Sat Apr 18 2026

Logo

સરકારી નોકરીમાં શિસ્તભંગ પડશે મોંઘી: સીટ પરથી ગાયબ રહેનારા કર્મચારીઓ સામે કેવા પગલાં લેવાય? જાણો નિયમો...

2026-04-09 14:51:00
Author: Darshana Visaria
Article Image

દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા દ્વારા જીએસટી ઓફિસમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા અને આ સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન બાદ સરકારી કર્મચારીઓની હાજરી અને શિસ્તને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઉભા થયા છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે કોઈ સરકારી કર્મચારી પૂર્વ મંજૂરી વિના પોતાની ડ્યુટી પર ગેરહાજર જણાય, ત્યારે તેની સામે શું પગલાં લેવાય છે, તેને શું સજા કરવામાં આવે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આવા કર્મચારી સામે સર્વિસ રૂલ્સ મુજબ કડક શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈ છે. આ સ્ટોરીમાં આપણે આ વિશે વાત કરીશું... 

દિલ્હીના મુખ્ય રેખા ગુપ્તા આઠમી એપ્રિલના રોજ અચાનક જીએસટી ઓફિસ પહોંચી ગયા હતા, જ્યાં અનેક કર્મચારીઓ ઓન ડ્યુટ ગાયબ જોવા મળ્યા હતા, અનેક ઓફિસ અને ડેસ્ક બંધ પડ્યા હતા. આ બધું જોતા સવાલ થાય એ સ્વાભાવિક છે કે આવા કર્મચારીઓ સામે શું પગલાં લેવાઈ શકે છે અને તેમને કેટલી સજા થઈ શકે છે. 

શો કોઝ નોટિસઃ
સૌથી પહેલાં તો ઈન્સ્પેક્શન બાદ ઓન ડ્યુટી ગેરહાજર રહેલાં કર્મચારીઓને સૌથી પહેલાં તો શો કોઝ નોટિસ આપવામાં આવે છે. આને કારણે કર્મચારીએ નિર્ધારિત સમયમાં લેખિતમાં જણાવવું પડે છે કે તેઓ કયા કારણોસર પોતાની બેઠક પર હાજર નહોતા. જો જવાબ સંતોષકારક ન હોય, તો આગળની કાર્યવાહી શરૂ થાય છે.

પેનલ્ટી અને સેલરી કટઃ 
શો કોઝ નોટિસ સિવાય જ્યારે સરકારી કર્મચારી આગોતરી જાણ કર્યા વિના ગેરહાજર રહે છે તો આવા કિસ્સામાં એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. પેનલ્ટી સિવાય અમુક ગંભીર કિસ્સામાં કર્મચારીનું ઈન્ક્રિમેન્ટ અમુક સમય માટે રોકી રાખવાની સજા પણ થઈ શકે છે.

સર્વિસ રેકોર્ડ પર અસરઃ 
વગર મંજૂરીની ગેરહાજરીને 'ડાયઝ-નોન' (Dies-Non) તરીકે જાહેર કરવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે તે દિવસ અથવા સમયગાળો કર્મચારીની સેવામાં ગણવામાં આવતો નથી, જેની સીધી અસર તેના પ્રમોશન અને પેન્શન પર પડે છે.

સસ્પેન્શન અને બરતરફીઃ
જો તપાસમાં શિસ્તભંગ સાબિત થાય, તો કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી વારંવાર આવું વર્તન કરે અથવા સતત લાંબા સમય સુધી એટલે કે પાંચ વર્ષથી વધુ ગેરહાજર રહે, તો તેને સર્વિસમાંથી કાયમી ધોરણે સસ્પેન્શન કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.