Wed Aug 26 2026

Logo

દિલ્હીમાં માત્ર 10  મિનિટના વરસાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ થઈ ગઇ પાણી-પાણી? જુઓ વીડિયો

2026-07-04 17:42:35
Author: Devayat Khatana
દિલ્હીમાં માત્ર 10  મિનિટના વરસાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ થઈ ગઇ પાણી-પાણી? જુઓ વીડિયો

નવી દિલ્હી: હાલ દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીની કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી લાલ બહાદુર હોસ્પિટલ માત્ર દસ મિનિટના વરસાદમાં જ પાણી પાણી થઈ ગઇ હતી. મળતી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રેખા ગુપ્તા સરકારમાં 650 કરોડના સ્વાસ્થ્ય કૌભાંડની અસર જુઓ, માત્ર દસ જ મિનિટનો વરસાદ અને દિલ્હીની લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાંથી બહાર આવ્યું હતું. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલની અંદર એટલું પાણી ભરાય ગયું કે દર્દીઓ અને તેના સગાઓએ સારવાર કરતાં પહેલા પાણીને કારણે હેરાન થવું પડતું હતું.  

જો કે આ હોસ્પિટલ અત્યારે એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકાર પર સરકારી હોસ્પિટલો માટે દવાઓ અને ચાદરની ખરીદીમાં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. જેથી આરોગ્ય સેવાઓની જમીની સ્થિતિનું મૂલ્યાંકન  કરવા માટે આપના નેતાઓએ આ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન, તેમણે હોસ્પિટલમાં ફાટેલી ચાદર, દવાઓની અછત અને ORS પેકેટ પર છપાયેલી MRP જેવા મુદ્દાઓ ઉઠાવ્યા અને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. 

આપના ધારાસભ્ય કુલદીપ કુમારે વિવિધ વોર્ડ, ઓપીડી, ઓપરેશન બ્લોક, દવા વિતરણ કેન્દ્ર અને નોંધણી કાઉન્ટરનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે દાવો કર્યો હતો કે સરકારી રેકોર્ડમાં નવી બેડશીટની ખરીદી દર્શાવવામાં આવી હોવા છતાં, ઘણી બેડશીટ ફાટી ગઈ હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે નવી બેડશીટ કેમ ખરીદવામાં આવી નથી.