હેમુ ભીખુ
શ્રીકૃષ્ણની વાંસળી શ્રીકૃષ્ણ માટે ઘણું બધું છે. કદાચ શ્રીકૃષ્ણના જીવનના વિવિધ તબક્કા તથા વિવિધ પરિસ્થિતિમાં વાંસળીએ અભૂતપૂર્વ સાથ-સહકાર અને ચિંતન આપેલું હશે. ક્યારેક વાંસળી સાથી બનતી હશે તો ક્યારેક ચિંતનનું માધ્યમ. ક્યારેક વાંસળી પ્રેરણાનો ોત બનતી હશે તો ક્યારેક ભાવનાત્મક અસ્તિત્વ માટેનું જરૂરી માધ્યમ. વાંસળી થકી શ્રીકૃષ્ણ ક્યારેક સ્વયં સાથે જોડાતાં હશે તો ક્યારેક સમગ્ર સૃષ્ટિ સાથે.
વાંસળી એ શ્રીકૃષ્ણનું પ્રતીક પણ છે, શ્રીકૃષ્ણ સાથે તાદાત્મ્યતા પામવાનું સાધન પણ છે. વાંસળી એ શ્રીકૃષ્ણના જીવનની મધુરતા, મીઠાશ, લાલિત્ય, સુંદરતા, લયબદ્ધતા તથા સૌમ્યતા વ્યક્ત કરે છે તો સાથે સાથે તેનાથી કરુણા, પ્રેમ અને અનુકંપા પણ વ્યક્ત થાય છે. શ્રીકૃષ્ણની વાંસળીમાંથી નીકળતી ધૂન પરમ આનંદ, પરમ શાંતિ તથા શ્રીકૃષ્ણ સાથેના પરમ સાંનિધ્યની અનુભૂતિ માટેની તક આપે છે. ક્યારેક તો એમ લાગે છે કે વાંસળી એ શ્રીકૃષ્ણના પર્યાય સમાન છે.
વાંસળી રાધાની પ્રતીક્ષામાં શ્રીકૃષ્ણનો સહારો છે. વાંસળીના સ્વરમાં શ્રીકૃષ્ણને રાધાની ઉપસ્થિતિની પ્રતીતિ થતી હશે. આ પ્રતીતિ સાથે તન્મયતા સ્થપાતા રાધાની અનુપસ્થિતિમાં પ્રતીક્ષા સરળ બનતી હશે. આ જ કારણથી કદાચ રાધાને વાંસળી પ્રત્યે ઉદાસીનતા હશે. રાધાને વાંસળીની ધૂન ગમતી હશે, પણ વાંસળી માટે તેમને સ્વાભાવિક રીતે અણગમો હશે. શ્રીકૃષ્ણ માટે વાંસળી એ જશોદાના ગુસ્સાને ભૂલવાનું અસરકારક માધ્યમ પણ હોઈ શકે. મા યશોદા જ્યારે ગુસ્સો કરતા હશે ત્યારે શ્રીકૃષ્ણ અર્થાત્ કાનજી જમુના તટે જતાં રહેતાં હશે અને ત્યાં વાંસળીના સ્વરમાં તે ગુસ્સાને ભૂલવાનો પ્રયત્ન કરતાં હશે.
શ્રીકૃષ્ણ માટે વાંસળી એ જાત સાથે સંવાદ સ્થાપવાનું માધ્યમ પણ હશે. પોતાની જાતને કોઈ સંદેશો આપવા માટે શ્રીકૃષ્ણ વાંસળીનો ઉપયોગ કરતાં હશે. જ્યારે વ્યક્તિ જાત સાથે વાત કરતી હોય, જ્યારે જાત સાથે સંવાદ સ્થપાતો હોય, જ્યારે સ્વયં સાથે સાંનિધ્ય પામવાની વાત હોય ત્યારે વાંસળીમાંથી નીકળતું સંગીત ચોક્કસ મદદરૂપ થઈ શકે. આ સંગીત - સ્વરાવલિ શ્રીકૃષ્ણ દ્વારા પ્રવાહિત કરાતી હોવાથી તેની અસર સચોટ, સુમધુર અને અદ્ભુતપૂર્વ રહે તે સ્વાભાવિક છે. શ્રીકૃષ્ણની વાંસળીમાંથી નીકળતાં સ્વર સાત્ત્વિક, આધ્યાત્મિક અને સંપૂર્ણ અનુકંપા સ્થાપિત કરવા માટે સક્ષમ રહે તે પણ સ્વાભાવિક છે.
