વૈશ્વિક તેલ સંકટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલનો પ્રભાવ હવે ભારતના વહીવટી તંત્રમાં ઉચ્ચ સ્તરે જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક અનોખી પહેલ કરતા પોતાની આલીશાન લક્ઝરી કાર અને સુરક્ષા કાફલાના વાહનો છોડીને 'બુલેટ' સવારી પસંદ કરી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આર્થિક સુરક્ષા અને તેલની આયાત ઘટાડવા માટે કરકસર કરીને ઈંધણ બચાવવા વિનંતી કરી હતી. આ દિશામાં નેતૃત્વ પૂરું પાડતા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સીધા જ કાળા રંગની રોયલ એનફિલ્ડ બુલેટ 350 પર સવાર થઈને મુંબઈની વિધાનસભામાં પ્રવેશ્યા હતા. પોલીસનું એક મોટરસાયકલ પથક તેમની આગળ ચાલી રહ્યું હતું, પરંતુ સીએમ પોતે બાઈક ચલાવીને વિધાનસભાથી મંત્રાલય સુધી પહોંચ્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આ અંદાજમાં જોઈને વિધાનસભાના ગેટ પર હાજર પ્રધાનો અને મીડિયા કર્મીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સીએમ ફડણવીસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં તુફાન વાઈરલ થઈ રહ્યો છે, તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો...
કેમ ખાસ છે સીએમની આ મનપસંદ 'બુલેટ 350'?

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જે બાઈક પસંદ કરી છે, તે ભારતીય રસ્તાઓ પર દાયકાઓથી 'શાહી સવારી' માનવામાં આવે છે. ચાલો વાત કરીએ ફડણવીસે જે શાહી બુલેટની સવારી કરી એ બુલેટના ખાસ ફિચર્સ વિશે...
દમદાર એન્જિન: આ બાઈકમાં 346.00 સીસીનું સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક એર-કૂલ્ડ એન્જિન છે, જે BS6 ધોરણો મુજબનું છે.
પાવર અને ટોર્ક: તે 5250 RPM પર 19.1 BHP પાવર અને 4000 RPM પર 28 NM ટોર્ક જનરેટ કરે છે, જે તેને પહાડી કે ખરાબ રસ્તાઓ પર પણ મજબૂત પકડ આપે છે. સુરક્ષા અને આરામ: બાઈકમાં સિંગલ ચેનલ ABS સિસ્ટમ છે, જે અચાનક બ્રેક મારતી વખતે સ્થિરતા જાળવે છે. તેનું સસ્પેન્શન ખાડા-ટેકરાવાળા રસ્તાઓ પર પણ મુસાફરીને ઝટકા રહિત બનાવે છે. કિંમત: રોયલ એનફિલ્ડ બુલેટ 350 ની એક્સ-શોરૂમ કિંમત ₹1,64,423 (મિલિટરી વેરિઅન્ટ) થી શરૂ થાય છે અને ટોપ મોડલ (બ્લેક ગોલ્ડ) ની કિંમત ₹2,08,012 સુધી જાય છે.
પીએમ મોદીના કરકરસર અભિયાનને મળ્યું બુસ્ટ

પીએમ મોદીએ જનતાને સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો બચાવ કરવા અપીલ કરી છે. સીએમ ફડણવીસનું આ પગલું દર્શાવે છે કે સરકારના ઉચ્ચ પદાધિકારીઓ પોતે જ હવે ઈંધણ બચાવવા માટે ટુ-વ્હીલર કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા તૈયાર છે. આનાથી સામાન્ય જનતામાં પણ સકારાત્મક સંદેશ જશે.