Wed Jul 22 2026

Logo

પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાયુ ભારતનું 'કોકરોચ' આંદોલન! પાકિસ્તાનમાં પણ ચર્ચા

2026-07-21 16:31:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની ગુંજ ભારતના મીડિયાની સાથે સાથે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સંભળાય રહી છે. પાકિસ્તાન મીડિયાએ સોમવારે દિલ્હીમાં CJPએ કરેલી સંસદ માર્ચને ફૂલ કવરેજ કર્યું હતું.  તે ઉપરાંત અમેરિકા અને યુરોપના પણ અનેક અખબારો અને ટીવી ચેનલોએ પણ આ માર્ચને કવરેજ આપ્યું છે. 

વિદેશી અખબારો અને સમાચાર વેબસાઇટ્સે આ પ્રદર્શનોને તાજેતરના વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધના સૌથી મોટા વિરોધ પ્રદર્શનો તરીકે વર્ણવ્યા છે. અહેવાલોમાં પોલીસના લાઠીચાર્જ, રાજધાનીમાં ઇન્ટરનેટ બંધ અને પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળમાં જેન-જી વિરોધ પ્રદર્શનો સાથે સરખામણી કરીને અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે. 

પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબારે ભારતમાં આ આંદોલનને પીએમ મોદી વિરુદ્ધના એક એક મોટા યુવા વિદ્રોહ તરીકે વર્ણવ્યો છે. અખબારે લખ્યું કે એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ વાયરલ ઓનલાઈન યૂથ મુવમેન્ટ સોશિયલ મીડિયાથી નીકળીને દેશની ગલીઓમાં પહોંચી ગઈ છે. અખબારે ખાસ કરીને CJPના સ્થાપક અભિજીત દિપકેકના અમેરિકાથી પરત ફરવા અને ભારતના બંધારણને હાથમાં લઈને જંતર-મંતર પર તેમના આગમનનો ઉલ્લેખ કર્યો હતો. 

તે ઉપરાંત, પાકિસ્તાનની TV ચેનલે અહેવાલ આપ્યો છે કે, "ભારતના 'કોકરોચ' આંદોલને શિક્ષણ પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે." ચેનલે  એજન્સીના અહેવાલને ટાંકીને કહ્યું છે કે, નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં અંદાજે 180 લોકો ઘાયલ થયાના બીજા જ દિવસે કોકરોચ પાર્ટીએ શિક્ષણ પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી તેનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે. 

અમેરિકાના અખબારમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીના રસ્તાઓ પર અંધાધૂંધી હતી, બીજી તરફ, એક હસતા PM મોદી સંસદમાં શાંતિની છબી રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પ્રદર્શનકારીઓની માંગણીઓને સંબોધિત કરી ન હતી. અખબારે લખ્યું છે કે શાસક ભાજપે ભારતના યુવાનોના ભારે ગુસ્સાને ઓછો આંકવાની ભૂલ કરી છે.