Sun Aug 23 2026

Logo

ChatGPT  પાસે ચપ્પલ શોધાવ્યા, બોલો!

2026-08-23 07:43:12
Author: Shubhang Brahmbhatt
Article Image

શુભાંગ બ્રહ્મભટ્ટ

એકવીસમી સદીના ત્રીજા દાયકામાં ટેક્નૉલૉજી હરણફાળ નહીં, પણ રૉકેટની ગતિએ આગળ વધી રહી છે. મશીન પાસે કામ કઢાવવાની મનુષ્યની આદત અને આવડત વધી રહી છે. ડ્રાઇવર વિનાની કાર એનું જ્વલંત ઉદાહરણ છે. ચાર વર્ષ પહેલાં સેમ ઓલ્ટમેન અને એની ટીમે ChatGPT નામનું એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)) આધારિત ચૅટબોટ અને સૉફ્ટવેર ઍપ્લિકેશન તૈયાર કરી ત્યારથી ભાષા સંબંધિત વ્યવહારમાં એક અસાધારણ ક્રાંતિ આવી ગઈ છે.ChatGPT માનવીની જેમ ભાષા સમજી પ્રશ્ર્નોના સચોટ જવાબ આપવા સહિત અનેક કામ ચપટી વગાડતાં કરી શકે છે. જોકે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં શુભાંગ બોરકર નામની વ્યક્તિએ આ ઍપ્લિકેશનનો કરેલો ઉપયોગ જાણ્યા પછી મિસ્ટર ઓલ્ટમેનમાં દયાભાભી પ્રવેશી તેમને ‘હે મા! માતાજી’ ન બોલાવી દે તો જ નવાઈ.

આ  મિસ્ટર બોરકર ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં પ્રભુના ચરણમાં શીશ નમાવવા ગયો. દર્શન કરી બહાર નીકળીને જોયું તો સામે ચપ્પલનો સમુદ્ર નજરે પડ્યો. એમાંથી ચપ્પલ ગોતવા મુશ્કિલ હી નહીં નામુમકિન હતું. હિંમત હારે એ બીજા. ભાઈએ સ્માર્ટ ફોન કાઢી ChatGPT ઍપ્લિકેશન ખોલી ચપ્પલના ઢગલાની અલગ અલગ એંગલથી તસવીરો લીધી. પોતાના ચપ્પલની તસવીર ઍપ્લિકેશનમાં મૂકી અને કહ્યું, ’આ ઢગલે ઢગલામાંથી મારા ચપ્પલ શોધી આપ.’ સાંભળવામાં તુક્કો લાગતી વાતનો અંત શું આવ્યો? ChatGPTએ એ ઇમેજનું પૃથક્કરણ કર્યું અને શુભાંગના ચપ્પલનું લોકેશન શોધી પણ  આપ્યું...!

 સાચે જ આવો જુગાડ તો આપણા દેશમાં જ સંભવ છે. વિજ્ઞાન કેવી કેવી કમાલ કરી શકે છે. 

24 આંખોવાળી વિષારી જેલીફિશ

હેરત પમાડતી પૌરાણિક કથાઓમાં દસ માથાવાળો રાવણ હોય અને એક હજાર શીશ ધરાવતો શેષનાગ પણ હોય. ગ્રીક માયથોલૉજીમાં 100 ડોળા ધરાવતો એક વૉચમૅન પણ છે, જેની કેટલીક આંખ સદૈવ જાગૃત હોય છે. બાળવાર્તામાં ‘ઉંદર સાત પૂંછડિયો’ પણ આવતો. અલબત્ત, આ બધા પુરાવા વિનાનાં ઉદાહરણ છે અને વિજ્ઞાન પુરાવા વિના વાત સ્વીકારતું નથી. 

જોકે ડિસેમ્બર 2025માં વૈજ્ઞાનિકોની નજરમાં એક 24 આંખવાળું પ્રાણી આવ્યું છે. હૉન્ગકૉન્ગના પ્રાણી જગત માટેના એ સંરક્ષિત વિસ્તારમાં યુનિવર્સિટીના એ પ્રોફેસરની નજરે એક જેલીફિશ ચડી, જેને બે-પાંચ  દસ- બાર નહીં પણ પૂરી બે ડઝન આંખો છે. એનો વિગતવાર અભ્યાસ કરી તાજેતરમાં એક મૅગેઝિનમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેની કેટલીક વિગત વિજ્ઞાનનાં વિસ્મય દર્શાવે છે, જેમ કે...

એક ઇંચ કરતાં પણ ઓછા માપનો ઘુમ્મટ ધરાવતી આ જેલીફિશના લાંબા તાંતણા જેવા સ્પર્શક મહત્તમ ચાર ઇંચ લાંબા હોય છે. જોકે સોપારી જેવડા આ જીવમાં ચાર વિભાગમાં વહેંચાયેલી 24 આંખ વિજ્ઞાનની કમાલ છે. દરેક આંખની-આંખના જૂથની અલગ અલગ જવાબદારી છે. કોઈ રસ્તો શોધે છે તો કોઈ શિકાર પર નજર રાખે છે તો બીજી ત્રીજું કામ કરે છે. દિમાગ કામ ન કરે એવી વાત એ છે કે આ જેલીફિશને દિમાગ જ નથી (નો બ્રેન) અને તેમ છતાં આ જીવ પાસે સમજણશક્તિ છે, જ્ઞાન છે. વૈજ્ઞાનિકોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે તરતા તરતા આગળ વધતી વખતે જો માર્ગમાં કોઈ અવરોધ આવે તો એ તરવાની શૈલી બદલી નાખી આસાનીથી આગળ વધી જાય છે. આ જીવ અત્યંત વિષારી-ઝેરી હોય છે અને જો મનુષ્ય એના સંસર્ગમાં આવે તો એના ડંખથી મૃત્યુ પણ થઈ શકે છે. વિચાર કરો કે એને ગુસ્સો આવે અને ડોળા કાઢે તો ચોવીસે ચોવીસ આંખમાં રોષ છલકાતો હશે?

