Sat Sep 05 2026

Logo

દિલ્હી હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવની એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરવાની અરજી ફગાવી

2026-03-24 16:30:00
Author: chandrakant Kanoja
દિલ્હી  હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવની એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરવાની અરજી ફગાવી

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે લેન્ડ ફોર  જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવને આંચકો આપ્યો છે.  લાલુ પ્રસાદ યાદવે સીબીઆઈની એફઆઈઆર અને ચાર્જશીટ રદ કરવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઇકોર્ટે અરજીમાં  કોઇ તથ્ય ન હોવાનું કહીને ફગાવી દીધી હતી. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે સીબીઆઈ પાસે કેસ ચલાવવા માટે જરૂરી મંજૂરી નથી. જ્યારે હાઇકોર્ટે કહ્યું કે આ અરજીમાં કોઇ તથ્ય નથી તેથી તેને ફગાવી દેવામાં આવે  છે.  આ કેસ રેલવેમાં  નોકરી આપવાના બદલે જમીન પડાવી લેવાનો છે. જેની સીબીઆઈ તપાસ કરી રહી છે.  

કોગ્નિઝન્સ ઓર્ડરને રદ કરવાની માંગ કરવામાં આવી હતી

હાઇકોર્ટે ભૂતપૂર્વ રેલ્વે મંત્રી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જેમાં વર્ષ 2022, 2023 અને 2024 માં દાખલ કરાયેલી ત્રણ ચાર્જશીટ અને ત્યારબાદના કોગ્નિઝન્સ ઓર્ડરને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. 

મધ્ય પ્રદેશના જબલપુરમાં નોકરી આપવા બદલ જમીન પડાવી હતી 

ઉલ્લેખનીય છે કે, લેન્ડ ફોર જોબ કેસ  લાલુ પ્રસાદ યાદવ જ્યારે  કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે વર્ષ 2004 થી 2009નો છે. જેમાં મધ્ય પ્રદેશના જબલપુરમાં ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય ઝોનમાં ગ્રુપ ડી નિમણૂકો સાથે સંબંધિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિમણૂકો ભરતી કરનારાઓ દ્વારા આરજેડીના  વડાના પરિવાર અથવા સહયોગીઓને કથિત રીતે ભેટમાં આપવામાં આવેલી અથવા ટ્રાન્સફર કરાયેલી જમીનના બદલામાં કરવામાં આવી હતી.

લાલુ પ્રસાદ યાદવ અને અન્ય હાલમાં જામીન પર

લાલુ યાદવે દલીલ કરી હતી કે આ કેસમાં તપાસ  એફઆઈઆર તપાસની પ્રક્રિયા અને ત્યારબાદની ચાર્જશીટ કાયદેસર રીતે ટકાઉ નથી કારણ કે સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 17A હેઠળ પૂર્વ મંજૂરી મેળવી ન હતી. 18 મે, 2022 ના રોજ યાદવ અને તેમની પત્ની, બે પુત્રીઓ, અજાણ્યા સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 77 વર્ષીય લાલુ પ્રસાદ યાદવ અને અન્ય હાલમાં જામીન પર છે.