Tue Oct 06 2026

Logo

નાલાસોપારામાં હડકવાથી બાળકીના મૃત્યુ પછી કોર્પોરેશનનું રસીકરણ અભિયાન

2026-03-25 19:41:24
Author: Mumbai Samachar Team
નાલાસોપારામાં હડકવાથી બાળકીના મૃત્યુ પછી કોર્પોરેશનનું રસીકરણ અભિયાન

મુંબઈ/વસઈઃ નાલાસોપારામાં નવ વર્ષની બાળકીનું રેબીઝના ચેપને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ રેબીઝના વધુ ચેપને રોકવા માટે સતર્ક થયો છે અને સોસાયટીઓ, શાળાઓ અને બાળકીના સંપર્કમાં આવેલા લોકોનું રસીકરણ કરવાની ઝુંબેશ હાથ ધરી છે.  

નાલાસોપારામાં સુબોધ સાગર નામની એક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં કશિશ સાહની નામની એક બાળકી રહેતી હતી. છ મહિના પહેલા, એક કૂતરાને ખવડાવતી વખતે, તેને કૂતરાએ બચકું ભર્યું હતું. જો કે,થોડા દિવસ પછી ઘા રૂઝાઈ ગયો હતો અને ત્યારબાદ, તેને કોઈ જરૂરી સારવાર આપવામાં આવી નહોતી. પરિણામે, તેને હડકવા થયો અને કમનસીબે સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું.  

આ ઘટનાએ વસઈ વિરાર શહેર હચમચી ગયું છે. આ ઘટના બાદ વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયો છે. આરોગ્ય વિભાગે છોકરીના સંબંધીઓ અને સોસાયટી વિસ્તારો, નાગરિકો અને બાળકીના સંપર્કમાં આવેલા બાળકોમાં સ્ક્રીનીંગ ઝુંબેશ શરૂ કરી છે અને હડકવા રસીકરણ શરુ કર્યું છે.