Fri Aug 21 2026

Logo

કૉમનવેલ્થમાંથી પાછા આવેલા આ મેડલ-વિજેતાંઓનું શાનદાર સ્વાગત

2026-08-02 16:37:18
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ દેશના ટોચના વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુ તથા લવપ્રીત સિંહ સહિત કેટલાક ઍથ્લીટો રવિવારે સ્કૉટલૅન્ડના ગ્લાસગોની કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં ભાગ લઈને પાટનગર દિલ્હી પાછા આવ્યા ત્યારે તેમનું હાર પહેરાવીને તથા બૂકે આપીને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સેંકડો ચાહકો તેમના આ હીરોઝને જોવા અને તેમને આવકારવા (WELCOME) ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની બહાર ઊભા હતા.

ઑલિમ્પિક-મેડલિસ્ટ મીરાંબાઈ ચાનુ વેઇટલિફ્ટિંગના 49 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તેણે અન્ય તમામ દેશોની સ્પર્ધકોને પાછળ પાડી દીધા હતા અને ચૅમ્પિયન બની ગઈ હતી. કૉમનવેલ્થ ગેમ્સમાં આ તેનો હૅટ-ટ્રિક સુવર્ણચંદ્રક છે. તે 2018 અને 2022માં ગોલ્ડ જીતી હતી. તેણે સ્વદેશ પાછા આવ્યા બાદ કહ્યું, `હું મણિપુરની છું અને જેનો મને ગર્વ છે અને મેં દેશ માટે કંઈક કર્યું એ બદલ બેહદ ખુશ છું.'

લવપ્રીત સિંહ +110 કિલો વર્ગમાં માત્ર એક કિલો વજન ઓછું ઊંચકી શક્યો જેને કારણે ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. જોકે તેણે બીજા નંબર પર રહીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે સ્નૅચમાં 176 કિલો વજન ઊંચકીને કૉમનવેલ્થ ગેમ્સનો નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો અને કુલ 388 કિલો વજન ઊંચક્યું હતું. તેનો હવે પછીનું લક્ષ્ય સપ્ટેમ્બરની એશિયન ગેમ્સ છે. તેણે ઍરપોર્ટ પર પત્રકારોને કહ્યું, `હું મારા નૌકાદળના સ્ટાફનો તેમ જ કૅપ્ટન વિજય કુમારનો આભારી છું. અહીં આવેલા તમામ લોકોનો પણ હું ધન્યવાદ કરું છું.'

મહિલાઓની 58 કિલો કૅટેગરીમાં બ્રૉન્ઝ જીતનાર બિંદિયારાની દેવી સૉરોખૈઇબામ તેમ જ પુરુષોના 60 કિલો વર્ગમાં સિલ્વર જીતનાર ઋષિકાંત સિંહે પણ ઍરપોર્ટ પર સ્વાગત માટે આવેલા સૌનો આભાર માન્યો હતો અને હવે પછીની ઇવેન્ટમાં વધુ સારું પર્ફોર્મ કરવાની તેમને ખાતરી આપી હતી.