નિલેશ વાઘેલા
આજે અર્થશાસ્ત્રીઓ ક્રૂડ અને ક્લાઉડ (વરસાદ)ની સમસ્યામાં અટવાયેલા છે, ત્યાં સેન્ટ્રલ બેન્કના ગવર્નરો પણ મૂંઝાયેલા છે. અર્થશાસ્ત્રમાં વ્યાજદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર થતાં વ્યાજદર અંગે લેવાતા નિર્ણય પર આખી દુનિયાની નજર હોય છે. આ વ્યાજદરની વધઘટ તો ઠીક, પરંતુ તે અંગેની અટકળો પણ આખા જગતનાં અર્થતંત્રો અને બજારોને હચમચાવી દે છે.
આથી જ આખી દુનિયા જ્યારે ફેડરલ રિઝર્વના નવા ગવર્નર કેવિન વોર્શની કોમેન્ટ્રી સાંભળવા કાન માંડીને બેઠી હતી, ત્યારે તેમણે અગાઉના કોઇ ગવર્નરે નહોતો આપ્યો એવો આંચકો આપતા કહ્યું કે તેઓ વ્યાજદર અંગે કોઇ ગાઇડન્સ કે ફોરવર્ડ લૂકિંગ સ્ટેટમેન્ટ નહીં કરશે.
ઘરઆંગણે પણ કંઇક આવું જ થયું છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય બજારોને સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે કે, આગામી મહિનાઓમાં વ્યાજદર વધશે એવી ધારણા રાખવી હજુ વહેલી છે. રોકાણકારો, ઉદ્યોગો અને નીતિ નિર્માતાઓ વેશ્વિક ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ અને અનિશ્ર્ચિત ચોમાસાની વચ્ચે અર્થતંત્રની દિશા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આરબીઆઇએ ઉતાવળને સ્થાને સાવચેતીનો માર્ગ પસંદ કર્યો છે.
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે વ્યાજદર વધારાની ચર્ચા કરવી વધુ પડતી વહેલી કે અતાર્કિક છે. આ નિવેદન દર્શાવે છે કે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ હજુ પણ ઝડપથી બદલાઈ રહી છે. જો આરબીઆઇને ખાતરી હોત કે આગામી મહિનાઓમાં વ્યાજદર વધારવાની જરૂર પડશે, તો તે પોતાની નીતિની સ્થિતિ ન્યુટ્રલમાંથી રિસ્ટ્રિક્ટિવ જાહેર કરત.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને કારણે ગ્લોબલ ઓઇલ માર્કેટમાં રાહત જોવા મળી છે. પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો, પરંતુ યુદ્ધવિરામ બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારત માટે આ ખાસ મહત્ત્વનું છે કારણ કે દેશ તેની લગભગ નેવું ટકા ક્રૂડ ઓઇલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.
ક્રૂડ ઓઇલના ભાવોનો સીધો અને પરોક્ષ બંને પ્રકારનો પ્રભાવ અર્થતંત્ર પર પડે છે. ક્રૂડ ઓઇલ મોંઘું થાય ત્યારે પરિવહન ખર્ચ વધે છે, ઉત્પાદન ખર્ચ વધી જાય છે અને ગ્રાહકોને વધુ ઈંધણ ખર્ચ સહન કરવો પડે છે. પરિણામે મોંઘવારી વધે છે અને કેન્દ્રીય બેંક પર વ્યાજદર વધારવાનું દબાણ ઊભું થાય છે. તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં આવેલો ઘટાડો આરબીઆઇ માટે મોટી રાહત સમાન છે. આ રાહતની તાત્કાલિક અસરમાં ભારતની 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ ત્રણ મહિનાની નીચી સપાટીએ આવી ગઈ હતી અને વ્યાજદર વધારાની અપેક્ષાઓ પણ ઘટી ગઇ હતી.
મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ કરાર હજુ નાજુક છે અને ક્રૂડ ઓઇલ પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થવામાં સમય લાગી શકે છે. મધ્ય પૂર્વના સંઘર્ષો અચાનક ફરી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને જો ક્રૂડ ઓઇલ પુરવઠામાં ફરી ખલેલ પડે તો ભાવોમાં ફરી ઉછાળો આવી શકે છે.