આગળની માખણ ચોરી માટે યોજના બનાવતી વખતે, માતા જશોદાને જણાવવા માટેના વિવિધ બહાના નિર્ધારિત કરતી વખતે, ગોપીઓની મટુકી ક્યાં અને કેવી રીતે ફોડવી તેનું આયોજન કરતી વખતે, હવે કયા રાક્ષસ સાથે સામનો કઈ રીતે કરવો તે વ્યૂહરચના કરતી વખતે, રાધા સાથેના આગળના વ્યવહારની રૂપરેખા નક્કી કરતી વખતે કે બસ માત્ર સમયનો આનંદ માણવા માટે શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હશે.
વાંસળીના સહારે મિત્રો સાથેનું સાંનિધ્ય વધુ આનંદમય બનતું હશે. વાંસળીને કારણે ગોપીઓ સાથેની ક્રિયા વધુ રસપ્રદ બનતી હશે. વાંસળીને કારણે કુદરતના વિવિધ તત્ત્વો સાથે વધુ સરળતાથી સમીકરણ સ્થાપી શકાતું હશે. વાંસળીના પ્રતાપે જ ગાયોને ચોક્કસ રીતે પ્રેમથી નિયંત્રિત કરી શકાતી હશે. શ્રીકૃષ્ણના બાળ-જીવનમાંથી રાધાની બાદબાકી થતાં જે ખાલીપો ઊભો થાય તેવો જ ખાલીપો વાંસળીની ગેરહાજરીથી થાય. શ્રીકૃષ્ણની વાંસળી એટલે જાણે રાધાનું અન્ય સ્વરૂપ. શ્રીકૃષ્ણની વાંસળીના સ્વરના પ્રવાહ થકી જાણે, રાધા સહિત સમગ્ર જગત આનંદ ઉલ્લાસને પામતું હશે.
બાલ્યાવસ્થાથી શ્રીકૃષ્ણને ખબર હોય કે ભવિષ્યમાં સમાજના ઘડતરમાં તેમનો શું ફાળો હશે. આની માટે તે સમયથી જ તેમનું અપાર ચિંતન હશે. આ પ્રકારના ચિંતનમાં વાંસળીનો પણ સહકાર હશે. વાંસળીના સ્વરના વહેણ સાથે તેમનું ચિંતન સ્પષ્ટ થતું હશે અને સાથે સાથે તેમને ક્યાંકહળવાશનો અનુભવ પણ થતો હશે. વાંસળીની ધ્વનિ થકી એકાગ્રતા સંભવ બનતી હશે અને સાથે સાથે વિચારોના પ્રવાસમાં લયબદ્ધતા સ્થપાતી હશે. શ્રીકૃષ્ણનું વાંસળી-વાદન એ ભવિષ્યમાં તેમના દ્વારા નિર્ધારિત થનારાં કર્મો માટેની ભૂમિકા સ્થાપિત કરવાનો પરિણામ લક્ષી સમયગાળો હશે. વાંસળી એ શ્રીકૃષ્ણના ચિંતનની સાથીદાર હશે.
શ્રીકૃષ્ણની વાંસળી એ સૃષ્ટિના દરેક તત્ત્વ સાથે અસરકારક તાલમેલ મેળવવા માટેનું સંયોજન હશે. વાંસળીના સહયોગથી શ્રીકૃષ્ણ પ્રકૃતિના વિવિધ તત્વો સાથે સંવાદ સ્થાપિત કરી શકતાં હશે. આમ તો સમગ્ર સૃષ્ટિ એક પ્રકારના સંગીતના પ્રસાર સમાન છે. પોતાની વાંસળી થકી શ્રીકૃષ્ણ આ સંગીતમાં અર્થ તેમજ મધુરતા વધારતા હશે. સ્વરોના કોઈ સમૂહ દ્વારા શ્રીકૃષ્ણ વાંસળી થકી દેવકી-વાસુદેવને પ્રણામ પણ પાઠવતાં હશે.
