છેતરપિંડીથી મેળવેલી રકમ સિન્ડિકેટના લીડરો સુધી પહોંચાડવાની કામગીરી સુરતનો ઉચ્ચ શિક્ષિત પાર પાડતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસરના સિનિયર સિટીઝનને 238 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં સંડોવણીનો ભય દેખાડીને ‘ડિજિટલ અરેસ્ટ’ને નામે 1.12 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર પોલીસે ખાનગી બૅન્કના ઑપરેશનલ મૅનેજર અને આઈટી ક્ષેત્રના વેબ ડેવલપર સહિત છની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સુરતના ઉચ્ચ શિક્ષિતનો પણ સમાવેશ હોઈ તે છેતપિંડીથી મેળવેલી રકમ સિન્ડિકેટના લીડરો સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
નૉર્થ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ શિખર મૂકેશ ત્યાગી (28), ગૌરવ મહેશ ગોયલ (40), ચિંતનકુમાર સુરેશભાઈ દેસાઈ (46), અજકુમાર કાલીપ્રસાદ શર્મા (35), રાજેશકુમાર મોહનલાલ જૈન (54) અને મોહમ્મદ તારીક અન્વર મોમીન (49) તરીકે થઈ હતી.દહિસરના 68 વર્ષના રહેવાસીએ ગયા મહિને નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર 30 જુલાઈથી 12 ઑગસ્ટ, 2026 દરમિયાન ફરિયાદી સાથે 1.12 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું હતું.
ફરિયાદીને વૉટ્સઍપ વીડિયો કૉલ કરવામાં આવ્યો હતો. પોલીસ વરદી પહેરીને આરોપીએ ફરિયાદીને તેમના સિમ કાર્ડની મદદથી 238 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કરાયું હોવાનું જણાવ્યું હતું. આ મામલે દિલ્હી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવી ફરિયાદીને સુપ્રીમ કોર્ટની બોગસ નોટિસ પણ મોકલવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીનો ભય દેખાડી ડિજિટલ અરેસ્ટમાં રાખીને ફરિયાદીને નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.
પોલીસ તપાસમાં જણાયું હતું કે ફરિયાદીએ વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં, જેમાંથી એક ખાતું દાદરમાં રહેતા જૈનનું હતું. જૈને પોતાને એક કંપનીનો ડિરેક્ટર હોવાનું જણાવી કંપનીના નામે બૅન્ક ખાતું ખોલાવ્યું હતું. બાદમાં બૅન્ક ખાતા સાથે લિંક સિમ કાર્ડ મોમીનને આપ્યું હતું.દાદરમાં જ રહેતો મોમીન વિવિધ નામે બૅન્ક ખાતાં ખોલાવતો અને તેની સાથે સિમ કાર્ડ લિંક કરાવતો હતો. તે જ દાદર પરિસરમાંથી નવા મોબાઈલ ફોન ખરીદતો.
પછી તેમાં બૅન્ક ખાતાં સાથે લિંક સિમ કાર્ડ નાખીને ફોન બૅન્કના ઑપરેશનલ મૅનેજર ત્યાગીને આપતો. ત્યાગી બૅન્ક સંંબંધી બધી પ્રક્રિયા પૂરી કરીને ફોન ભિવંડીમાં રહેતા અને બીએ ભણેલા અજયકુમાર શર્માને આપતો. પછી વેબ ડેવલપર ગૌરવ ગોયલ મોબાઈલ સુરતના રાંદલ રોડ ખાતે રહેતા અને બીએ ભણેલા ચિંતન દેસાઈને આપતો હતો. દેસાઈ ફ્લાઈટથી દિલ્હી જતો અને ત્યાંથી ઉત્તર પ્રદેશના બિજનોર પહોંચી સિન્ડિકેટના લીડર સુધી મોબાઈલ પહોંચાડતો. તેમની સાથે મળી છેતરપિંડીની રકમ અન્યત્ર વાળવામાં પણ દેસાઈ મદદ કરતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓ પાસેથી બે લૅપટોપ, 20 મોબાઈલ ફોન, પચીસ વ્યક્તિના નામે બૅન્ક ખાતાં, એટીએમ કાર્ડ્સ, પાસબુક, આધાર કાર્ડ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં.