Mon Jul 27 2026

Logo

કોર્ટ સરકારને નવો કાયદો બનાવવા મજબૂર ન કરી શકે; હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

2026-04-30 14:05:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: હેટ સ્પીચ અને અફવા પર કાબુ રાખવા અલગ કાયદા બનાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે કોર્ટ  સરકારને કાયદા ઘડવા માટે ફરજ પાડી શકે નહીં. 

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દેશભરમાં હેટસ્પીચ પર પ્રતિબંધ મૂકવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતો સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓને નવા કાયદા ઘડવા માટે નિર્દેશ આપી શકે નહીં. કોર્ટ સુધારાની જરૂરિયાત તરફ ધ્યાન દોરી શકે છે, પરંતુ તેના અંગે કાયદો ઘડવાનો નિર્ણય સરકારનો છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લોકોને પ્રવચન દરમિયાન સંયમ રાખવાની તેમની ફરજની યાદ અપાવી. કોર્ટ હેટસ્પીચ ભાઈચારાના બંધારણીય મૂલ્યની વિરુદ્ધ છે અને આપણા દેશના નૈતિક માળખામેં નુકશાન પહોંચાડે છે.

સુપ્રીમ કોર્ટમાં અરજીઓના એક સમૂહ પર સુનાવણી ચાલી રહી હતી, જેમાં હેટ સ્પીચ પરના હાલના કાયદાઓની તપાસ કરવા અને તેમને વધુ અસરકારક બનાવવા માટે નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પણ હતી.

એક વકીલ દ્વારા હેટ સ્પીચ અને અફવા પર કાબુ રાખવા અલગ કાયદા ઘડવા માટે કેન્દ્રને આદેશ આપવા સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી. અરજીને ફગાવી દેતા, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું, "કોર્ટ કાર્યવાહીની જરૂરિયાત તરફ ધ્યાન દોરી શકે, પરંતુ સંસદ કે વિધાનસભાને કાયદો ઘડવા માટે ફરજ પાડી શકે નહીં."

બેન્ચે ભાર મૂક્યો કે કાયદો બનાવવો અને તેનો અમલ કરાવવો કે ધારાસભાના અધિકારક્ષેત્રમાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, "કોર્ટ વિધાનસભાનું ધ્યાન દોરી શકે છે અને ભલામણ કરી શકે છે કે યોગ્ય પગલાં લેવામાં આવે. જોકે, સરકાર આ અવલોકનો પર કેવી રીતે કાર્ય કરે છે, તે સંપૂર્ણપણે તેના વિવેકબુદ્ધિ હેઠળ છે."