Thu Apr 23 2026

Logo

અજિત પવારના પ્લૅન ક્રેશ સંબંધી વાંધાજનક વીડિયો સર્ક્યુલેટ કરનારો જાલનામાં પકડાયો

2026-04-08 20:12:50
Author: યોગેશ સી પટેલ
Article Image

મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું વિમાન તૂટી પડવાની ઘટના સંબંધી કથિત વાંધાજનક વીડિયો સર્ક્યુલેટ કરવા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ સાયબર પોલીસે જાલનાના યુવાનની ધરપકડ કરી હતી.વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ઉદ્ધવ ભગવાન કાપસે તરીકે થઈ હતી. વધુ તપાસ માટે આરોપીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને 10 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીએ શૅર કરેલો વાંધાજનક વીડિયો બાદમાં ડિલિટ કરવામાં આવ્યો હતો, પણ ત્યાં સુધીમાં તેને લગભગ 1.5 લાખ ફોલોઅર્સે જોયો હતો. 

પોલીસના જણાવ્યા મુજબ વીડિયો મારફત આરોપી વિમાન દુર્ઘટના સંબંધી ખોટી માહિતી ફેલાવી રહ્યો હતો અને મુખ્ય પ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.જાન્યુઆરીમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત છ જણે જીવ ગુમાવ્યા હતા. બારામતી જવા મુંબઈથી ઊડેલું વિમાન બારામતીની ઍરસ્ટ્રિપ પર લૅન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું હતું. આ ખાનગી ઍરક્રાફ્ટ તૂટી પડ્યા પછી ઘટના સંબંધી અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.

આરોપી સંબંધી એક વીડિયોમાં દેવેન્દ્ર ફડણવીસને ટાર્ગેટ કરતી વાંધાજનક ટિપ્પણી હતી. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો અને થોડા દિવસમાં જ 1.5 લાખ ફોલોઅર્સ સુધી પહોંચ્યો હતો.
આ વીડિયોને ગંભીરતાથી લઈ સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સંબંધિત વીડિયો સોશ્યલ મીડિયા પરથી દૂર કરાયો હતો. તપાસ દરમિયાન એ વીડિયો જાલનાથી પોસ્ટ કરાયો હોવાનું સામે આવ્યું હતું. ટેક્નિકલ પુરાવાને આધારે સાયબર પોલીસ ઉદ્ધવ કાપસે સુધી પહોંચી હતી. કાપસેને જાલનાથી તાબામાં લેવાયો હતો. 10મું ભણેલો કાપસે પરિવાર સાથે બુટ્ટેગાંવમાં રહેતો હતો. તેની બન્ને બહેનનાં લગ્ન થઈ ગયાં છે.