નવી દિલ્હીઃ ફિક્સિંગને લગતા આક્ષેપો અને અહેવાલોને કારણે ભારતીય ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે એવામાં દિલ્હીના ક્રિકેટ અસોસિયેશને અમુક ખેલાડીઓ અને દિલ્હી પ્રીમિયર લીગ (DPL) સાથે સંકળાયેલા એક ફ્રૅન્ચાઇઝી વિશેની કથિત ગેરરીતિના `તહલકા'ના સ્ટિંગ (STING) ઑપરેશનવાળા આક્ષેપોને નકારી કાઢ્યા છે ત્યારે બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું નામ પણ ચર્ચામાં છે.
કહેવાય છે કે આક્ષેપો થવાને પગલે સીએસકે ઍક્શન-મોડમાં આવી ગઈ છે અને એણે મોટો પ્લાન તૈયાર કરવાની શરૂઆત કરી દીધી હોવાનું મનાય છે.
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ સીએસકેનો એક ખેલાડી ડૉમેસ્ટિક ક્રિકેટના એક પ્લેયરને અંદરની વાતોની જાણ કરતો હતો અને કહેવાય છે કે તે લંડનના સટ્ટાબાજોને આ જાણકારી પ્રતિ મૅચ 60 લાખ રૂપિયામાં વેચતો હતો. આ આક્ષેપોને લક્ષમાં રાખીને સીએસકેનું ફ્રૅન્ચાઇઝી શુક્રવાર, પચીસમી સપ્ટેમ્બરે વાર્ષિક સભામાં ભ્રષ્ટાચાર-વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા મુદ્દા પર ચર્ચા કરશે.
અહેવાલમાં દાવો તો એવો પણ કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ખેલાડીએ ત્રણ કરોડ રૂપિયાની જાણકારી સટ્ટાબાજોને વેચી હતી. બીજો દાવો એવો છે કે પ્લેઇંગ-ઇલેવન જાહેર થાય એ પહેલાં જ એની જાણકારી આ ખેલાડી પાસે હતી. 2026ની સીઝન માટે એ ખેલાડીને સિલેક્ટ નહોતો કરવામાં આવ્યો, માધ્યમના રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
દરમ્યાન ડીપીએલમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ વતી રમનાર વંશ બેદી વિશે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સટ્ટાબાજોએ તેનો સંપર્ક કર્યો હતો, પણ તેણે સમજદારી બતાવીને ઍન્ટિ-કરપ્શન યુનિટને એની જાણકારી આપી દીધી હતી. જોકે વંશ બેદીએ સ્પષ્ટતા કરી છે કે જે ખેલાડીની વાત થઈ રહી છે એ તે પોતે નથી.