Fri May 01 2026

Logo

સમીર રિઝવી સેન્ચુરી ચૂક્યો, પણ દિલ્હી ફરી જીત્યું

2026-04-04 19:44:18
Author: Ajay Motiwala
Article Image

PTI


મુંબઈ સામે 11 બૉલ બાકી રાખીને છ વિકેટે મેળવ્યો વિજય

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સે અહીં શનિવારે હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સને છ વિકેટે હરાવીને બે પૉઇન્ટ મેળવ્યા હતા અને એ સાથે દિલ્હીની ટીમ ચડિયાતા રનરેટ બદલ પૉઇન્ટ્સ-ટેબલમાં પંજાબને હટાવીને નંબર-વન થઈ ગઈ હતી. દિલ્હી (Delhi)એ 163 રનનો લક્ષ્યાંક 18.1 ઓવરમાં 4/164ના સ્કોર સાથે આસાનીથી મેળવી લીધો હતો. ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલો સમીર રિઝવી (90 રન, 51 બૉલ, સાત સિક્સર, સાત ફોર) સતત બીજી મૅચમાં હીરો બન્યો હતો. તે કરીઅરની તેમ જ આ વખતની આઇપીએલની પ્રથમ સેન્ચુરી 10 રન માટે ચૂકી ગયો હતો. તેણે કૉર્બિન બૉશ્ચના બૉલમાં સિક્સર મારવાની લાલચમાં લૉન્ગ-ઑફ પર તિલક વર્માને કૅચ આપી દીધો હતો.

દિલ્હીએ પણ મુંબઈની જેમ શરૂઆતમાં જ બે વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જોકે ટીમના કુલ 164 રનમાં શ્રીલંકન ઓપનર પથુમ નિસાન્કાનું 44 રનનું યોગદાન હતું જે તેણે 30 બૉલમાં એક સિક્સર અને છ ફોરની મદદથી કર્યા હતા. તેણે સમીર રિઝવી (Sameer rizvi) સાથે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ રિઝવીએ ડેવિડ મિલર (21 અણનમ, 18 બૉલ, ચાર ફોર) સાથે ચોથી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. 17મી ઓવરમાં રિઝવીએ વિકેટ ગુમાવી ત્યાર પછી મિલર અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (ત્રણ અણનમ)ની જોડીએ જવાબદારી સંભાળી લીધી હતી અને દિલ્હીને 11 બૉલ બાકી રાખીને વિજય અપાવી દીધો હતો. ફક્ત કૉર્બિન બૉશ્ચ, દીપક ચાહર અને મિચલ સૅન્ટનરને એક-એક વિકેટ મળી હતી. પાછલી મૅચના અવૉર્ડ વિજેતા શાર્દુલ ઠાકુરને તેમ જ બુમરાહ અને મયંક માર્કન્ડેને વિકેટ નહોતી મળી.

PTI

એ પહેલાં, મુંબઈની ઇનિંગ્સમાં ઓપનિંગ નબળું થયું તેમ જ તિલક વર્મા (0) તથા શેરફેન રુધરફર્ડ (પાંચ રન) સસ્તામાં આઉટ થઈ ગયા એને લીધે મુંબઈની ટીમ દિલ્હીને પડકારરૂપ લક્ષ્યાંક નહોતી આપી શકી અને છેવટે પરાજય જોવો પડ્યો. મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા અસ્વસ્થ હોવાથી આ મૅચમાં નહોતો રમ્યો અને ટીમને તેની ખોટ ખૂબ વર્તાઈ હતી.

મુંબઈની ટીમમાં એકમાત્ર સૂર્યકુમાર યાદવ (51 રન, 36 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી અને અન્ય ચાર બૅટ્સમેનના સાધારણ પર્ફોર્મન્સની મદદથી દિલ્હી કૅપિટલ્સ સામે 20 ઓવરમાં છ વિકેટે 162 રન કર્યા હતા અને અક્ષર પટેલની ટીમને 163 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. 162 રનમાં નમન ધીરનો 28 રનનો, મિચલ સૅન્ટનરનો અણનમ 18 રનનો અને કોર્બિન બૉશ્ચનો અણનમ 11 રનનો સાધારણ ફાળો હતો. દિલ્હીના મુકેશ કુમારે બે વિકેટ તેમ જ ઍન્ગિડી, અક્ષર, વિપ્રજ અને ટી. નટરાજને એક-એક વિકેટ મેળવી હતી.

PTI