મુંબઈ: યુપીઆઈ વ્યવહારો માટે ચાર્જ વસૂલવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે યુપીઆઈ અને ડિજિટલ વ્યવહારોને કારણે વેપાર વધ્યો છે અને દેશના વ્યવહારો વધુ સરળ બન્યા છે. દેશને વધુ આગળ લઈ જવા અને યુપીઆઈ વ્યવહારો વધારવા માટે નજીવો ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી જોઈએ અને વેપારીઓ કે પેટ્રોલ પંપ સંચાલકોએ તેનો વિરોધ ન કરવો જોઈએ.
મધ્ય પ્રદેશના પેટ્રોલ પંપ સંચાલકોએ રૂ. 2,000થી વધુના યુપીઆઈના વ્યવહારો સ્વીકારવાનો ઈનકાર કરવાની ભૂમિકા લીધા બાદ આ ચર્ચા વધુ ગરમાઈ છે. ફડણવીસે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ સહિતના વ્યવસાયોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. યુપીઆઈને કારણે ગ્રાહકો માટે ચુકવણી સરળ બની છે અને વેપારીઓના વ્યવસાયને પણ તેનો લાભ મળ્યો છે. સરકાર તરફથી યુપીઆઈ વ્યવહારો માટે અત્યંત નજીવા ચાર્જનો પ્રસ્તાવ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે વધુમાં દાવો કર્યો કે યુપીઆઈ અને ડિજિટલ વ્યવહારોને કારણે પારદર્શિતા વધવા સાથે ભ્રષ્ટાચાર ઘટાડવામાં પણ મદદ મળી છે. તેમણે કહ્યું કે યુપીઆઈ વ્યવહારો પર ચાર્જ અંગે અનાવશ્યક ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉ સંસદીય સમિતિ દ્વારા પણ યુપીઆઈ વ્યવહારો પર ચાર્જ અંગે ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિમાં કોંગ્રેસ સહિત તે સમયની યુપીએના કેટલાક નેતાઓ સામેલ હતા અને પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમ પણ તેનો ભાગ હતા, એવો ફડણવીસે દાવો કર્યો હતો.
મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે પ્રસ્તાવિત ચાર્જ તમામ યુપીઆઈ વ્યવહારો પર મોટા પાયે લાગુ કરવાનો નથી, પરંતુ ચોક્કસ અથવા નાના પ્રકારના વ્યવહારો પૂરતો મર્યાદિત હોઈ શકે છે. તેથી ગ્રાહકો અને વેપારીઓમાં ગેરસમજ ફેલાવવાને બદલે ડિજિટલ પેમેન્ટના વ્યાપક ફાયદાઓ પર ધ્યાન આપવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું. પેટ્રોલ પંપ પર યુપીઆઈની સુવિધા બંધ કરવાને બદલે ડિજિટલ વ્યવહારોને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ, તેમ તેમણે કહ્યું.
આ દરમિયાન ફડણવીસે મહારાષ્ટ્રમાં પાયાભૂત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસની યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. સમૃદ્ધિ એક્સપ્રેસ વે સાથે માલવાહતુક માટે ડેડિકેટેડ ફ્રેટ રેલ માર્ગનો પ્રસ્તાવ છે અને તેનો ડીપીઆર તૈયાર કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને સોંપવામાં આવી છે. વધવન અને જવાહરલાલ નેહરુ પોર્ટને નાશિક, જાલના, સેલૂ, વર્ધા અને ગડચિરોલી સાથે માલવાહક રેલવે દ્વારા જોડવાનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. સાણવેર વિસ્તારમાં ડિફેન્સ, ન્યુક્લિયર અને એરોસ્પેસ ક્ષેત્રના પ્રોજેક્ટ્સ માટે જમીન ઉપલબ્ધ કરાવવાની તથા ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગારની તકો વધારવાની પણ તેમણે માહિતી આપી હતી.