Sat Jun 06 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ ક્રિકેટનો કરિશ્મા વત્તા ફૂટબૉલ-ફીવર

2026-06-06 08:56:00
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

સ્પોર્ટ્સપ્રેમીઓને તો હવે બારેમાસ જલસા છે. ટીવી કે મોબાઇલ પરની ઍપ ઑન કરો એટલે ક્રિકેટ, ફૂટબૉલ, ટેનિસ, ચેસ, બૅડમિન્ટન વગેરેમાંથી કોઈને કોઈ રમતની લાઇવ મૅચ કે હાઇલાઇટ ચાલતી જ હોય છે. હવે તો વર્ષ દરમ્યાન એક કે એક કરતાં વધુ વર્લ્ડ કપ હોય છે જ અને ક્યારેક તો એકસાથે ઘણી મોટી ટૂર્નામેન્ટો ચાલતી હોય છે એટલે સ્પોર્ટ્સલવર મૂંઝાઈ જાય છે કે કામકાજના બોજ વચ્ચે મનોરંજન માટે કઈ મૅચ જોવી અને છોડવી. આ વર્ષનો જૂન મહિનો ખેલકૂદનું ભરપૂર મનોરંજન લઈને આવ્યો છે. ભારતમાં જૂન મહિનો એટલે વરસાદનો આરંભ અને એમાં રમતગમતના મુકાબલાઓની વર્ષાનો પણ અનુભવ ખેલકૂદના ચાહકો કરશે.

કુલ 1,426 છગ્ગા અને2,332 ચોગ્ગા નો વરસાદ વરસ્યા પછી ઇન્ડિયન પ્રીમિયરલીગ (આઇપીએલ)ની 19મી સીઝન પૂરી થઈ ત્યાર પછી હવે ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે આંતરરાષ્ટ્રીય સિરીઝો અને ટૂર્નામેન્ટોનો સમય આવી ગયો છે અને એનો આરંભ આજે ન્યૂ ચંડીગઢમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મૅચથી થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટરો ઘરઆંગણે અફઘાનિસ્તાન વિરુદ્ધ એક ટેસ્ટ અને ત્રણ વન-ડે રમ્યા પછી ટી-20 સિરીઝ રમવા આયરલૅન્ડના પ્રવાસે અને ટી-20 તથા વન-ડે શ્રેણી રમવા ઇંગ્લૅન્ડ જશે. ત્યાર બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ટી-20 શ્રેણી રમાયા બાદ ઘરઆંગણે કૅરિબિયનો સામે વન-ડે અને ટી-20નો જલસો થશે. ત્યાર પછીની વાત જ શું કરીએ! ન્યૂ ઝીલૅન્ડમાં ભારતીય ક્રિકેટરોનો 40 દિવસનો સૌથી લાંબો પ્રવાસ થશે જેમાં ટી-20, વન-ડે અને ટેસ્ટ બધુ જ રમાશે. 

વર્ષના અંતમાં શ્રીલંકન ક્રિકેટરો વાઇટ-બૉલ ફૉર્મેટની મૅચો રમવા ભારત આવશે એટલે તેમની સામે રમીને ભારતીયો 2026નું વર્ષ પૂરું કરશે. અધૂરામાં પૂરું, હવે તો મહિલાઓની ક્રિકેટ મૅચો પણ ખૂબ રોમાંચક અને રસપ્રદ બની જતી હોવાથી 12મી જૂને શરૂ થનારા વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની મૅચો પણ ક્રિકેટપ્રેમીઓ અચૂક જોવાનું પસંદ કરશે.

આ ક્રિકેટોત્સવ વચ્ચે ભારતીય ખેલકૂદ રસિકો ફૂટબૉલ-ફીવરનો પણ શિકાર થશે. 11મી જૂને ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં 48 દેશની ટીમ ભાગ લેશે. આ વિશ્વ કપ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં રમાવાનો હોવાથી એની રોમાંચક મૅચો ભારતીય સમય મુજબ મોડી રાતે અથવા વહેલી સવારે રમાવાની હોવાથી ભારતીય સૉકર-પ્રેમીઓ ઉજાગરા કરશે એમાં કોઈ શંકા નથી. લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કિલિયાન ઍમ્બપ્પે જેવા સુપરસ્ટાર ખેલાડીઓ રમવાના હોવાથી ફૂટબૉલપ્રેમીઓ જાગરણ કરવાના જ છે.

જુલાઈમાં લોકોના મન પરથી ફિફા વર્લ્ડ કપનો જાદુ માંડ ઊતર્યો હશે ત્યાં તો કૉમનવેલ્થ ગેમ્સની કમાલ શરૂ થઈ જશે. 23મી જુલાઈએ સ્કૉટલૅન્ડના ગ્લાસગૉ શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ રમાશે જેમાં 74 દેશના 3,000 જેટલા ઍથ્લીટો ભાગ લેશે. ત્યાર પછીની (વર્ષ 2030ની) કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં (અમદાવાદમાં) યોજાવાની હોવાથી આ વખતની કૉમનવેલ્થમાં ભારતીય ઍથ્લીટોનો અને તેમના કરતબ જોનારાં ભારતીય રમતગમતપ્રેમીઓનો ઉત્સાહ કંઈક જુદો જ હશે.

કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ એક જ વર્ષમાં ઉપરાઉપરી બે મહિનામાં યોજાય એવું જવલ્લે જ બન્યું છે. બીજી ઑગસ્ટે કૉમનવેલ્થ ગેમ્સ પૂરી થશે ત્યાં 19મી સપ્ટેમ્બરે જાપાનના નાગોયામાં એશિયાના 46 દેશ વચ્ચે એશિયન ગેમ્સ (એશિયાડ) શરૂ થશે.

ભારતીયોનો ન્યૂ ઝીલૅન્ડમાં 40 દિવસનો પ્રવાસ: 100મા વર્ષમાં નવો વિક્રમ

આગામી બાવીસમી ઑક્ટોબરથી પહેલી ડિસેમ્બર દરમ્યાન ભારતીય ક્રિકેટરો ન્યૂ ઝીલૅન્ડ ખાતેના 40 દિવસના પ્રવાસમાં હશે એ દરમ્યાન બન્ને દેશ વચ્ચે કુલ 12 મૅચ રમાશે. અગાઉ કોઈ પ્રવાસી દેશના ક્રિકેટરોનો ન્યૂ ઝીલૅન્ડમાં ક્યારેય આટલો લાંબો પ્રવાસ નથી યોજાયો. ભારતના ખેલાડીઓ કિવીલૅન્ડ પર પાંચ ટી-20, પાંચ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમશે. બન્ને દેશ વચ્ચેના ખેલકૂદ સંબંધોને 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને આ નિમિત્તે એક સાથે ત્રણેય ફૉર્મેટમાં કુલ 12 મૅચ રાખવાનું નક્કી કરાયું છે. ભારતીયોની 40 દિવસની ટૂરમાં પ્રથમ મૅચ (ટી-20) બાવીસમી ઑક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ખરેખર તો ન્યૂ ઝીલૅન્ડનું આ વખતનું નવું ક્રિકેટ કૅલેન્ડર ભારત સામેની ઑક્ટોબરની સિરીઝ સાથે થવાનું છે.

ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મૅચ નવેમ્બર, 1955માં હૈદરાબાદમાં રમાઈ હતી. ગુલામ અહમદ ભારતના અને હૅરી કેવ ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન હતા. એ ઐતિહાસિક ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી અને ત્યાર પછીની બ્રેબર્ન સ્ટેડિયમની બીજી ટેસ્ટમાં ભારતે પૉલી ઉમરીગરના સુકાનમાં એક દાવ અને 27 રનથી વિજય મેળવ્યો હતો. બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોને 71 વર્ષ થયા છે, પરંતુ એકંદરે ખેલકૂદ સંબંધોનું આ 100મું વર્ષ હોવાથી એની ઉજવણીના ભાગરૂપે ભારતીયો ન્યૂ ઝીલૅન્ડના 40 દિવસના લાંબા પ્રવાસે જશે.

ભારતીય મૂળના ચાર ખેલાડી રમશે `ફિફા' વર્લ્ડ કપમાં

ભારતીય ફૂટબોલર્સની ટીમ 11મી જૂને શરૂ થનારા ફિફા વર્લ્ડ કપમાં નહીં જોવા મળે, પણ ભારતીય મૂળના ચાર ખેલાડી સૉકરની આ સર્વોત્તમ સ્પર્ધામાં જરૂર જોવા મળશે. 2006માં જર્મનીમાં જે ફિફા વર્લ્ડ કપ રમાયો હતો એમાં ભારતીય મૂળનો વિકાસ ધોરાસૂ ફ્રાન્સની ટીમ વતી રમ્યો હતો. ધોરાસૂના પરદાદાઓ મૂળ આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમના હતા. વિકાસ ધોરાસૂને પગલે હવે મૂળ ભારતના હોય એવા ચાર-ચાર ખેલાડી આ વખતના વર્લ્ડ કપમાં રમવાના છે. 

આ વખતની ન્યૂ ઝીલૅન્ડની ફૂટબૉલ ટીમમાં ભારતીય મૂળના સરપ્રીત સિંહનો સમાવેશ છે. તેનો જન્મ ઑકલૅન્ડમાં પંજાબી પરિવારમાં થયો હતો. તે 2018માં મુંબઈમાં એક ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપમાં રમ્યો હતો. આ વર્ષે ન્યૂ ઝીલૅન્ડ વતી ડેબ્યૂ કર્યા બાદ તે ભારતીય ફૂટબૉલના સુપરસ્ટાર સુનીલ છેત્રી વિરુદ્ધ રમ્યો હતો. 

ભારતીય મૂળનો સૅમ્યૂલ મૉટોસામી વર્લ્ડ કપના ડીઆર કોન્ગો દેશની ટીમમાં સામેલ છે. તેની મમ્મી કોન્ગો દેશની અને પિતા મૂળ તમિળનાડુના છે.ઑસ્ટ્રેલિયાનો નિશાન વેલુપિલ્લે મલયેશિયા ના નાગરિક છે, પણ તેમનો જન્મ શ્રીલંકાના મૂળ તમિળ પરિવારમાં થયો હતો. કતારની ટીમમાં તેહસિન મોહમ્મદ જમશીદ સામેલ છે. તેનો જન્મ કતારના પાટનગર દોહામાં થયો હતો અને તેના મમ્મી-પપ્પા મૂળ કેરલમ રાજ્યના છે.