Mon Jul 27 2026

Logo

ઈન્સ્ટાગ્રામ પર તો હિટ, પણ શું બેલેટ પેપર પર દોડશે 'કોક્રોચ'? જાણો ઈલેક્શન કમિશનનો આ મહત્ત્વનો નિયમ...

2026-05-22 14:25:00
Author: Darshana Visaria
Article Image

આજકાલના ડિજિટલ વર્લ્ડમાં સોશિયલ મીડિયા પર ક્યારે શું વાઈરલ થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. પાંચ દિવસ પહેલાં અસ્તિત્વમાં આવેલી એક અનોખી વર્ચ્યુઅલ રાજકીય પાર્ટીએ દેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. આ પાર્ટીનું નામ છે 'કોક્રોચ જનતા પાર્ટી'. જોકે, ઇન્ટરનેટની પોપ્યુલારિટી અને ચૂંટણીના અસલી મેદાન વચ્ચે જમીન-આસમાનનો તફાવત હોય છે.  પરંતુ આ બધા વચ્ચે સવાલ એ છે કે ઈન્ટરનેટ પર ભાજપને પછાડનારી 'કોકરોચ જનતા પાર્ટી' શું ખરેખર ચૂંટણી લડી શકશે? પણ જાણો કેમ આ પાર્ટીને નહીં મળી શકે 'કોક્રોચ' કે 'મોબાઈલ'નું ચિહ્ન...

અભિજીત દિપકે નામની વ્યક્તિએ ભારતથી દૂર અમેરિકાના બોસ્ટન શહેરમાં બેસીને સોશિયલ મીડિયા પર આ મજેદાર અને કટાક્ષ આધારિત 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ની શરૂઆત કરી છે. પોતાના સરકાર-વિરોધી અને હાસ્યરસથી ભરપૂર અંદાજને કારણે આ પાર્ટી ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના બે સાંસદોએ પણ સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડમાં રસ દાખવ્યો છે. 

પરંતુ આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ સોશિયલ મીડિયા પાર્ટી ખરેખર ભારતના લોકશાહી ચૂંટણી મેદાનમાં ઉતરવા માંગે, તો તેણે ભારતીય ચૂંટણી પંચના અત્યંત કડક કાયદાઓમાંથી પસાર થવું પડશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (RP Act, 1951)ની કલમ 29A હેઠળ કોઈપણ રાજકીય પક્ષ તરીકે નોંધણી (Registration) કરાવવી અનિવાર્ય છે. આ ઓફિશિયલ રજિસ્ટ્રેશન વિના કોઈ પણ દળ ચૂંટણી ચિહ્ન કે કાનૂની અધિકારનો દાવો કરી શકતું નથી.

કોઈપણ નવો પક્ષ નોંધાયા બાદ ચૂંટણી પંચ સમક્ષ પોતાની પસંદગીના ત્રણ પ્રતીકોનું સૂચન રાખી શકે છે. પરંતુ, વર્ષ 1968ના ચૂંટણી ચિહ્ન આદેશના કડક નિયમો અનુસાર, નવું ચૂંટણી ચિહ્ન કોઈ પણ પક્ષી, પશુ કે જીવ-જંતુ જેવું હોઈ શકે નહીં. કોક્રોચ એ એક જીવ હોવાથી, કાયદાકીય રીતે તેને ચિહ્ન તરીકે રાખવાની મંજૂરી મળવી અશક્ય જેવી છે.

ચૂંટણીમાં પશુ-પક્ષીઓ અને જીવજંતુઓના ચિહ્ન આપવા પર પ્રતિબંધનો આ કાયદો વર્ષ 1991થી અમલમાં છે. એ સમયે એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટે એવી ફરિયાદ કરી હતી કે રાજકીય પક્ષો વરઘોડા અને ચૂંટણી પ્રચાર દરમિયાન જાનવરોને રસ્તા પર ફેરવે છે અને તેમના પર અત્યાચાર કરે છે. ત્યારબાદ 2012માં ચૂંટણી પંચે પ્રચારમાં પશુઓના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, બસપાના 'હાથી' કે શિવસેનાના 'વાઘ' જેવા જૂના પ્રતિકો પહેલાથી ફાળવાયેલા હોવાથી તે યથાવત રાખવામાં આવ્યા છે.

'મોબાઈલ ફોન'ની માંગ પર પણ મોટો ફટકો
આ આધુનિક ડિજિટલ પાર્ટીએ સોશિયલ મીડિયા ક્રેઝને ધ્યાનમાં રાખીને પોતાના માટે 'મોબાઈલ ફોન'ના ચૂંટણી ચિહ્નની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ ચૂંટણી પંચની ફ્રી સિમ્બોલ્સની ઓફિશિયલ યાદીમાં મોબાઈલ ફોનનો કોઈ વિકલ્પ જ નથી. આ સરકારી યાદીમાં લાઉડસ્પીકર, લેન્ડલાઈન ફોન અને 'મોબાઈલ ચાર્જર'નો સમાવેશ થાય છે, પણ મુખ્ય સ્માર્ટફોન કે મોબાઈલ ફોન ગાયબ છે. આથી, કોક્રોચ જનતા પાર્ટી માટે સોશિયલ મીડિયાની સ્ક્રીન પર ચમકવું જેટલું સરળ હતું, અસલી ચૂંટણી તંત્રના પાટા પર દોડવું એટલું જ પેચીદું છે...