નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી અપડેટ મુજબ, માર્ચ મહિનાના મધ્યમાં પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આકાશ વાદળછાયું રહેવા સાથે અનેક વિસ્તારોમાં સવારથી જ ઝાપટાં શરૂ થઈ ગયા છે, જેનાથી વધતી જતી ગરમીમાં લોકોને રાહત મળી છે.
દિલ્હી-NCRમાં વરસાદી માહોલ
આજે 15 માર્ચ 2026ના રોજ દિલ્હી અને એનસીઆરના ભાગોમાં સવારથી જ વરસાદી ઝાપટાં નોંધાયા છે. પાલમ જેવા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડવાને કારણે રસ્તાઓ ભીના થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આખો દિવસ આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. તાપમાનની વાત કરીએ તો, આજે મહત્તમ તાપમાન 29°C થી 31°C અને લઘુત્તમ તાપમાન 17°C થી 19°C ની આસપાસ રહેવાનો અંદાજ છે.
માત્ર મેદાની વિસ્તારો જ નહીં, પણ પહાડી રાજ્યોમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. 15 થી 19 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારો અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં કરા પડવાની (Hailstorm) પણ આશંકા વ્યક્ત કરી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
આગામી ચાર-પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ અને પૂર્વી રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને હળવા વરસાદની શક્યતા છે. ૧૬ માર્ચના રોજ પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો અનુભવ થશે.