નવી દિલ્હીઃ દિલ્હીની પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાની આવાસને લઈને વિવાદમાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દિલ્હીની ભાજપ સરકાર દ્વારા સિવિલ લાઇન્સમાં 6-ફ્લેગસ્ટાફ રોડ પર સ્થિત પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકાર હવે આ વિવાદાસ્પદ સત્તાવાર આવાસને એક આધુનિક 'સ્ટેટ ગેસ્ટ હાઉસ' અને અત્યાધુનિક 'કલ્ચરલ સેન્ટર' તરીકે વિકસાવવા જઈ રહી છે.
ભાજપ સરકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આ આવાસને 'શીશમહેલ' કહે છે. હવે આ જ આવાસમાં દિલ્હી સરકાર દેશ-વિદેશના વીવીઆઈપી (VVIP) મહેમાનોની યજમાની કરશે, જેના માટે સરકારે સંપૂર્ણ રોડમેપ તૈયાર કરી લીધો છે. જેની સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરી લેવામાં આવી છે.
આ શીશમહેલમાં હવે રહેશે સરકારી મહેમાનો
સરકારના પ્લાન મુજબ, આ બંગલામાં સરકારી મહેમાનો માટે કાયમી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવશે. દેશ અને વિદેશથી દિલ્હી આવતા સરકારી પ્રતિનિધિમંડળો, વિશિષ્ટ અતિથિઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓના રોકાણ માટે આ આવાસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. તેને ભવ્ય સ્ટેટ ગેસ્ટ હાઉસ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે કલ્ચરલ સેન્ટરનું સ્વરૂપ અપાશે.
વર્ષ 2024 માં દિલ્હીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ પોતાના પરિવાર સાથે ઓક્ટોબર 2024 માં આ 6-ફ્લેગસ્ટાફ માર્ગ સ્થિત બંગલામાંથી બહાર નીકળી ગયા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ 'શીશમહેલ' સૌથી મોટો ચૂંટણી મુદ્દો બન્યો હતો. ભાજપે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે મુખ્યમંત્રી પદે રહેતા જનતાના કરોડો રૂપિયા ખર્ચીને પોતાના માટે આ વૈભવી 'શીશમહેલ' બનાવડાવ્યો છે. આ મુદ્દો દિલ્હીની ચૂંટણીમાં ખૂબ જ નિર્ણાયક રહ્યો હતો.
સીએમ રેખા ગુપ્તાએ બંગલામાં રહેવાનો કર્યો હતો ઈનકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ જ્યારે રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એ બંગલામાં બિલકુલ નહીં રહે જ્યાં કેજરીવાલ રહેતા હતા. મુખ્ય પ્રધાનના આ નિર્ણય બાદ સીએમ રેખા ગુપ્તાને રહેવા માટે બીજો સરકારી બંગલો એલોટ કરવામાં આવ્યો હતો અને હવે કેજરીવાલના જૂના બંગલાનો ઉપયોગ સરકારી ગેસ્ટ હાઉસ તરીકે કરવાનો નિર્ણય લેવાયો છે.