Mon Sep 28 2026

Logo

ડિયર મુંબઈગરાઓ, આનંદો...  અહીં અબજો સ્ક્વેરફીટ જમીન રેઢી પડી છે!

2026-09-09 14:05:36
Author: Ravi Nayak
ડિયર મુંબઈગરાઓ, આનંદો...  અહીં અબજો સ્ક્વેરફીટ જમીન રેઢી પડી છે!

સાત સમંદર પાર - રવિ નાયક

એક અંદાજ મુજબ મુંબઈ શહેરમાં દર ચોરસ કિલોમીટરે તેર હજારથી વધુ લોકો નિવાસ કરે છે. ન્યૂયોર્કમાં આ આંકડો અગિયાર હજારની આસપાસ છે. જ્યારે લંડનમાં પ્રતિ ચોરસ કિલોમીટરે માત્ર સાડા પાંચથી છ હજાર લોકો જ રહે છે. શું આ આંકડાઓને આધારે એવું કહી શકાય કે લંડનના લોકો મુંબઈ કે ન્યૂયોર્કની સરખામણીએ વધુ છૂટથી રહે છે? અને આવી મોકળાશને કારણે લંડનવાસીઓ બીજાં બે શહેરોની પ્રજા કરતાં વધુ સુખી છે? આનો જવાબ એક લીટીમાં આપી શકાય એમ નથી.

ભૌગોલિક પરિસ્થિતિ અને ડેમોગ્રાફી આ બે એવા પરિબળ છે જે કોઈ શહેર કે દેશની આર્થિક અને સામાજિક જ નહીં બલકે રાજકીય પરિસ્થિતિને પણ મોટા પાયે પ્રભાવિત કરે છે. ભારતીય શહેરોમાં વસતા લોકોને ક્યાં તો વિદેશ જવું છે અથવા ગામડે જઈને રહેવું છે. કારણ? યુરોપ-અમેરિકા, કૅનેડા અને ઓસ્ટ્રેલિયા જેવાં સ્થળોએ ભૌતિક સુખસગવડ આસાનીથી મળી રહે. જ્યારે ગ્રામ્યજીવનમાં મોકળાશ મળી રહે. આની પાછળનું મૂળ કારણ છે માનવજીવન માટે જરૂરી રિસોર્સિસની ઉપલબ્ધિ સામે ઓછી જનસંખ્યા, પણ રિવર્સ થિન્કિંગ કરીએ તો જે પ્રદેશોમાં માનવવસ્તી ઓછી છે ત્યાં બધે સુખ-સમૃદ્ધિ હોય એવું બિલકુલ નથી, કારણ કે અહીં ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ ભાગ ભજવે છે.

દાખલા તરીકે ભારતમાં પ્રતિ ચોરસ કિલોમીટરે આશરે 484 માણસે રહે છે, જ્યારે ઈજીપ્ત ભારત કરતાં ત્રીજા ભાગનું ક્ષેત્રફળ ધરાવે છે અને અહીં પ્રતિ ચોરસ કિલોમીટર માત્ર 121 માણસ રહે છે. ઈજીપ્તની વસ્તીગીચતા ભારત કરતાં ખાસ્સી ઓછી છે, પણ એની સામે ઈજીપ્તની ભૌગોલિક પરિસ્થિતિ આપણા માન્યામાં ન આવે એવી છે.

ભૂગોળના વિષયમાં ઈજીપ્તની નાઇલ નદીનો ઉલ્લેખ આવતો. સાડા છ હજાર કિલોમીટર કરતાં વધુ લંબાઈની નાઇલ વિશ્વની સૌથી લાંબી નદી છે. આ નદી આફ્રિકાના અત્યંત સૂકા અને વિશાળ સહારા રણમાંથી પસાર થાય છે. જો નાઇલ નદી ન હોત તો ઇજિપ્ત અને તેની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે વેરાન રણ હોત. નાઇલ નદી દક્ષિણથી શરૂ થઈને ઉત્તર તરફ વહે છે અને અંતે ભૂમધ્ય સમુદ્રમાં ભળે છે. આને કારણે દર વર્ષે નાઇલ નદીમાં આવતા પૂર પૂર્વ આફ્રિકાના પર્વતોમાંથી અત્યંત ફળદ્રુપ કાળી માટી (કાંપ) ખેંચી લાવે છે. આ માટી નદીના કિનારે પથરાય છે, જેના પ્રતાપે રણની વચ્ચે પણ ઉત્તમ ખેતી શક્ય બની. વિશ્વની સૌથી પ્રાચીન તેમ જ મહાન સંસ્કૃતિઓમાં ગણના પામતી ઇજિપ્શિયન સંસ્કૃતિ આ જ નાઇલના કિનારે વિકસી. આ સંસ્કૃતિના પ્રતીક સમા પિરામિડ્સ, મંદિરો અને પ્રાચીન શહેરો આ નદીના કારણે જ અસ્તિત્વમાં આવ્યાં. નાઇલ ન હોત તો આમાંનું કશું ન હોત.