પાછલા સપ્તાહે ઉક્ત બંને દેશ વચ્ચે ફરી ઝરેલી મિસાઇલ ચકમક, તેમનો અંદાજ કેટલો સાચો છે એ પુરવાર કરે છે. આરબીઆઇ હજુ પણ ડેટા આધારિત અભિગમ અપનાવી રહી છે. ભવિષ્ય વિશે અનુમાન લગાવીને નહીં, પરંતુ વાસ્તવિક આર્થિક આંકડાઓના આધારે નીતિ નક્કી કરવાની આરબીઆઇની રણનીતિ છે. આ અભિગમ હાલની અનિશ્ર્ચિત પરિસ્થિતિમાં યથાયોગ્ય જણાય છે.
જૂન મહિનાની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકની મિનિટ્સ દર્શાવે છે કે નીતિ નિર્માતાઓએ પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું કે જો પશ્ર્ચિમ એશિયામાં તણાવ ઘટશે તો ભારતના આર્થિક દૃશ્યમાં ઝડપી સુધારો જોવા મળી શકે છે. આથી 5.25 ટકા રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો છે. આ દરમિયાન બજારનાં અનુમાનોમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ ઘણા અર્થશાસ્ત્રીઓ વર્તમાન નાણાકીય વર્ષમાં વ્યાજદર વધારાની આગાહી કરી રહ્યા હતા, પરંતુ હવે તેમણે પોતાનો અંદાજ બદલ્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકો પણ મોંઘવારી અંગેના પોતાના અંદાજોમાં ફેરફાર કરી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવોથી મળેલી રાહત વચ્ચે હવે એક નવો પડકાર વરસાદનો છે. ચોમાસું શરૂ તો થયું છે, પરંતુ અમુક પ્રદેશમાં ઘોડાપૂર અને અમુક પ્રદેશ હજું તરસ્યા હોવાના અહેવાલ છે. ભારતના અર્થતંત્રમાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો હોવા છતાં, તે કરોડો લોકોના જીવનનિર્વાહ સાથે સીધું જોડાયેલું છે. સારો વરસાદ કૃષિ ઉત્પાદન વધારવામાં, ગ્રામ્ય આવકમાં વધારો કરવામાં અને ખાદ્ય મોંઘવારી નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
જુલાઇની શરૂઆતથી ધમાકેદાર વરસાદ શરૂ થયો છે, પરંતુ ઉપલબ્ધ આંકડા મુજબ 22 જૂન સુધી દેશમાં કુલ ચોમાસું સામાન્ય કરતાં આશરે 43 ટકા ઓછું રહ્યું હતું. જો વરસાદની અછત યથાવત રહેશે તો તે અર્થતંત્ર માટે આગામી મોટું જોખમ બની શકે છે. ગ્રામ્ય માગમાં ઘટાડો આવી શકે છે અને ખાદ્યપદાર્થોના ભાવ વધી શકે છે. ભારતના મોંઘવારી દરમાં ખાદ્ય મોંઘવારીનું મહત્ત્વનું યોગદાન રહે છે. તેથી, ભલે ઇંધણના ભાવ સ્થિર રહે, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો આરબીઆઇ માટે ચિંતાનો વિષય બની શકે છે.
મલ્હોત્રાએ કહ્યું છે કે દેશ પાસે પૂરતા ખાદ્ય અનાજના જથ્થા ઉપલબ્ધ છે, જેના કારણે તાત્કાલિક પુરવઠાની સમસ્યાનો સામનો કરી શકાય છે. હાલમાં એક સકારાત્મક બાબત એ છે કે ભારતનો ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઇ) આરબીઆઇના ચાર ટકા લક્ષ્યાંકથી નીચે છે. આ પરિસ્થિતિ આરબીઆઇને નીતિગત સ્થિતિસ્થાપકતા આપે છે. વિશ્વના ઘણા દેશો હજુ પણ ઊંચી મોંઘવારી સામે લડી રહ્યા છે, જ્યારે ભારત તુલનાત્મક રીતે અનુકૂળ સ્થિતિમાં છે.