શ્રીકૃષ્ણની વાંસળી એટલે કોઈપણ અપેક્ષા વગર સાથ નિભાવનાર અને જીવનને સંગીતમય બનાવનાર અસ્તિત્વનો સંપૂર્ણતામાં સ્વીકાર. શ્રીકૃષ્ણની વાંસળી એટલે અંતરના ઉમળકાને અભિવ્યક્ત કરવાનું સાધન. શ્રીકૃષ્ણની વાંસળી એટલે શુદ્ધ, સાત્ત્વિક, પવિત્ર, નિર્દોષ, ભાવાત્મક ઊભરાનું પ્રતીક.
વાંસળી એટલે શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનું એક મધુરતમ પાસું. શ્રી કૃષ્ણની વાંસળી એટલે સૃષ્ટિના દરેક તત્ત્વ સાથે સ્વયં શ્રીકૃષ્ણની જોડાવાની એક પ્રક્રિયા. વાંસળી દ્વારા શ્રીકૃષ્ણ તેમના સમગ્ર અસ્તિત્વ સાથે જાણે સમગ્રતામાં પ્રસરી જાય અને વાંસળીના સ્વર શ્રીકૃષ્ણની ભાવનાને દૃઢતાથી વ્યક્ત કરે. એમ લાગે છે કે શ્રીકૃષ્ણ સમગ્ર સૃષ્ટિને કેટલો પ્રેમ કરે છે તે તેમના વાંસળી-વાદનથી જાણી શકાય.
શ્રીકૃષ્ણની વાંસળી એ ભવિષ્યમાં આકાર લેનારી ગીતાના શબ્દોને ગૂંથવાના પ્રયાસ સમાન હોવાની પણ શક્યતા છે. વાંસળી એ ધર્મની સ્થાપના માટે અધર્મીનો સંહાર કરવાની યોજનામાં પણ સામેલ હશે. વાંસળી એ કર્મના સિદ્ધાંત માટેની શ્રીકૃષ્ણની પ્રતિબદ્ધતા છે. શ્રીકૃષ્ણની વાંસળી એ અધર્મના પરાજયની સાક્ષી હોવા ઉપરાંત તે નરસિંહની ભક્તિ, મીરાંની શ્રદ્ધા, દ્રૌપદીનો વિશ્વાસ, અર્જુનની પ્રેરણા, ઇન્દ્રની અહંકાર-ચૂરતાના પ્રતીક સમાન પણ છે. ગોપીઓ સાથેના સંબંધમાં વાંસળીનું અનેરું મહત્ત્વ છે. વાંસળીના સ્વરથી શ્રીકૃષ્ણ ભાવનાની અભિવ્યક્તિ કરતાં હશે. આ અભિવ્યક્તિ એ જ શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનો એક મહત્ત્વનું પાસું છે.
એક અન્ય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વાંસળીના સૂરમાં માત્ર હવા - પવનનો ઉપયોગ થાય છે. યોગીક પ્રક્રિયામાં પવનના નિયંત્રણનું આગવું મહત્ત્વ છે. અહીં શ્વાસ અને ઉચ્છવાસનું ચોક્કસ પ્રકારે નિયંત્રણ કરી નાડીને સાધવાનો પ્રયત્ન થાય છે. વાંસળીના ઉપયોગ થકી આ પ્રયત્નમાં ચોક્કસ મદદ થતી હશે અને તેથી જ શ્રીકૃષ્ણએ વાંસળીને પોતાના સંગીતના સાધન તરીકે પસંદ કરી હશે.
દુનિયાની ભાષામાં કહીએ તો, એ તો બધાને ખબર છે કે વચમાંથી પોલી હોવા છતાં તે શું મધુર સંગીત રચી શકે છે અને આ બાબતનો પ્રતીક તરીકે ઉપયોગ ઘણા સામાજિક સંદેશામાં થતો હોય છે. પણ આ બધી તો વર્તુળના પરિઘની વાતો થઈ. કેન્દ્રમાં તો શ્રીકૃષ્ણની સૃષ્ટિમાં મધુરતા પ્રસારવાનો પ્રયાસ જ જણાય છે. આ વાંસળીના સ્વર થકી મન સાથે હૃદયને પણ સ્પંદિત કરી અલખની જ્યોત જગાવવાનો આશય જણાય છે.