Fri Sep 04 2026

Logo

ટેક્નિકલ ખામીને કારણે મુંબઈના ચર્ચગેટ મેટ્રો સ્ટેશનની લિફ્ટમાં ફસાયા 6 પેસેન્જર

2026-08-25 16:34:26
Author: Mumbai Samachar Team
ટેક્નિકલ ખામીને કારણે મુંબઈના ચર્ચગેટ મેટ્રો સ્ટેશનની લિફ્ટમાં ફસાયા 6 પેસેન્જર

મુંબઈ: જો તમે મેટ્રો સ્ટેશન પર લિફ્ટનો ઉપયોગ કરો છો અને તમને ક્લસ્ટરોફોબિયા છે તો થોડી સાવચેતી રાખજો! મુંબઈના ચર્ચગેટ મેટ્રો સ્ટેશન પર મંગળવારે બપોરે અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા લિફ્ટમાં છ મુસાફરો ફસાઈ ગયા હતા. ઘટનાથી સ્ટેશન પર થોડા સમય માટે ચકચાર મચી હતી.

મળતી માહિતી મુજબ, બપોરે આશરે 1.45 વાગ્યે ચર્ચગેટ મેટ્રો સ્ટેશનની એક લિફ્ટ ટેક્નિકલ ખામીના કારણે અચાનક બંધ થઈ ગઈ હતી. તે સમયે લિફ્ટમાં છ મુસાફરો સવાર હતા. લિફ્ટ અટકી જતાં મુસાફરો માટે થોડી ક્ષણો ચિંતાજનક બની હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ મેટ્રો સ્ટાફે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. માત્ર પાંચ મિનિટમાં લિફ્ટમાં ફસાયેલા તમામ છ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
 
ઘટના અંગે એમએમઆરસીએ મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે ટેક્નિકલ ખામીના કારણે ચર્ચગેટ મેટ્રો સ્ટેશનની એક લિફ્ટ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. લિફ્ટમાં છ મુસાફરો હાજર હતા, જેમને પાંચ મિનિટમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એમએમઆરસીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે મુસાફરોને બહાર કાઢ્યા બાદ લિફ્ટની કામગીરી સામાન્ય થઈ ગઈ છે અને હવે લિફ્ટ યોગ્ય રીતે કાર્યરત છે.

ચર્ચગેટ મેટ્રો સ્ટેશન પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર મેટ્રો સ્ટેશનો પર લિફ્ટની નિયમિત જાળવણી અને ટેક્નિકલ તપાસના મહત્વ પર સવાલ ઊભો કર્યો છે. જોકે, ઝડપી બચાવ કામગીરીને કારણે દુર્ઘટના ટળી હતી.