Sat Mar 14 2026

Logo

શું અમેરિકી રાષ્ટ્રપતિએ US સ્ટોક માર્કેટ સંપૂર્ણ બંધ આદેશ આપ્યો? જાણો હકીકત...

Newyork   1 week ago
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ ઈરાન સાથે શરૂ થયેલા યુદ્ધ બાદ મધ્યપૂર્વમાં તણાવ સતત વધ્યો છે. તેવામાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમગ્ર યુએસ સ્ટોક માર્કેટને સંપૂર્ણ બંધ કરીને રાષ્ટ્રીય કટોકટીનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) લાગુ કર્યો છે અને ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE), NASDAQ અને દરેક મુખ્ય યુએસ એક્સચેન્જના તાત્કાલિક અને સંપૂર્ણ ટ્રેડિંગ બંધ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે.  

શું ખરેખર અમેરિકી રાષ્ટ્રપતિએ આ આદેશ આપ્યો?

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નાણાકીય વ્યવસ્થા માટે એક અભૂતપૂર્વ ખતરો ગણાવ્યો છે અને અમેરિકન લોકોની સંપત્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે ટ્રેડિંગ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, IEEPA હેઠળ યુએસ સ્ટોક એક્સચેન્જ બંધ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા પણ આવી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. 

 

અમેરિકાએ સત્તાવાર રીતે કોઈ પુષ્ટી કરી નથી

જોકે, અત્યારે મધ્યપૂર્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકાર સંભળાઈ રહ્યાં છે. તેવામાં ડોલાન્ડ ટ્રમ્પે અમેરિકી શેર બજારને બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ શેર થઈ રહી છે. પરંતુ અમેરિકા દ્વારા તેની સત્તાવાર રીતે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. દાવાઓમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ, NASDAQ અને અન્ય મુખ્ય યુએસ એક્સચેન્જો અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. વાયરલ ટ્વીટ્સ અને પોસ્ટ્સ વૈશ્વિક બજારો માટે ચિંતાજનક છે.