આ પરિસ્થિતિ આરબીઆઇને માત્ર મોંઘવારી નિયંત્રણ જ નહીં, પરંતુ આર્થિક વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે. ક્રૂડ ઓઇલના ભાવ, હવામાનમાં ફેરફાર, વૈશ્ર્વિક ભૂરાજકીય સંઘર્ષો અને રૂપિયાના વિનિમય દર જેવાં પરિબળો ભવિષ્યમાં ફરી દબાણ ઊભું કરી શકે છે. થોડા સમય પહેલાં રૂપિયો ડૉલર સામે રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. નબળો રૂપિયા એક તરફ નિકાસકારોને ફાયદો કરાવે છે, પરંતુ બીજી તરફ આયાત મોંઘી બનાવે છે અને ખાસ કરીને તેલ આયાતના બિલમાં વધારો કરે છે.
આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ ચોક્કસ વિનિમય દરનો લક્ષ્ય ધરાવતી નથી. કેન્દ્રીય બેંકનું મુખ્ય લક્ષ્ય બજારમાં અતિશય અસ્થિરતા અટકાવવાનું અને વિનિમય દરમાં વ્યવસ્થિત હલનચલન જાળવવાનું છે. જૂન મહિનાની નીતિ બેઠકમાં આરબીઆઇએ રૂપિયાને મજબૂત કરવા માટે અનેક પગલાં જાહેર કર્યાં હતાં. બેંકોને વિદેશી ચલણમાં થાપણ એકત્ર કરવાની મંજૂરી, વિદેશી રોકાણ માટેના નિયમોમાં રાહત અને કર પ્રોત્સાહનો જેવાં પગલાંઓએ રૂપિયાને ટેકો આપ્યો છે.
ભારતની વૈશ્ર્વિક નાણાકીય બજારોમાં વધતી ભાગીદારી પણ સકારાત્મક સંકેત છે. ગયા વર્ષે ભારતીય સરકારી બોન્ડ્સનો સમાવેશ વૈશ્વિક ઊભરતા બજારના બોન્ડ ઇન્ડેક્સમાં થયો હતો. જો ભારતનો સમાવેશ બ્લૂમબર્ગ એગ્રીગેટ બોન્ડ ઇન્ડેક્સમાં થાય તો વિદેશી મૂડીપ્રવાહમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેનાથી માત્ર રોકાણ જ નહીં પરંતુ ભારતીય બોન્ડ બજારની ઊંડાઈ અને વિશ્ર્વસનીયતા પણ વધશે.
પાછલા કેટલાંક વર્ષોમાં ભારતે પોતાના મેક્રો આર્થિક પાયાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિદેશી મુદ્રા ભંડાર મજબૂત છે, બેંકિંગ ક્ષેત્રની સ્થિતિ સુધરી છે અને રાજકોષીય શિસ્ત જાળવવાના પ્રયાસો ચાલુ છે. તેમ છતાં જોખમો હજુ સમાપ્ત થયાં નથી. મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધે તો ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉછાળો આવી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડે તો ભારતની નિકાસ અને રોકાણ પ્રવાહો પર અસર પડી શકે છે.
આરબીઆઇનો સંદેશ સ્પષ્ટ છે, આગામી નિર્ણયો મોંઘવારી, વૃદ્ધિ, ક્રૂડ ઓઇલના ભાવ, ચોમાસાની સ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિઓના આધારે લેવામાં આવશે. હાલ માટે વ્યાજદર સ્થિર છે, પરંતુ મૂળ મુદ્દો માત્ર વ્યાજદરનો નથી. મુદ્દો એ છે કે આરબીઆઇ વિશ્વભરના અનિશ્ચિત વાતાવરણ વચ્ચે ભારતના અર્થતંત્રને સ્થિરતા, વૃદ્ધિ અને વિશ્ર્વાસ સાથે આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે. ગવર્નર મલ્હોત્રાના શબ્દોમાં કહીએ તો, પડકારો ભલે અનેક હોય, પરંતુ ભારત તેમને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.