હવે ફરી વસ્તીગીચતાની વાત તરફ વળીએ તો એક લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ઈજીપ્ત દેશના લગભગ નેવું ટકા વિસ્તારો રણપ્રદેશમાં આવતા હોવાને કારણે માનવવસ્તી વિહોણા છે અથવા બહુ પાંખી વસ્તી ધરાવે છે.

બીજી તરફ દેશના ક્ષેત્રફળના પાંચથી દસ ટકા જ વિસ્તાર ધરાવતો નાઇલ નદીનો પ્રદેશ દેશની 95 ટકા વસ્તી સમાવે છે.

આપણને ભારતીયોને ખાસ કરીને મુંબઈગરાઓને તો પ્રદેશનો 90 ટકા ઉપરાંત વિસ્તાર વસ્તીવિહોણો પડ્યો રહે એ વાત જ પચાવવી અઘરી લાગશે. 

પણ એવા તો વિશ્વમાં ઘણા દેશ છે જેનો મોટા ભાગનો ભૂ-ભાગ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને પગલે સાવ સૂનો પડી રહ્યો હોય!

પડોશી દેશ ચીનની વાત કરીએ તો એ પોતાની જનસંખ્યા અને વસ્તીગીચતા માટે પ્રખ્યાત છે. આજની તારીખે ચીનમાં આશરે એક અબજ ચાલીસ કરોડ લોકો વસે છે. તેમ છતાં નવાઈની વાત એ છે કે આ જંગી વસ્તી પૈકીના 94% લોકો માત્ર 43% જેટલા વિસ્તારમાં રહે છે! બીજા શબ્દોમાં કહીએ તો આટલી જંગી વસ્તી હોવા છતાં દેશના મોટા ભાગના પ્રદેશોમાં નહિવત જનસંખ્યા વસે છે. આ પણ કુદરતનો જ કમાલ છે.

પશ્ચિમ ચીનમાં શુષ્ક અથવા અર્ધ-શુષ્ક આબોહવા, ઓછો વરસાદ, તાપમાનની તીવ્ર વધઘટ (શિયાળામાં ખૂબ ઠંડું, ઉનાળામાં ગરમ) અને પાણીની અછત જેવી કુદરતી સમસ્યાઓ છે. અહીં પર્વતીય પ્રદેશથી માંડીને ઉત્તરીય ચીનમાં આવેલ ગોબીના વિશાળ રણ જેવા દુર્ગમ વિસ્તારોય છે, જે માનવ વસવાટ માટે અત્યંત પ્રતિકૂળ ગણાય. બીજી તરફ પૂર્વીય ચીનમાં નદીઓ સહિતના ફળદ્રુપ મેદાની પ્રદેશો છે. 

અહીં અનુકૂળ વરસાદ અને મધ્યમ આબોહવા છે, જે કૃષિ માટે યોગ્ય ગણાય. એટલે સ્વાભાવિક રીતે જ ચીની સંસ્કૃતિ અને કૃષિ મુખ્યત્વે પૂર્વીય પ્રદેશોમાં વિકસી. વેપાર, બંદરો અને ઔદ્યોગિક વિકાસ પણ પૂર્વ કિનારા પર કેન્દ્રિત રહ્યો. જ્યારે પશ્ર્ચિમી તેમજ ઉત્તરીય ચીનના વિસ્તારો અત્યંત પાંખી વસ્તીવાળા બની રહ્યા.

અહીં આપણે માત્ર ઈજીપ્ત અને ચીનની વાત કરી. બાકી દુનિયામાં અનેક દેશો એવા છે જ્યાં ભૌગોલિક કારણોસર હજારો હેક્ટર જમીનો માનવવસવાટ વિનાની છે. યુરોપમાં તો આમેય વસ્તીગીચતા ઓછી છે. કૅનેડા અને રશિયાની વાત માટે તો વળી અલાયદો લેખ જ લખવો પડે!

... અને છેલ્લે, હે મુંબઈગરાઓ... અહીં એક-એક સ્ક્વેર ફીટ માટે હજારો રૂપિયા ખર્ચીને ફ્લૅટ ખરીદ્યો હોય તો ઈજીપ્ત, ચીન અને કૅનેડામાં માનવવસવાટ વિના રેઢી પડેલી અબજો સ્ક્વેર ફીટ જમીન વિશે જાણીને જીવ બાળશો નહીં,  કેમ કે એ બધા કરતાં આપણા મુંબઈની ભૂગોળ લાખ દરજ્જે સારી અને રહેવાલાયક છે.