ડેવિડ એમિલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ પહેલનો હેતુ યુએસ ટેક કંપનીઓ પરનો મદાર ઘટાડીને પોતાના ડેટા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફ્રાન્સ સરકારનો સંપૂર્ણ અધિકાર સ્થાપિત કરવાનો છે. મતલબ કે, ફ્રાન્સ હવે અમેરિકાની ચુંગાલમાંથી મુક્ત થઈને ડિજિટલી આત્મનિર્ભર બનવા માગે છે. 

ફ્રેન્ચ સરકારે સારા શબ્દોમાં યુએસ ટેક કંપનીઓથી મુક્ત થવાનું કહ્યું પણ ફ્રાન્સનો નિર્ણય અમેરિકાની વધતી દાદાગીરી અને ખાસ તો ડોનલ્ડ ટ્રમ્પન જોહુકમીનું પરિણામ છે એ કહેવાની જરૂર નથી. ટ્રમ્પે બીજી વાર પ્રમુખ બન્યા પછી ફરી અમેરિકાને દુનિયાનો સૌથી તાકાતવર દેશ બનાવવાના નામે અમેરિકા ફર્સ્ટનું તૂત શરૂ કર્યું છે. આ તૂત હેઠળ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ટેરિફ લાદી દીધા. 

યુરોપીયન દેશો વરસોથી અમેરિકાના સાથી છે અને અમેરિકન કંપનીઓ યુરોપમાંથી અબજોનો ધંધો કરે છે છતાં ટ્રમ્પે તેમને પણ લપેટમાં લઈ લીધા તેના કારણે ફ્રાન્સ સહિતના દેશો નારાજ હતા જ. એ વખતે જ તેમને સમજાઈ ગયેલું કે, અમેરિકા પોતાનો જ સ્વાર્થ જુએ છે તેથી યુરોપીયન યુનિયને પોતાનાં હિત જાળવવા અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે. આ નિર્ભરતા ઘટાડવા માટે જ યુરોપીયન યુનિયને ભારત સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે.  

ટ્રમ્પે યુક્રેન યુદ્ધના મામલે અલગ વલણ લીધું તેના કારણે આ નારાજગી વધી અને હવે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે મનમાની કરીને એકતરફી રીતે ઈરાન પર હુમલો કરી નાખ્યો તેના કારણે યુરોપીયન દેશો બિલકુલ ખફા છે. અમેરિકા અને યુરોપના દેશોના બનેલા લશ્કરી સંગઠન નાટોએ ટ્રમ્પના દુસ્સાહસમાં જોડાવાનો ઈન્કાર કરીને ઈરાન સામેના અમેરિકાનાં યુદ્ધમાં કોઈ પણ પ્રકારની મદદ કરવાની પણ ઘસીને ના પાડી દીધેલી એ આ નારાજગીનું જ પરિણામ છે. હવે અમેરિકન ટેક કંપનીઓને વિદાય કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. શરૂઆત ફ્રાન્સે કરી છે ને હવે પછી જર્મની સહિતના દેશો તેને અનુસરશે તેથી અમેરિકા માટે યુરોપમાં વર્ચસ્વ જાળવવું મુશ્કેલ બનશે. 

ફ્રાન્સે લીધેલો નિર્ણય બહાદુરીભર્યો છે અને ભારત પણ ફ્રાન્સના રસ્તે ચાલીને ડિજિટલી આત્મનિર્ભર બની શકે છે. ફ્રાન્સે તો પોતાની ઓપરેટિંગ સિસ્ટમ નથી વિકસાવી પણ ભારત તો પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસાવી શકે છે કેમ કે લિનક્સ યુનિક્સ આધારિત ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. મતલબ કે, તેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વિકસાવી શકે છે, તેના માટે કોઈ પેટન્ટ ફી ચૂકવવાની નથી. 

ચીને લિનક્સનો લાભ લઈને પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી જ છે. 2023માં  ચીને લિનક્સ પર આધારિત પોતાની પહેલી સ્વદેશી ઓપન-સોર્સ ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ ઓપનકાયલિન બનાવી હતી. ચીને લગભગ 4000 ડેવલપર્સની મદદથી ઓપનકાયલિન બનાવી છે. અત્યારે ઓપનકાયલિનનો ઉપયોગ ચીન પોતાના સ્પેસ પ્રોગ્રામ, ફાયનાન્સ અને એનર્જી સહિતનાં સેક્ટરમાં કરે જ છે, ચીન ધીરે ધીરે અમેરિકન કંપનીઓ પરની નિર્ભરતા છોડીને પોતાના પ્લેટફોર્મ પર સ્વિચઓવર થઈ જ રહ્યું છે ને ભવિષ્યમાં સંપૂર્ણ મુક્ત થઈ જશે. 

માઈક્રોસોફ્ટે જબરદસ્ત માર્કેટિંગ કરીને વિન્ડોઝની મોનોપોલી ઊભી કરી, બાકી લિનક્સ તેના કરતાં બહેતર જ છે. તેનો પુરાવો એ કે, આઈફોન બનાવતી એપલની સૌથી મોટી શોધ મનાતી મેક ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ-આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. સ્ટીવ જોબ્સે મેકને આર્ટિસ્ટ્સના કોમ્પ્યુટર તરીકે બનાવેલું તેથી તેમાં અદભૂત ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (જીયુઆઈ) છે. છેક 1983માં બનાવેલી આ ઓપરેટિંગ સિસ્ટમ આજે પણ યુનિક મનાય છે.  

ભારત પાસે થોકબંધ ડેવલપર્સ છે એ જોતાં મોદી સરકારે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ. ઓઆઈના કારણે ભારતીય આઈટી કંપનીઓનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું છે ત્યારે આ પહેલના કારણે તેમને પણ જીવતદાન મળશે. આપણે ચીનની મદદ ના લઈ શકીએ પણ ફ્રાન્સ સહિતના દેશો આ પુણ્ય કાર્યમાં ચોક્કસ મદદ કરી શકે એ જોતાં વિલંબ કરવા જેવો નથી.