પ્રાણીઓ ગણિતમાં પાવરધાં હોય છે

ગણતરી કરવી અને ગણતરીબાજ હોવું એ બેમાં બહુ મોટો તાત્ત્વિક ફરક છે. માનવીની ગણતરી અને ગણતરી કરતો માણસ એ બેના અર્થમાં સૂક્ષ્મ ફરક હોય છે. ગણિતમાં પુરુષ બાહોશ અને સ્ત્રી નબળી હોય એવી માન્યતા છે. ગીત અને ગણિતને પણ ખાસ્સું બને છે. ‘એક દો તીન, ચાર પાંચ છે સાત આઠ, નૌ દસ ગ્યારા, બારા તેરા’થી લઈને ‘બાર બાર દેખો હઝાર બાર દેખો’ અને ‘લાખ છુપાઓ છૂપ ના સકેગા રાઝ હો કિતના ગેહરા’ સુધીની મજલ જોવા મળે છે. નીનુ મઝુમદારના ‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં’માં ગણિતની અણઆવડતની વાત નથી, પણ આકાશમાં તારાની અમાપ સંખ્યાની વાત છે. ગણતરીની બાબતમાં વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર કેટલાંક પ્રાણીઓ ગણતરી કરી શકે છે અને કેટલાંક તો મનુષ્ય કરતાં વધુ સારી રીતે!...
સેન્ટ્રલ અમેરિકામાં દેખાતા નર દેડકાની માદાને રાજી કરવાની કળામાં ગણિત હોય એવું લાગે છે. કદમાં અખરોટ જેવડા આ દેડકાનો સ્વર બુલંદ અને લયબદ્ધ હોય છે. હવે જો અન્ય નર એ જ માદાને રીઝવવા ઉત્સુક હોય તો એ સામો અવાજ કરવા લાગે. આ સાંભળ્યા પછી પહેલો નર બે વખત વહાલભર્યા ઉચ્ચારણ કરે અને જો પ્રતિસ્પર્ધી નર એવો જ જવાબ આપે તો પહેલો નર પછી ત્રણ વખત વહાલભયાર્ં ઉચ્ચારણ કરે. આ ક્રમ ચાલુ રહે અને એક એક ઉચ્ચારણની સંખ્યા વધતી જાય. છથી સાત ઉચ્ચારણ સુધી આ મુકાબલો ચાલુ રહે. જોકે, ગળાની આ કસરત થકવી દેનારી અને જોખમને નોતરું આપનારી પણ હોય છે, કારણ કે આ અવાજ સાંભળીને ચામાચીડિયા જેવા શિકારી એનો શિકાર કરવા આવી જવાની શક્યતા હોય છે. જોકે નર દેડકા પાસે અવાજની સ્પર્ધામાં ઊતરવા સિવાય છૂટકો નથી. આ સંગીત મુકાબલા દરમિયાન માદા બેઠી બેઠી નરના આલાપ સાંભળે, એની ગણતરી કરે અને જે નરે વધુવહાલભર્યા આલાપ લીધા હોય એની બની જાય. વૈજ્ઞાનિકોનું  સંશોધન જણાવે છે કે દેડકાના મગજમાં વિશિષ્ટ કોષ હોય છે જે અવાજની ગણતરીની નોંધ રાખી શકે છે.

વૈજ્ઞાનિકોએ કરેલા વ્યાપક સંશોધન પ્રમાણે પ્રાણીઓ ગણતરી કરવામાં પાવરધા હોય છે. ચોક્કસ જાતિના કરોળિયા જાળમાં કેટલા જંતુઓ સપડાઈ ગયા છે એની નોંધ રાખી શકે છે. કદ કરતાં સંખ્યામાં એને વધુ રસ હોય છે. ચળકતા રંગની માછલીને સંખ્યાનું ભાન હોય છે. આ માછલીઓ પાંચ, આઠ કે દસના જૂથમાં ફરતી હોય છે. ચિમ્પાન્ઝીને તો અરેબિક ભાષાની એકથી નવ સુધીની સંખ્યા શીખવવાનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. એટલું જ નહીં, પણ આ પ્રાણી સંખ્યાને યોગ્ય ક્રમમાં (3 પછી 5 પછી 7 વગેરે) ગોઠવી શકવાની આવડત ધરાવતું હોવાનું સિદ્ધ થયું છે. હાયેના (ઝરખ) શિકાર કરતી વખતે ચોક્કસ સંખ્યામાં જ જાય છે. ટૂંકમાં કહીએ તો પ્રાણીઓ પણ ગણતરીમાં પાવરધાં હોય છે.