Wed Sep 02 2026

Logo

CMના કાર્યક્રમમાંથી પરત ફરતી બસનો ગમખ્વાર અકસ્માત, 10નાં મોત અનેકને ઈજા

2026-03-26 23:08:16
Author: Mumbai Samachar Team
CMના કાર્યક્રમમાંથી પરત ફરતી બસનો ગમખ્વાર અકસ્માત, 10નાં મોત અનેકને ઈજા

મુખ્યમંત્રીએ જાહેર કરી આર્થિક સહાય

છિંદવાડાઃ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી મોહન યાદવના કાર્યક્રમમાંથી પરત આવી રહેલી બસનો અકસ્માત થતા 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ બસની ટક્કર એટલી તીવ્ર હતી કે, બસ પલટી મારી ગઈ હતી. આ ઘટના સાંજના 7 વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. આ બસમાં કુલ 47 પ્રવાસીઓ બેઠા હતા. 

સ્થાનિકોએ લોકોને બહાર કાઢ્યા
બસનો અકસ્માત થતાં જ દોડધામ મચી ગઈ હતી. રસ્તા પર કાચના ટુકડા વિખેરાઈ ગયા હતા. સ્થાનિકઓ અંદર બેઠેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા માટે વ્યવસ્થા કરી હતી. યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને છિંદવાડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાંથી એ વાત જાણવા મળી છે કે, બસ ઓવરસ્પીડમાં હતી અને બેદરકારીને કારણે અકસ્માત થયો હતો. 

પ્રવાસીઓને ગંભીર ઈજા

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી છે. પિકઅપ વાન સાથે બસની ટક્કર થઈ હતી. બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જિલ્લા ક્લેક્ટર હરેન્દ્ર નારાયણે દસ વ્યક્તિઓના મૃત્યું થયાની વાતની ખાતરી કરી છે. આ ઘટના પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને લઈને આર્થિક મદદનું પણ એલાન કર્યું છે, પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, ઉમરાનાલા વિસ્તારમાં આ ઘટના બની હતી. બસમાં બેઠેલા મોટાભાગના લોકો ચૌરઈ તાલુકામાં આયોજિક મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. 

મૃતકોને મુખ્યમંત્રી તરફથી આર્થિક સહાય

અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જિલ્લા ક્લેક્ટરે કહ્યું કે, આ બસમાં કુલ 47 લોકો બેઠા હતા. આ બસ છિંદવાડા બાજુ આવી રહી હતી. સિમરિયા પાસે બસ જ્યારે ઓવરટેક કરી રહી હતી એ સમયે આ ઘટના બની હતી. આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિની હાલત ગંભીર છે. તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપવાનું પણ ચાલું કી દીધું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય એ માટે તબીબોની ટીમ ખડે પગે છે, જ્યારે મૃતકોની આત્મને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરૂ છું. આ વિષયને લઈને સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જબલપુરથી તબીબોની ટીમને છિંદવાડા રવાના કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની આર્થિક મદદનું પણ એલાન કરવામાં આવ્યું છે.