Thu Jul 23 2026

Logo

જંતર-મંતર પર CJPનું પ્રદર્શન ફરી શરુ, સુરક્ષા વધારાઇ; ઉપવાસ ચાલુ રાખશે સોનમ વાંગચુક

2026-07-21 11:00:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર પર કૉકરોચ જનતા પાર્ટીએ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. સોમવારે થયેલા ભારે હોબાળા બાદ દિલ્હી પોલીસે જંતર-મંતર ખાલી કરાવી લીધું હતું, પરંતુ મોડી રાત્રે ફરી એકવાર પ્રદર્શનકારીઓ ત્યાં ભેગા થવા લાગ્યા હતા. રાત્રે પ્રદર્શનકારીઓ વચ્ચે અભિજીત દીપકેએ કહ્યું કે હવે સરકાર સાથે કોઈ વાતચીત થશે નહીં, જેને પણ વાત કરવી હશે તેણે જંતર-મંતર પર જ આવવું પડશે.

 

સોનમ વાંગચુક ઉપવાસ ચાલુ રાખશે

બીજી તરફ, એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે કહ્યું છે કે તેઓ તેમના ઉપવાસ ચાલુ રાખશે. વાંગચુકે જણાવ્યું કે "હું ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશ, જ્યાં સુધી યુવા નેતાઓને સંસદ ભવનમાં સાંસદોને મળવાની મંજૂરી ન મળે, અથવા તો મને અહીં હોસ્પિટલમાં જ સાંસદોને મળવા દેવામાં ન આવે. મને આશા છે કે સરકાર શિક્ષણ મંત્રીની જવાબદારી નક્કી કરશે, ત્યાં સુધી હું અટકીશ નહીં."

70 લોકો કસ્ટડીમાં 

CJP ના પ્રોટેસ્ટ (વિરોધ પ્રદર્શન) માં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ અને હિંસાને લઈને દિલ્હી પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસકર્મીઓ સાથે મારામારી, પથ્થરમારો અને પોલીસકર્મીઓને થયેલી ઈજાઓ અંગે અલગ-અલગ FIR નોંધ્યા બાદ હવે CCTV ફૂટેજ દ્વારા ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે. બીજી તરફ, હિંસા અને પ્રોટેસ્ટના કેસમાં પોલીસે 70 લોકોની અટકાયત કરી છે. સોમવારે સાંજે પ્રોટેસ્ટમાં સામેલ ઉપદ્રવીઓના હુમલામાં IPS અને દિલ્હી પોલીસના 10 અફસરો સહિત 118 થી વધુ પોલીસ અને પેરામિલિટ્રીના જવાનો ઘાયલ થયા છે. દિલ્હીના પોલીસ કમિશનર અનુરાગ કુમારે હોસ્પિટલ જઈને ઘાયલોની મુલાકાત લીધી હતી, ત્યારે હવે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટની આડમાં પથ્થરમારો અને હોબાળો કરનાર ઉપદ્રવીઓની ઓળખ કરવાનો વારો છે.

પોલીસે સુરક્ષા વધારી

જંતર-મંતર પર એક તરફ પ્રદર્શનકારીઓએ ફરીથી સ્ટેજ (મંચ) બનાવી લીધું છે, તો બીજી તરફ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે. જંતર-મંતર તરફ જતા રસ્તાઓ ખુલ્લા છે પરંતુ સંસદ ભવન તરફ જતા રસ્તાઓ પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. આ દરમિયાન પોલીસને આશંકા છે કે આજે પ્રદર્શનકારીઓ ફરીથી સંસદ તરફ કૂચ કરી શકે છે. આ સાથે જ આજે વિપક્ષના પણ ઘણા નેતાઓ જંતર-મંતર પહોંચી શકે છે. કુલ મળીને આજે પોલીસ અત્યંત સતર્ક છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરી રહી છે.

વાત કરવી હોય તો જંતર-મંતર આવે - દીપકે

આ દરમિયાન CJP ના નેતાઓએ કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી છે. CJP ના પ્રવક્તાએ જણાવ્યું છે કે સરકારે તેમને ચર્ચા વિચારણા કરવાની ખાતરી આપી છે. જોકે, રાત્રે પ્રદર્શનકારીઓ વચ્ચે અભિજીત દીપકેએ કહ્યું કે હવે સરકાર સાથે કોઈ વાતચીત થશે નહીં, જેને પણ વાત કરવી હશે તેણે જંતર-મંતર પર જ આવવું પડશે.